લેખાનુભુતિ

બાળક ઘડતરમાં પ્રમુખ ભૂમિકા – માતા-પિતાની

આજની યુવા પેઢીમાં ઘટતા જતા સંસ્કારો, સદગુણો, પ્રમાણિકતા, સત્યનિષ્ઠા જેવા પાયાના સદગુણો કે મૂલ્યો ને પુનઃ પ્રસ્થાપિત કરવાની જવાબદાર ભૂમિકા બાળ ઉછેરના તબક્કાથી કાર્યરત થાય છે માટે બાળકના ઘડતરમાં પ્રમુખ ભૂમિકા માતા પિતાની કે કુટુંબના સભ્યોની છે કારણકે બાળકનો પ્રથમ પ્રેમ માતા-પિતા છે. આથી માતા-પિતા બાળકના માર્ગદર્શક બને તો બાળકને યોગ્ય દિશા મળે. 

   https://divyamudita.com/balak-ghadatar-pramukh-bhimka-matapitani/માતા-પિતા ના પ્રેમથી પોષેલુ બાળક વટવૃક્ષ બને છે. જો છોડને ઓથ ન મળેતો તે આડું અવળું ગમે તે દિશામાં ફૂટી નીકળે માટે પ્રેમની અને હૃદયની ભાષા સાંભળતા બાળક માટે માતા-પિતાનો સહવાસ અતિ આવશ્યક છે. માતાપિતા ના પ્રેમ થી બાળક સોળેકળાએ ખીલે છે. જેથી તેનો આંતરિક અને બાહ્ય વિકાસ ઝડપથી થાય છે. આમ, ઉત્તમ સંસ્કાર સિંચન માતાપિતાના સહિયારા સકારાત્મક પ્રયાસ થકી જ સંભવ બને છે. આમ જોઇએતો ‘ ઉગે તોજ વાવ્યું કહેવાય’,પછી તે વ્રુક્ષ્ વાવવાની પ્રક્રિયા હોય કે બાળ ઉછેરની ! વ્રુક્ષ્ વાવ્યા પછી એની યોગ્ય માવજત કરવામાં ન આવે તો શું થાય? એમ,બાળક પેદા કરી મા-બાપ એમની બાળ ઉછેર ની જવાબદારી નિભાવવામાં ઉણા ઉતરે તો શું થાય? કેવી સ્થિતિ સર્જાય? જે અત્યારે આપણે રોજબરોજ ના સમાચારપત્રો કે અન્ય મિડીયાના માધ્યમથી યુવાન છોકરા-છોકરીઓના વર્તન વ્યવહારમાં જોઈ કે અનુભવી શકીએ છીએ.

મોટા મોટા કેળવણીકારો કે શિક્ષણવિદોએ કહ્યું છે કે બાળકની પ્રથમ શાળા કે શિક્ષક માતા-પિતા પોતે જ છે

