મન હોય તો માળવે જવાય એ પ્રચલિત કહેવત શાશ્વત કરતી એક સત્ય ઘટના
મન હોય તો માળવે જવાય એ પ્રચલિત કહેવત શાશ્વત કરતી એક સત્ય ઘટના.. તામિલનાડુના નાના એવા ગામમાં રહેતી એન અંબિકા નામની છોકરીના માત્ર 14 વર્ષની ઉંમરમાં જ એક છોકરા સાથે લગ્ન થયા. અંબિકા જ્યારે 18 વર્ષની થઈ ત્યારે તે બે દીકરીઓની માતા હતી. અંબિકાનો પતિ તમિલનાડુ સરકારના પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરતો હતો. એક વખત પોલીસ કોન્સ્ટેબલ પતિ પરેડ જોવા માટે અંબિકાને સાથે લઈ ગયેલો. 10 ધોરણ સુધીનો અભ્યાસ પણ પૂરો ન કરનારી અંબિકાએ જિંદગીમાં પહેલી વખત શાનદાર પરેડ જોઈ . પરેડના મુખ્ય મહેમાન આઈપીએસ ઓફિસર હતા. અંબિકા જોયું કે આઈ પી એસ ઓફિસરને ખૂબ માન અને સન્માન સાથે આદર મળી રહ્યો હતો. બીજા પોલીસ અધિકારીઓ પણ આ મોટા સાહેબની આગળ પાછળ દોડતા હતા. ઘરે આવીને અંબિકાએ પતિને પૂછ્યું કે આ મોટા સાહેબ કોણ હતા? પતિ ઓછું ભણેલી પત્નીને આઇપીએસ ઓફિસર અંગે બધી વાત વિગતવાર કરી.
આઇપીએસ બનવા માટે યુપીએસસીની કઠિન પરીક્ષા પાસ કરવી પડે. આ પ્રચંડ પુરુષાર્થ કર્યો હોય પછી આવું માન સન્માન મળે. એ બધી વાત સમજી અંબિકાએ રાતભર પતિની વાતો પર વિચાર કરો. બીજા દિવસે એમને એના પતિને કહ્યું કે હું પણ આ પરીક્ષા આપુ અને પાસ કરું તો હું પણ આઈપીએસ ઓફિસર બની શકું? અંબિકાના પતિએ કહ્યું , હા, તું પણ બની શકે પણ એ માટે કોલેજ સુધીનો અભ્યાસ કરેલો હોવો જોઈએ. તે 10 મુ ધોરણ પણ પાસ નથી કર્યું એટલે આ પરીક્ષા આપવા માટે પહેલા તો તારે કોલેજ સુધીનો અભ્યાસ કરવો પડે. પછી યુ પી એસ સીની પરીક્ષા આપી શકે. જેમને બોર્ડની પરીક્ષા પણ પાસ નહોતી કરી એવી બે સંતાનોની માતા અંબિકાએ કહ્યું , કે જો તમે મને મદદ કરો અને મંજૂરી આપો તો હું કોલેજ પૂરી કરીને આ પરીક્ષા આપવા માગું છું. કદાચ બીજો કોઈ પતિ હોત તો પત્નીને આવા વિચાર પણ એને હસુ આવી ગયું હોત. પણ આ પતિ જુદી માટીનો હતો એમને પત્ની અંબિકાને આગળના અભ્યાસ માટે અને યુપીએસસીની પરીક્ષા માટે મંજૂરી આપી. આઇપીએસ ઓફિસર બનાવવાનું સપનું પૂરું કરવા માટે બે દીકરીઓની માતા અંબિકાએ વર્ષો પછી ફરીથી અભ્યાસ શરૂ કર્યો. એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે ધોરણ 10ની અને ધોરણ 12ની પરીક્ષાઓ પાસ કર્યા પછી કોલેજ પણ પૂરી કરી. પોતે જ્યાં રહેતા હતા ત્યાં આ પ્રકારની પરીક્ષાની તૈયારી માટે યોગ્ય માર્ગદર્શન મળી શકે તેમ ન હતું. યુ પી એસ સીના કોચિંગ કરવા માટે અંબિકા ચેન્નાઈ ગઈ. કોચિંગ બાદ એને યુપીએસસીની પરીક્ષા આપી પણ નિષ્ફળતા મળી. એક પછી એક એમ કરતા એમને ચાર ટ્રાય આપી. દરેક વખતે મળતી નિષ્ફળતાને પચાવીને પોતાના સપનાઓ પૂરા કરવા માટે એ આગળની પરીક્ષાની તૈયારીમાં લાગી જતી હતી. ચોથા પ્રયાસમાંએ સફળ થઈ. એ પરીક્ષા પાસ થઈ. સારા રેન્ક સાથે યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને આઇપીએસ ઓફિસર બની ગઈ. પ્રચંડ પુરુષાર્થ અને પતિના સહકારથી અશક્ય લાગતું કામ એને અંબિકાએ શક્ય કરી બતાવ્યું. એન અંબિકાએ આજથી ચાર વર્ષ પહેલા મુંબઈમાં ઝોન ચારના ડીસીપી તરીકે તેમની સેવાઓ આપેલ હતી.
આપણે નાની એવી મુશ્કેલીઓમાં પણ ફરિયાદ કરતા હોઈએ છીએ અને સામાન્ય નિષ્ફળતામાં પણ હથિયાર હેઠા મૂકી દેતા હોઈએ છીએ ત્યારે જે દીકરીને નાની ઉંમરમાં પરણાવી દેવામાં આવી હતી. એવી એન અંબિકાએ સમાજ સામે કોઈ ફરિયાદો કરવાના બદલે શ્રદ્ધાપૂર્વકની આત્મવિશ્વાસ સાથે જાત મહેનત કરીને એનું સપનું સાકાર કર્યું અને જિંદગી બદલી નાખી. ખરેખર કોઈપણ વ્યક્તિનું મનોબળ મજબૂત હોય તો એ ધારે એ હાંસલ કરી શકે અને અંબિકાનું સપનું સાકાર થયું.
સંકલન : સપના જોશી || શિક્ષિકા