લેખાનુભુતિ

સ્ત્રી-પોતે જ પોતાની રક્ષક!

        સમાજની વિચારધારા પ્રમાણે બહેન કે દીકરી ત્યારે જ સુરક્ષિત છે જ્યારે એને કોઈ પુરુષનું સંબલ પ્રાપ્ત થતું હોય.એ પુરુષ પછી ભાઈ, પિતા, પતિ કે અન્ય કોઈ પાલક પુરુષ હોઈ શકે છે.ટૂંકમાં એવું કહેવાય કે સ્ત્રી ત્યારે જ સુરક્ષિત છે જ્યારે એને કોઈ પુરુષની ઓથ હોય.અને તેથી જ તો માતા-પિતા કે ભાઈ  પોતાની બેન-દીકરીને તેની સુરક્ષા અને સુચારુ જીવન કાજે લગ્ન નામના પવિત્ર બંધનમાં બાંધી નિરાંતનો દમ લે છે ! રોજબરોજની સ્ત્રીઓ પર થતી અત્યાચાર સંબંધી ઘટનાઓનું પૃથકકરણ કરીએ તો ચોક્કસ સમજી શકાય કે ઉપરોક્ત દર્શાવ્યા પ્રમાણેના પુરુષ પરિબળો શું સાચા અર્થમાં સ્ત્રીનું રક્ષણ કરી શકે છે ખરા? કારણ કે બનતી અત્યાચારી ઘટનાઓ પૈકી સ્ત્રી જેના દ્વારા અત્યાચારનો ભોગ બને છે એમાંથી લગભગ મોટાભાગના પાત્રો અથવા તો સંબંધોમાં ઉપર દર્શાવ્યા પ્રમાણેના જ પુરુષ પાત્રો જવાબદાર હોય છે.

https://divyamudita.com/self-defense-women/આમ, ક્યાંક પુરુષ પાત્રો પૈકી પતિ દ્વારા અત્યાચારનો ભોગ બનેલી સ્ત્રી પિયર વાટ ભણી ભાઇનું શરણું લેતી હોય છે. તો વળી ક્યાંક આ હળાહળ કળિયુગમાં ભાઈના અત્યાચારનો ભોગ બનેલ ભાઈની બહેન અન્ય પાત્રનું શરણું શોધવા મજબૂર બનતી હોય છે.આમ,સાસરી અને પિયર એમ બંને જગ્યાએ અત્યાચારનો ભોગ બનેલ સ્ત્રી યોગ્ય પાત્ર શોધવા જતાં જો ભૂલી પડી ગઈ તો તો પત્યું જ સમજો ફિરવોહી રફતાર…. અત્યાચારનો સિલસિલો મીટ માંડી ને બેઠો સમજો ! હવે સ્ત્રી બિચારી ! “ જાયે તો જાયે કહાં”? જોકે બહુ ઓછા પ્રમાણમાં આવી અત્યાચારી ઘટનાઓ બનતી હોય છે પરંતુ, દિવસે દિવસે પ્રમાણ તો વધે જ છે એમાં કોઈ શંકા ને સ્થાન નથી. આમ જોતાં શું સ્ત્રીએ લાઈફ ટાઇમ આમ જ શરણું શોધતાં રહેવાનું? જવાબ છે ના, બિલકુલ નહિ ! સ્ત્રીને અત્યાચાર મુક્ત કરવા અને સ્વાભિમાન બક્ષવા માતા-પિતા તો જાગૃત બને અને એથી વિશેષ સ્ત્રી પોતે પણ કટિબદ્ધ બને.પરંતુ કટિબદ્ધ કેવી રીતે બનવું એ પેચીદો સવાલ છે. આ સવાલના જવાબમાં હું મારો મત દર્શાવતાં અંગુલી નિર્દેશ કરુછું કે દિકરીને બચપણથી જ તેનાં માવતર શિક્ષણની સાથે દીકરીની કેળવણીનો પણ ચોક્કસ ખ્યાલ રાખે..દીકરીનું એવું તો પાયાનું ઘડતર કરાય કે આ ઘડતર  દીકરીને અબળા નહિ પણ સબળા પુરવાર કરે.બેન દીકરી ને એ ખ્યાલ રહે કે સબળા બનવા માટે લોભ, લાલચ,વિકાર કે તકલાદી આકર્ષણથી પર રહેવું આવશ્યક છે. કારણકે અનિચ્છનીય બનાવો અને અત્યાચારી ઘટનાઓ પાછળ આવા પ્રકારના કારણો જ જવાબદાર હોય છે,

ડિગ્રીથી રોટલો, ઓટલો અને પ્રતિષ્ઠા મેળવી શકાય છે.પરંતુ જિંદગીની કસોટીમાં ઉત્તીર્ણ થવા માટે આત્મવિશ્વાસ, મૂલ્યો, આત્મસન્માન જેવી પાયાની બાબતો અતિ આવશ્યક હોય છે