આજનુ આ યુવાધન અંધ બની દિશાવિહીન પથ પર ભટકી રહ્યું છે. આમ કેમ બને છે ? આ પ્રશ્ન યક્ષ પ્રશ્ન છે? આમ જોઈએ તો ઓછે વત્તે અંશે દરેક મા-બાપની પોતાના સંતાનો માટે ફરિયાદ રહેતી જ હોય છે કે મારું સંતાન મારા કહ્યામાં નથી, ગાંઠતું નથી, મનમાની કરે છે વગેરે વગેરે. પછી એ ફરિયાદનો ઉકેલ મેળવવા પતિ-પત્ની એકબીજા પર દોષનો ટોપલો ઢોળી દેતા હોય છે. બેઉ જણા એકબીજા પર વાર કરતા કરતા સમગ્ર ઘરનું વાતાવરણ ડહોળી નાખતા હોય છે. બાળક આ બધુ જ મુક સાક્ષી બની જોતું હોય છે અને મનોમન નક્કી કરી લેતું હોય છે કે મને આ પરિસ્થિતિમાં મુકનાર જવાબદાર પરિબળ મારાં મા-બાપ પોતે જ છે. આમ માં-બાપના હાથમાંથી છટકેલી કમાન છેવટે શિક્ષકને સોંપવામાં આવે છે. અને શિક્ષક પાસે બાળકના સંસ્કાર સિંચનની અપેક્ષાઓ રખાતી હોય છે. નવાઈની વાત તો એ છે કે મોટા મોટા કેળવણીકારો કે શિક્ષણવિદોએ કહ્યું છે કે બાળકની પ્રથમ શાળા કે શિક્ષક માતા-પિતા પોતે જ છે..લ્યો બોલો હવે ? પોતાના બાળકને ઘરથુંથી જ સફળ જીવન જીવવાના પાઠ શીખવવાની પહેલી પાઠશાળા જ બાળક ને જીવનલક્ષી શિક્ષણ આપવામાં નિષ્ફળ નીવડે તો બીજી પાઠશાળા એવો શિક્ષક “પાકા ઘડે કાંઠલા’ કેવી રીતે ચઢાવી શકે,? એમાંય વળી,આજનો શિક્ષક ! આપણે હવે પછીના લેખમાં આ બાબત ઉજાગર કરતી  શિક્ષકની ભૂમિકાને પણ જોઈશું.

દીકરા-દીકરીઓના ઉછેરમાં ભેદભાવ કે પક્ષપાત ભર્યું વલણ ન રાખતા તેમને જરૂરી પ્રેમ, હુંફ, લાગણી કે સહાનુભૂતિ આપી યોગ્ય માર્ગદર્શક આપી તેના સાચા પથદર્શક બનવું                

ઈશ્વરનું બીજું સ્વરૂપ ગણાતા બાળકના જન્મદાતા એવં ભાગ્યવિધાતા માતા-પિતા કે પતિ-પત્ની ને મારે કેટલાક સવાલ કરવા છે અને કહેવું છે કે શું આપ આપના બાળકના સંસ્કાર કે મૂલ્યો સિંચવાની જવાબદારીઓથી જાણે-અજાણે છટકવાનો નિષ્ફળ પ્રયત્ન તો નથી કરી રહ્યાને? બદલાતી જતી જીવન શૈલીના ભાગ રૂપે ક્યાંક પદ, પ્રતિષ્ઠા કે પૈસા પાછળ પાગલ બનીને અથવા તો અન્ય કોઈના હરીફ બનીને કે પછી નૈતિકતાને નેવે મુકી હેતુ વિહીન પ્રવૃત્તિઓ  પાછળ દોડાદોડ કરી આપણા બાળકને જાણે અજાણે અન્યાય તો નથી કરી રહ્યાને? માં-બાપે બાળકને  નકારાત્મકતાથી દૂર રાખવા પોતેજ પોતાનું વર્તન સુધારવું પડશે. હું દરેક મા-બાપને  વિનંતી કરી આગ્રહ પૂર્વક કહુ છું કે પોતાના બાળકના ઉત્તમ ભાગ્ય નિર્માણ માટે આવી ઘેલછા છોડી બાળક માટે એક આદર્શ રોલ મોડલ બનો. આપ ત્યારેજ આપના બાળકના આદર્શ બની શકશો જયારે તમારું પોતાનું ચારિત્ર્ય નિષ્કલંક હશે.

 

