લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક:26

આજકાલ સોશિયલ મીડિયામાં આપણે કોઈને મદદ કરતા ફોટા કે વિડિયો કે પછી કોઈ વૃદ્ધાશ્રમ, અનાથ આશ્રમમાં ભોજન કરાવતા ફોટા કે વિડીયો કે પછી શિયાળામાં કોઈને ગરમ કપડાં કે ધાબળા આપતા વિડીયો, કોઈ ગરીબોને અનાજ-કરિયાણાની કીટ આપતા મેસેજ કે આવા તો અનેક પ્રકારના ફોટા વિડિયો જોઈએ છીએ. સારું છે. એના દ્વારા બીજા લોકોને પણ આવી પ્રવૃત્તિ કરવાની પ્રેરણા મળે છે.પરંતુ ગીતામાં આ બાબતે એવું કહેવામાં આવ્યું છે કે જો તમે એક હાથે દાન કરો છો તો તમારા બીજા હાથને પણ તેની ખબર ન પડવી જોઈએ. કહેવાનો ભાવાર્થ એ છે કે તમે જે દાનની ભાવના રાખો છો, કોઈની મદદ કરવાની તમારી જે ઉચ્ચ ભાવના છે તેને જાહેર ન કરો. જ્યારે તમે જાહેર કરો છો ત્યારે તમારામાં તમારી વાહ વાહ સાંભળવાની કામના જાગે છે. અને એ કામનાથી તમારામાં મોહ જાગે છે. જે તમારા માટે અનિષ્ટ છે. જે મદદ કરી, જે દાન કર્યું તેમાંથી જો કામના જાગે, મોહ જાગે, કોઈ તમારી વાહ વાહ ન કરે તો તમે નિરાશ થાઓ. દુઃખી થાઓ. તો તે દાન, તે મદદનું સારું પરિણામ નથી આવતું. માટે, સ્વાર્થ રહિત, કોઈપણ પરિણામની ભાવના રાખ્યા વગર, અંગત ઈચ્છા રાખ્યા વગર કરેલું દાન, કરેલી મદદ, કરેલું કોઈ પણ કર્મ તમારામાં સંતોષ લાવે છે. જેનાથી તમે તટસ્થતા તરફ આગેકૂચ કરો છો.

https://divyamudita.com/bhagvad-geeta-ark-26/ભગવદ ગીતામાં પરમેશ્વર સાથે પોતાને જોડી દેવાની ક્રિયાને “યોગ”કહે છે. જીવાત્માનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. તે પરમેશ્વરની તટસ્થ શક્તિ છે. યોગ દ્વારા વ્યક્તિ પરમેશ્વરની તટસ્થ શક્તિ સાથે જોડાય છે. અને એટલે વ્યક્તિ જ્યારે માયાના પાશમાંથી છૂટીને પરમેશ્વરની એ તટસ્થ શક્તિ સાથે જોડાય છે ત્યારે તેને પરમ શાંતિ, પરમ સંતોષની અનુભૂતિ થાય છે.  ફળની આશા રાખ્યા વગરનું દાન,મદદ… શાંતિ બક્ષે છે. અષ્ટાંગયોગમાં જુદા જુદા યમ, નિયમો તથા વિવિધ આસનો દ્વારા ધ્યાનાવસ્થિત થવા માટેનાં શરૂઆતનાં પ્રયાસોને સકામ કર્મ માનવામાં આવે છે. આવા કર્મથી સંપૂર્ણ માનસિક સમતા એટલે કે તટસ્થતા સિદ્ધ થાય છે. જેનાથી આપણી ઈન્દ્રિયો સંયમિત થાય છે. અને મનુષ્ય જ્યારે ધ્યાનની સાધનામાં પારંગત થઈ જાય છે ત્યારે તેની માનસિક પ્રવૃત્તિઓ, તેના વિચારોના વેગ ધીરે ધીરે હળવા થઈ બંધ થઈ જાય છે. જીવનમાં ગમે તેટલી મુશ્કેલી આવે, ગમે તેટલી બીમારીઓ આવે, ગમે તેટલા કષ્ટો આવે પરંતુ મનથી મજબૂત માણસ તે મુશ્કેલીઓ, તે બીમારીઓ, તે કષ્ટોને સહેલાઈથી પાર કરી જાય છે. મનને સંયમિત કરતાં ઈન્દ્રિયો સંયમિત થાય છે.આમ, આપણું મન એ આપણા બધ્ધ જીવનો મિત્ર પણ છે અને શત્રુ પણ છે. એ આપણને તારી પણ શકે છે અને ડુબાડી પણ શકે છે. જેણે મન પર વિજય મેળવ્યો તેને માટે મન એ સર્વશ્રેષ્ઠ મિત્ર છે. પણ જે આમ કરવામાં નિષ્ફળ જાય છે તેને માટે મન એ સૌથી મોટો શત્રુ છે.

આમ, આપણા જીવનની દરેક ક્રિયા પર મનનો ખૂબ ખૂબ મોટો ફાળો રહેલો છે. તો આવા આપણા મર્કટ જેવા મનને કેવી રીતે કાબુમાં લેવું, તેની અસરો કેવી અને કઈ કઈ હોય છે તે આપણે હવે પછી જોઈશું.

https://divyamudita.com/bhagvad-geeta-ark-26/Writer : સરોજબેન નાયક , રીટાયર્ડ  શિક્ષિકા
YouTuber : GyanTrusha
Gandhinagar Metro & Cloth Look Fashion Magazine International

Related Posts