ભગવદ્ ગીતા અર્ક-21
ગીતાનો પુરાતન ઈતિહાસ
આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાન આપણને દિવ્ય જ્ઞાન દ્વારા ભગવદ્ ગીતાનો પુરાતન ઇતિહાસ જણાવે છે. કે, સૌ પ્રથમ તેમણે આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ “વિવસ્વાન”ને આપેલો. વિવસ્વાને માનવોના પિતા મનુને ઉપદેશ આપ્યો. અને મનુએ આ ઉપદેશ ઈક્ષ્વાહુને આપ્યો.
સૂર્ય સમસ્ત ગ્રહોનો રાજા છે. જેને આધુનિક યુગમાં “વિવસ્વાન” કહેવામાં આવે છે. તેઓ ઉષ્ણતા અને પ્રકાશ પ્રદાન કરીને અન્ય સમસ્ત ગ્રહોનું નિયંત્રણ કરે છે. સૂર્ય ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞા હેઠળ પરિભ્રમણ કરે છે. શ્રીકૃષ્ણે વિવસ્વાનને ભગવદ્ ગીતાનું વિજ્ઞાન સમજાવવા માટે સૌ પ્રથમ શિષ્ય બનાવ્યો હતો. આમ, ગીતા એ અનંત કાળથી પ્રચલિત એવો જ્ઞાનનો અધિકૃત ગ્રંથ છે. ગીતા ખાસ કરીને સાધુ ચરિત એટલે કે સાધુ જેવું જેનું ચારિત્ર્ય છે. તેવા રાજાઓ માટે નિમાયેલી હતી. કારણ કે તેમના શાસન દ્વારા ગીતાનો લાભ પ્રજા સુધી પહોંચાડવાનો હેતુ હતો. પરંતુ કાળક્રમે ગીતાનો મૂળ ઉદ્દેશ વેરવિખેર થઈ ગયો. કહેવાતા પાખંડી ટીકાકારોએ પોતાના અંગત સ્વાર્થ ખાતર તે ઉદ્દેશ તોડી પાડ્યો. અને તેના પરિણામરૂપે તે પરંપરા તૂટી ગઈ. (જ્ઞાનની લેવડદેવડ કરવાની, જે ગુરુ-શિષ્ય પરંપરા સ્વરૂપે હતી).
શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે “પ્રાચીન યોગ અને પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન અને તેના દિવ્ય રહસ્યને આજે હું તારી સામે છતું કરૂ છું.” ત્યારે, અર્જુનને એક શંકા જાગે છે અને ભગવાનને પ્રશ્ન કરે છે. કે,” આપનો જન્મ તો અર્વાચીન કાળમાં થયો છે. અને સૂર્યદેવ વિવસ્વાનનો જન્મ તો પ્રાચીન કાળમાં!!! તો પછી હું કેવી રીતે સમજું કે પ્રાચીનકાળમાં આપે તેમને આ વિદ્યાનો ઉપદેશ આપ્યો હતો?”…અહીં અર્જુન પોતાના માટે આ જિજ્ઞાસા નથી દર્શાવી રહ્યો. તે તો પોતાના પરમ મિત્ર, સખા અને ગુરુ કૃષ્ણને સારી રીતે જાણે જ છે. પરંતુ, તે ફક્ત આ જિજ્ઞાસા જે લોકો ભગવાનમાં વિશ્વાસ નથી ધરાવતા એવા સામાન્ય મનુષ્યને ભગવાનના સાચા સ્વરૂપનો ખ્યાલ આપવા માટે કરે છે. અર્જુનના પ્રશ્નના જવાબમાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે,” તારા અને મારા તો અનેકાનેક જન્મ થઈ ચૂક્યા છે. હું તે બધાને યાદ રાખી શકું છું, પરંતુ તું તેને યાદ રાખી શકતો નથી. વેદોમાં પણ કહેવામાં આવ્યું છે કે ભગવાન અચ્યુત, અનાદિ, અનંતરૂપે વિસ્તરેલા છે. તેઓ અદ્વિતીય છે. તેઓ અસંખ્ય રૂપમાં પ્રગટ થઈ શકે છે. ભગવાન અનેક અવતારો લઈ શકે છે. દરેક અવતારને યાદ રાખી શકે છે. ભગવાનના ભક્તો પણ તેમની સેવા કરવા તેમની સાથે જ પુનઃ અવતરણ લે છે. પરંતુ, તેમને પોતાનો અગાઉનો ભવ, અગાઉની જિંદગી યાદ રહેતી નથી. ભક્ત, ભગવાનનો નિત્ય સંગી બને છે. પરંતુ તે ભગવાનની સમક્ષ ક્યારેય બની શકતો નથી. ભગવાનનો દેહ અને આત્મા એક રૂપ હોવાથી જ્યારે તેઓ ભૌતિક સ્વરૂપે અવતરે છે, ત્યારે પણ તેમને અગાઉના જન્મની બધી હકીકત યાદ હોય છે.
સામાન્ય માણસ જેવા દેખાતા ભગવાનને અનેકાનેક પૂર્વજન્મની સ્મૃતિ રહે જ છે. ભગવાન અજન્મા છે. તેમનો દિવ્ય દેહ કદી નાશ પામતો નથી. તેઓ દરેક યુગમાં તેમના દિવ્ય મૂળ રૂપમાં પ્રગટ થાય છે. આમ, તેઓ પ્રાચીન યુગમાં પણ હતા અને અર્વાચીન યુગમાં પણ છે.
“હે ભરતવંશી, અર્જુન, જ્યાં અને જ્યારે ધર્મનું પતન થાય છે. અને અધર્મનું ભારે વર્ચસ્વ જામે છે. તે વખતે હું સ્વયં અવતાર લઉં છું.”
Writer : સરોજબેન નાયક , રીટાયર્ડ શિક્ષિકા
YouTuber : GyanTrusha
Gandhinagar Metro & Cloth Look Fashion Magazine International