https://divyamudita.com/balak-ghadatar-pramukh-bhimka-matapitani/માં-બાપે પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે કેટલીક આચારસંહિતાઓ પોતે શીખવી પડશે. પોતાના આચરણ થકી બાળકને નીતિમત્તા શીખવવાની હોઈ, પહેલા પોતે નીતિમત્તાયુક્ત આચરણ શીખવું પડશે. આપના નીતિમત્તાપૂર્ણ આચરણ થકી બાળકને જીવન મૂલ્યો શીખવવા પડશે. માબાપે બાળકના માળી બની સંતાનોનો ઉછેર કરવો પડશે. દીકરા-દીકરીઓના ઉછેરમાં ભેદભાવ કે પક્ષપાત ભર્યું વલણ ન રાખતા તેમને જરૂરી પ્રેમ, હુંફ, લાગણી કે સહાનુભૂતિ આપી યોગ્ય માર્ગદર્શક આપી તેના સાચા પથદર્શક બનવું પડશે. બાળક પર આંધળો વિશ્વાસ ન રાખતા તેની તમામ ગતિવિધિ પ્રત્યે નજર રાખી તેની લાગણીઓને ઠેંસ ન પહોચે તેમ તેની તકેદારી રાખી સલાહ-સુચન કરવાનો આગ્રહ રાખવો પડશે. બાળકના મિત્ર બની તેના સારા નરસા વિચારોને જાણવા પ્રયત્ન કરવો પડશે. વળી, જરૂર જણાય ત્યાં તેના સાચા ખોટા નિર્ણયો માટે યોગ્ય ભાગીદારી પણ કરવી પડે. બાળકની લાગણી દુભાય તેવું વર્તન માં-બાપે ક્યારેય ના કરવું જોઈએ. બાળક પ્રત્યે હંમેશા હકારાત્મક દ્રષ્ટિકોણ રાખી તેની સફળતા અને નિષ્ફળતાને બિરદાવવી જોઈએ. દાત: સફળતા વખતે તાળીઓથી વધાવીએ તેમ નિષ્ફળતા મળતાં તેને બમણા વેગ થી ટેકો આપી હકારાત્મક અભિગમ થકી તેની કામિયાબી માટે પ્રેરણાસ્ત્રોત બનીએ. સૌથી અગત્યનું તો તમે તમારા બાળક સાથે લાગણીઓનું આદાન-પ્રદાન કરી શકો એટલો સમય તેમને ચોક્કસ આપો. બાળકને સંયુક્ત કુટુંબની આચારસંહિતાઓ શીખવો. બને ત્યાં સુધી સંયુક્ત કુટુંબમાં રહેવાનો આગ્રહ રાખો સંયુક્ત પરિવારમાં ઉછરેલ બાળક માનસિકરીતે તંદુરસ્ત હોય છે. માં-બાપે યાદ રાખવું કે આજે કરેલું કાલે સામે આવવાનું જ છે પછી તે સારું યાં ખોટું.

 જો સંતતિ સંસ્કારી અને સુશીલ  હશે તો આ પદ,પ્રતિષ્ઠા,પૈસો વગેરે ઓટોમેટિક મળી રહેશે. અને પાછલું જીવન સ્વર્ગ બની રહેશે      