આમ સ્ત્રીએ મક્કમ મનોબળ અને નીતિમત્તા યુક્ત જીવન જીવી પોતાનું ભાવિ મજબૂત બનાવવા કટીબદ્ધ બનવું પડે.આમાં ક્યાંક શિક્ષણ સંસ્થાઓએ પણ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અભ્યાસક્રમમાં સમાવિષ્ઠ મુલ્યો પીરસી પોતાનું યોગદાન આપવું પડશે. કારણ કે જીંદગીમાં આવતી સમસ્યાઓ ઉકેલવા માટે માત્ર ડિગ્રી કોઈ જ કામની નથી. ડિગ્રીથી રોટલો, ઓટલો અને પ્રતિષ્ઠા મેળવી શકાય છે.પરંતુ જિંદગીની કસોટીમાં ઉત્તીર્ણ થવા માટે આત્મવિશ્વાસ,મૂલ્યો,આત્મસન્માન જેવી પાયાની બાબતો અતિ આવશ્યક હોય છે.આત્માવિશ્વાસ અને આત્મસન્માન ના અભાવે વ્યક્તિત્વ તકલાદી, બોદુ અને પલાયનવૃત્તિ વાળું ખોખલું બને છે.આવા ખોખલા વ્યક્તિત્વથી જીવનમાં આવતી સંસારિક સમસ્યાઓ નો ઉકેલ દીકરીએ આત્મહત્યા અથવા તો અત્યાચારનો ભોગ બનીને ચૂકવવી પડતી હોય છે..

https://divyamudita.com/self-defense-women/હવે મુદ્દાની વાત કરીએ, સ્ત્રી પોતે પોતાનો  રક્ષક ત્યારે જ બની શકે છે જ્યારે તે સાંસ્કૃતિક વિરાસતને સાચા અર્થે પચાવી જાણે.વળી,સ્વતંત્રતા અને સ્વચ્છંદી વિચારસરણી વચ્ચેની પાતળી ભેદરેખાને સમજી અને વર્તન કરે.આમ, સ્ત્રી જયારે સંસ્કૃતિમાં બતાવ્યા પ્રમાણેની સભ્યતા અને વિવિધ મૂલ્યોનો વ્યવહારમાં વિનિયોગ કરી લક્ષ્ય પ્રાપ્તિ માટે પોતાના કુટુંબ કે આસપાસના લોકો સાથે વ્યવહારિક રીતે આદાન પ્રદાન કરે તો ચોક્કસ એની ગરિમા જળવાશે અને આ ગરીમા થકી તે સામાજિક વર્તુળમાં સુસંસ્કારી સાબિત થશે. સંસ્કાર અને શીલ થકી સ્ત્રી પોતે પોતાનું રક્ષણ કરી શકે તે માટે સ્ત્રી પોતે વસ્ત્ર પરિધાનથી માંડી સાંસ્કૃતિક ધરોહરની આચારસંહિતા જાળવી તેનો વ્યવહારમાં યોગ્ય ઉપયોગ કરશે તો સૌ કોઈ તેની ગરિમા જાળવશે અને તેનું સન્માન કરશે.

        કહેવાય છે કે લજ્જારુપી મર્યાદા જ સ્ત્રીનું રક્ષા કવચ છે. હું માનું છું ત્યાં સુધી મર્યાદારૂપી વ્યવહાર , વર્તન પોતાની જાતને રક્ષવામાં ઉત્તમ જડીબુટ્ટી સાબિત થાય છે. ઈતિહાસમાં નોંધાયેલ નોંધપાત્ર કેટલાય સ્ત્રી ચરિત્ર થઈ ગયા છે કે જે પોતાના ચારિત્ર્ય અને શીલ દ્વારા પોતાનું અને પોતાના રાજ્યનું રક્ષણ કરી ચૂક્યા હોય. ઉદાહરણ તરીકે રાણી લક્ષ્મીબાઈ, સતી  સાવિત્રી, રાણી અહલ્યાબાઇ, ઋષિ પુત્રી અપાલા, કાત્યાયની અને મૈત્રેયી વગેરે.

         શીલ અને સંસ્કાર આત્મવિશ્વાસ જગાવાનું દૈવીય બળ છે. આત્મવિશ્વાસથી આત્મસન્માન પ્રાપ્ત થાય છે.આત્મસન્માન જળવાઈ રહે તે માટે સ્ત્રીએ દરેક જણ સાથે સભ્યતાથી વર્તવું જોઈએ.આમ,સભ્ય વર્તન થકી અજુગતી કે અનિચ્છનીય પરિસ્થિતિનો ભોગ બનવાથી નિ:સંદેહ બચી જવાય છે.આમ,સ્ત્રી પોતે જ પોતાનો રક્ષક બની શકે.

 

https://divyamudita.com/self-defense-women/Writer : પ્રો.ડોક્ટર રંજન પટેલ ચૌધરી , સર્વ વિદ્યાલય કેમ્પસ કડી,
(Triple M.A , M.Ed, Phd.)
શૈક્ષણિક સંશોધન : સંશોધન પેપર,આર્ટીકલ તેમજ પુસ્તક પ્રકાશન.
પ્રમુખ : ઇગલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ચેરિટેબલ ટ્રસ્ટ,મહેસાણા.

ફોટો સોર્સ : ગુગલ

Related Posts