લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક:29

ધ્યાનયોગ ::આ અગાઉના લેખમાં આપણે સમાજની ઉચ્ચતા, સમાધિના આનંદ વિશે જોયું; આપણે એ પણ જોયું કે જ્યાં સુધી આ ભૌતિક શરીર જીવિત રહે છે ત્યાં સુધી આહાર, નિંદ્રા, સ્વરક્ષણ જેવી શારીરિક જરૂરિયાતો પણ મનુષ્યે પરિપૂર્ણ કરવી પડે છે. જરૂરિયાત પૂરતી તે બધી જરૂરિયાતો પૂર્ણ કરી વ્યક્તિ શ્રદ્ધા અને નિશ્ચયપૂર્વક યોગા અભ્યાસમાં મગ્ન થઈ જાય તો તે જીવનમાં આવતી બધી સારી- નરસી પરિસ્થિતિમાં તટસ્થ રહી શકે.
વ્યક્તિએ યોગાભ્યાસમાં નિમગ્ન થઈને સર્વ દુન્યવી ઈચ્છાઓનો ત્યાગ કરવો જોઈએ. તેના માટે દૃઢ નિશ્ચય કરવો જોઈએ… તેનું એક ઉદાહરણ જોઈએ: એક ચકલીએ સમુદ્ર તટે ઈંડા મુકેલા. પરંતુ સમુદ્રના વિશાળ મોજાઓ દ્વારા તે ઈંડા સમુદ્ર પોતાની સાથે લઈ ગયો. ચકલી બહુ દુઃખી થઈ ગઈ.બેચેન થઈ ગઈ. તેણે સમુદ્રને ઈંડા પાછા આપવા ખૂબ વિનંતી કરી. પરંતુ સમુદ્રએ તેની કોઈ વિનંતી પર ધ્યાન ન આપ્યું. એટલે ચકલીએ સમુદ્રને સુકવી નાખવાનો નિર્ધાર કર્યો. તે પોતાની ટચૂકડી ચાંચ વડે સમુદ્રનું પાણી ઉલેચવા લાગી… આપણને એમ થાય કે ક્યાં વિશાળ સમુદ્ર અને ક્યાં આ નાનકડી ચકલી!!! તે કેવી રીતે સમુદ્રનું પાણી ઉલેચી શકે??? બધા એની મજાક ઉડાવવા લાગ્યા. પરંતુ ચકલીએ તો પોતાનું કામ ચાલુ જ રાખ્યું. તેના આ કાર્યની વાત બધે ફેલાઈ ગઈ. છેવટે ભગવાન વિષ્ણુના વિરાટ વાહન પક્ષીરાજ ગરુડે આ વાત સાંભળી. ગરુડને પોતાની જાતિની આ નાનકડી ચકલી પર દયા આવી. તે ચકલીને મળવા આવ્યા. ચકલીના દ્રઢ સંકલ્પથી ગરુડ મહારાજ પ્રસન્ન થયા. અને તેમણે તેને મદદ કરવા માટે વચન આપ્યું. તેમણે સમુદ્રને સમજાવ્યો કે જો તે ચકલીના ઈંડા પાછા નહીં આપે તો પોતે તે ચકલીનું કામ હાથમાં લેશે. ગરુડ તો સ્વયમ્ ભગવાન વિષ્ણુનું વાહન હતાં. સમુદ્ર તો ભયભીત થઈ ગયો. અને તેણે ચકલીનાં ઈંડાં પાછાં આપ્યાં.

https://divyamudita.com/bhagvad-geeta-ark-29/ આ ટૂંકી વાર્તા ઉપરથી આપણે એ બોધ લેવાનો છે કે જો દ્રઢ સંકલ્પ અને સારી ભાવના સાથે જો આપણે કોઈ કાર્ય કરીએ તો દુનિયાની શ્રેષ્ઠ શક્તિઓ આપણને મદદ કરવા તત્પર હોય જ છે. જો સાધનામાં પણ દ્રઢ નિશ્ચય સાથે આપણે સાધના ચાલુ રાખીએ તો પરમાત્મા આપણી સાથે જ હોય છે. ભલે પછી તેમાં ગમે તેટલી અડચણો આવે !!!તે બધી અડચણો, તકલીફોને આપણે સરળતાથી પાર પાડી શકીએ છીએ.જરૂરત છે તો ફક્ત દ્રઢ નિશ્ચયની…આપણું મન ખૂબ ચંચળ છે. અસ્થિર વૃત્તિનું છે.તે તો જ્યાં અને ત્યાં ભટકતું જ રહે છે. પરંતુ દૃઢ નિશ્ચય દ્વારા તે મનને સંયમિત કરીશું, નિયંત્રિત કરીશું તો નિશ્ચિત પણે આપણે સાધનાની દિવ્ય સુખની સિદ્ધિ પ્રાપ્ત કરીશું જ… તે ઉપરાંત ભૂતકાળમાં કરેલા કર્મોના ફળમાંથી પણ મુક્તિ મેળવીશું. જ્યારે કર્મયોગમાં જ્ઞાન અને વૈરાગ્યનો વધારો થાય છે ત્યારે જે અવસ્થા ઉત્પન્ન થાય છે તેને “જ્ઞાનયોગ” કહે છે.અને જ્ઞાનયોગમાં જ્યારે અનેક ભૌતિક પ્રક્રિયાઓ દ્વારા પરમાત્માના ધ્યાનમાં વૃદ્ધિ થાય છે અને મન તેમનામાં પરોવાય છે ત્યારે જે અવસ્થા પ્રાપ્ત થાય તેને “અષ્ટાંગયોગ” કહેવાય છે. અષ્ટાંગયોગને પાર કરીને મનુષ્ય પૂર્ણ પરમેશ્વરની સમીપે પહોંચે છે. તેને “ભક્તિયોગ” કહેવાય છે. જે જીવનનું અંતિમ લક્ષ્ય છે. તો મનુષ્ય પૂર્ણ પરમેશ્વરને કેવી રીતે જાણી શકે? તેના લક્ષણો શું હોય? તે બધી જાણકારી આપણે આ પછીના લેખમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ

https://divyamudita.com/bhagvad-geeta-ark-29/Writer : સરોજબેન નાયક , રીટાયર્ડ  શિક્ષિકા
YouTuber : GyanTrusha
Gandhinagar Metro & Cloth Look Fashion Magazine International

Related Posts