https://divyamudita.com/balak-ghadatar-pramukh-bhimka-matapitani/ઉક્ત તમામ બાબતોનું વિશ્લેષણ કરતા કેટલાક ઉદાહરણો જોઇએતો, એક નાનકડું ઉદાહરણ આપું. મારી સાથે સરકારી બસ માં અપ ડાઉન કરતા એક બહેને તેમના પડોશમાં રહેતા એક પરિવાર વિશે મને કહેલુકે તેમના પડોશમાં રહેતો પરિવાર જેમાં પતિ-પત્ની બેઉ  જણા સવાર પડતા જ પોત પોતાના કામ ધંધે કામના સ્થળે નીકળી પડતા હતા. ઘરના અન્ય સભ્યો જેમાં બાળકમાં એક છોકરો અને ઘરડા સાસુ સસરા હતા જેમની તમામ પ્રકારની તકેદારી માટે નોકર ચાકર નિમાયા હતા. વળી,બાળકના શિક્ષણ માટે ખાસ ટ્યુશનની પણ વ્યવસ્થા ગોઠવાયેલી હતી. આ પરિવાર આર્થિક રીતે ખુબજ સંપન્ન હોવાના નાતે સમાજ તેમજ અન્ય જગ્યાએ એમનો મસ મોટો પ્રભાવ હતો. જેથી તેમને લોકસેવા પાછળ પણ સમય આપવો પડતો હતો. આમ ને આમ સમય જતા પોતાનું બાળક યુવાનીમાં પ્રવેશી ચૂક્યું. પણ અરે આ શું? દિવસે દિવસે તે છોકરાની એક પછી એક કુટેવો સામે આવતા જ માં-બાપ માટે બહુ મોડું થઇ ગયું હતું! હવે પૈસો, પદ કે પ્રતિષ્ઠા નો કોઈ હેતુ રહ્યો નહતો. પોતાનો દીકરો તમામ પ્રકારની અનૈતિક પ્રવૃતિઓ સાથે જોડાઈ ચુક્યો હતો. હવે તે કોઈના કહ્યામાં નથી, વ્યસન કરવું અને આખો દિવસ મિત્રો સાથે ફરવું, કોઇજ ભવિષ્ય નહિ. માં-બાપ માટે ના સહી શકાય કે ના રહી શકાય તેવી પરિસ્થિતિ સર્જાઈ. દીકરાના કુકર્મોના કારણે કોઈ છોકરી આપવા તૈયાર ના થયું. છેવટે દીકરો માં-બાપને સાચવે એની જગ્યાએ ઉલટુ માં-બાપે દીકરાને સંભાળવાનું થયું. ઘરડા માં-બાપની લાકડી થવાને બદલે દીકરો બોજ બની ગયો.આખું ઘર ઘર ન બનતા ખંડેર બની ગયું. આજે આ દંપતીને પૈસો ખારો લાગેછે. સૌને હાથ જોડી જોડીને કહે છે કે ભાઈ પૈસો, પદ કે પ્રતિષ્ઠા આપની સંતતિ ના ભવિષ્ય થી વધારે નથી. જો સંતતિ સંસ્કારી અને સુશીલ  હશે તો આ પદ,પ્રતિષ્ઠા,પૈસો વગેરે ઓટોમેટિક મળી રહેશે. અને પાછલું જીવન સ્વર્ગ બની રહેશે. આવી પરિસ્થિતિ ઘણી જગ્યાએ જોવામળતી હોયછે. માટે મા-બાપે પોતાના બાળકને ઉછેરવામાં પોતાનો ખાસ ફાળો આપવો જરૂરી બને છે..

માતા-પિતાની ઓથ ન પામેલા કેટલાક સંતાનો મોટા થઇ માબાપને ઘરડાઘરમાં કે પછી જીવતે જીવ નરક ના દ્વાર પર ઉભાંકરી દેતા હોય છે. પોતાના ભવિષ્યની લેશમાત્ર પરવાહ કર્યા વિના પ્રેમકે સહવાસ મેળવવા અન્ય વિકલ્પો શોધતા અવળા પાટે ચઢી પોતાની જીંદગી બરબાદ કરવા લાગી જતા હોય છે. આવા ઘણા કિસ્સા આપણે સમાજમાં જોઈએ છીએ. માતા-પિતાની તમામ ગતિવિધિ બાળકના ઘડતરમાં જવાબદાર ભૂમિકા અદા કરવામાં શિરમોર હોય છે માટે ઘરમાં પતિ-પત્ની એ બાળકોની હાજરીમાં કેટલીક આચારસંહિતાઓ નું પાલન કરી એકબીજાનું સન્માન જાળવી ઉચ્ચ આદર્શો શીખવી તેનું ઘડતર કરી સાચા અર્થમાં પ્રમુખ ભૂમિકા અદા કરવી.

https://divyamudita.com/balak-ghadatar-pramukh-bhimka-matapitani/Writer : પ્રો.ડોક્ટર રંજન પટેલ ચૌધરી , સર્વ વિદ્યાલય કેમ્પસ કડી.
(ત્રીપલ એમ.એ, એમ.એડ્, પીએચ.ડી.)
શૈક્ષણિક સંશોધન: સંશોધન પેપર ,આર્ટીકલ તેમજ પુસ્તક પ્રકાશન
પ્રમુખ: ઇગલ ઇન્સ્ટિટયૂટ ઓફ ચેરીટેબલ ટ્રસ્ટ, મહેસાણા.

Related Posts