ગરીબ પરિવારના 100થી વધુ બાળકોને 8 વર્ષથી મફત ભણાવતો યુવાન
માત્ર શિક્ષક હોવું એનાથી વિશેષ છે કોઈને જીવનમાં સહયોગી બનવું. મહેસાણા જિલ્લાના જોટાણાના જયેશભાઈ પ્રજાપતિ જેઓ શિક્ષક નથી પણ 100 થી વધુ બાળકોને ભણવામાં સહયોગ આપે છે. દર રવિવારે પોતાની સંસ્થા સદગુરુ ફાઉન્ડેશનના નેજા હેઠળ “સન્ડે સ્કૂલ” ચલાવે છે. જરૂરિયાતમંદ બાળકોને શિક્ષકો રોકી જીવનને ઉજજવળ દિશા તરફ લઇ જાય છે.
તેમણે બાળપણમાં ઘણી ગરીબીનો અનુભવ કર્યો હતો. જ્યારે તે બાળક હતા ત્યારે તે કોઈપણ ભૂખ્યા વ્યક્તિની ભૂખ પૂરી કરવા અથવા જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવા તત્પર રહેતા હતા, પછી ભલે તે કોઈપણ જાતિ અથવા ધર્મનો હોય, તે ભણવામાં મધ્યમ હતા. તેઓ જ્યારે દસમા ધોરણમાં આવ્યા ત્યારે તેમને અંગ્રેજી વિષયમાં ખુબજ જ તકલીફ પડતી હતી. તેથી આર્થિક સમસ્યા હોવા છતાં દર મહિને 60 રૂપિયા ફી આપીને ટ્યુશનમાં જોડવાનું નક્કી કર્યું. પણ કહેવત છે કે કુદરત પણ કસોટી લે છે. બે (2) મહિના પછી તેમના શિક્ષકે અણધારી રીતે ફી વધારીને રૂ. 80/- કર્યા. 60 રૂપિયાની પણ માંડ માંડ વ્યવસ્થા થતી હતી ત્યાં 80 રૂપિયા કઈ રીતે લાવવા. પરિણામે તેમને ટ્યુશન છોડવું પડ્યું. તેમના મનમાં એ હકીકત હંમેશા રહેતી હતી કે ગરીબ પરિવારના બાળકો આર્થિક સ્થિતિને કારણે યોગ્ય શિક્ષણ મેળવી શકતા નથી. ત્યારે તેમણે ભવિષ્યમાં આવા બાળકોને મફત શિક્ષણ આપવાનો ધ્યેય નક્કી કર્યો હતો. નબળી નાણાકીય પરિસ્થિતિને કારણે ખૂબ જ દુઃખ સાથે તેમણે ધોરણ 10 પછી તેનો અભ્યાસ બંધ કરી દીધો. પછી તેણે તેના બદલે વિવિધ નોકરીઓ શરૂ કરી. થોડી સારી પરિસ્થિતિમાં આવ્યા પછી Ex. વિદ્યાર્થી તરીકે ધોરણ 12, ગ્રેજ્યુએશન અને લાઈબ્રેરી સાયન્સની પરીક્ષાઓ પાસ કરી. દરમિયાન તેમણે ગામડાના બાળકોને મફતમાં શિક્ષણ આપવાનું પણ શરૂ કર્યું. આ સમય દરમિયાન તેમને કબીરપંથી સંત શ્રી મર્મજ્ઞદાસ સાહેબને મળવાની તક મળી અને તેમના આશીર્વાદ અને પ્રેરણાથી તેમણે વર્ષ 2010માં “સદગુરુ ફાઉન્ડેશન”ની સ્થાપના કરી,
“સદગુરુ ફાઉન્ડેશન” હેઠળ મુખ્ય પ્રોજેક્ટ “સન્ડે સ્કૂલ” 2015થી ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં જોટાણા તેમજ આજુબાજુ ગામના ગરીબ પરિવારોના ધોરણ 5,6,7,8 ના 100 થી વધુ વિધ્યાર્થીઓને દર રવિવારે કોઈપણ ભેદભાવ વિના શિક્ષણ આપવામાં આવે છે, જયેશભાઇ અન્ય નિષ્ણાત શિક્ષકોને રોકીને આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે. અભ્યાસક્રમની સાથે સ્કોલરશીપ પરીક્ષા, જવાહર નવોદય પરીક્ષા અને અન્ય તાલીમ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. સાથે દર રવિવારે પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે. કોઈપણ જાતના ભેદભાવ રાખ્યા વિના સંડે સ્કૂલ જયેશભાઇ ચલાવી રહ્યા છે. શરૂઆતમાં કોઈપણ આર્થિક સહયોગ મળતો નહીં તેમ છતાં તેમણે આ સેવાયજ્ઞ અવિરત ચાલુ રાખ્યો છે. દર વર્ષે હજારોની સંખ્યામાં ચોપડા અને અને શૈક્ષણિક વસ્તુઓનું દાન કરી રહ્યા છે. દાતાઓ અને સહાધ્યાયી મિત્રોનો સાથ તેમને મળી રહ્યો છે. નિઃસ્વાર્થ સેવા કરનાર અદના માનવીને શિક્ષક દિવસ પર સો સો સલામ.
સંકલિત : દિવ્યા મુદિતા ટીમ