ભગવદ્ ગીતા અર્ક-૫
આપણે જોયું કે કૌરવો અને પાંડવો યુદ્ધના મેદાન પર કુરુક્ષેત્ર પર સામસામે આવી ગયા છે. કેટલાક વડીલો કૌરવોના પક્ષે રહ્યા હતાં તો કેટલાક પાંડવોના પક્ષે. શ્રીકૃષ્ણ અર્જુનના સારથિ તરીકે છે. હવે આપણી અસલ “ભગવદ્ ગીતા ” ચાલુ થાય છે. ભગવદ્ ગીતા એ ખરેખર એવું ઉત્તમ પુસ્તક છે કે આપણે ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિમાં તકલીફમાં હોઈએ અને જો ભગવાન ભગવદ્ ગીતાનું કોઈ પણ પાનું આપણે ખોલીએ તો તરત જ આપણને એમાંથી ઉકેલ મળી જ આવે છે. ખૂબ જ સંક્ષિપ્તમાં આ પુસ્તકના અર્ક સમાન જ્ઞાન આપની સમક્ષ રજુ કરું છું.
ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતાના ઉદ્ગાતા છે. શ્રીકૃષ્ણનો ઉલ્લેખ અહીં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન તરીકે થયો છે. ” ભગવાન ” શબ્દ કોઈ અત્યંત શક્તિશાળી વ્યક્તિ અથવા દેવ માટે થાય છે. શ્રીકૃષ્ણ એવી વ્યક્તિ હતા. માટે ભગવદ્ ગીતામાં વારંવાર તેમનો ઉલ્લેખ ભગવાન તરીકે થયો છે. ભગવદ્ ગીતાનું મૂળ અર્થઘટન અહીં સહેજ પણ ફેરફાર કર્યા વગર તેમનો ઉપદેશ, તત્વજ્ઞાન રજૂ કરું છું. ગીતાનો સંદેશ ખરું જોતાં તો અત્યંત સ્પષ્ટ અને સરળ છે. કારણ કે કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં બે પ્રચંડ સેનાની વચ્ચે મધ્યમાં ફક્ત ૪૫ મિનિટમાં જ ભગવાન શ્રીકૃષ્ણએ આ જ્ઞાન અર્જુનને આપ્યું હતું. એટલા માટે નહીં કે તેઓ અર્જુનના મોસાળ પક્ષના ભાઈ હતાં પરંતુ એટલા માટે કે અર્જુન તેમનો પરમ ભક્ત ઉપરાંત એક મિત્ર પણ હતો. ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે દિવ્ય મૈત્રી હતી. સખા હતો. અને જ્યારે સખાભાવ હોય ત્યારે ત્યાં બધા બંધનો બધી, ઔપચારિકતાઓ મટી જાય છે.
ભગવદ્ ગીતાનો ઉપદેશ મનુષ્ય જાતિને ભૌતિક અસ્તિત્વના અજ્ઞાનમાંથી મુક્ત કરવાનો છે. જેમ અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં મુશ્કેલીમાં હતો તે જ રીતે આપણે પણ એટલે કે આપણે દરેક મનુષ્ય જિંદગીમાં અનેક પ્રકારે મુશ્કેલીમાં હોઈએ છીએ. તો આવી વિષમ પરિસ્થિતિમાં ભગવદગીતા જ મદદરૂપ થઈ શકે તેમ છે. આપણી દ્વિધા દૂર કરી મનને શાંતિ બક્ષે છે. મનને તટસ્થતાની સ્થિતિ આપે છે. તો આવો, આપણે ભગવત ગીતાના અધ્યાય ક્રમશઃ સમજીએ.
અર્જુને જ્યારે પોતાના જ કાકાઓ, ગુરુઓ અને એટલું જ નહીં પરંતુ ભિષ્મ પિતામહને સામે પક્ષે જોયા અને અર્જુને જ્યારે તેમને હણવાના હતા ત્યારે તે ખૂબ દ્વિધામાં પડી ગયો… તે પોતાનાજ સગાંઓને હણવા તૈયાર ન હતો. એના કરતાં તો તે તેમના હાથે મરી જવાનું વધારે પસંદ કરતો હતો. આવા સમયે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને જિંદગીનો બોધ આપે છે કે શરીર જૂનું થાય છે ત્યારે આત્મા શરીર બદલે છે. માટે તું તારા પિતરાઈઓ માટે શોક ન કર અને શસ્ત્ર ઉઠાવ…
અર્જુનને શ્રી કૃષ્ણની વાત ગળે નથી ઊતરતી. તે પોતાના મનમાં ઉઠતાં સવાલો, શંકાઓ શ્રી કૃષ્ણને પૂછે છે. ને ભગવાન તેના દરેક પ્રશ્નના જવાબ આપે છે અને તેની દરેક શંકાનું સમાધાન કરે છે… કેવી રીતે? તે હવે પછી ના લેખમાં… ત્યાં સુધી.. જય શ્રીકૃષ્ણ.
Writer : સરોજબેન નાયક , રીટાયર્ડ શિક્ષિકા
TV સિરિયલ અને વેબ સીરિઝ એક્ટ્રેસ
YouTuber : GyanTrusha
Gandhinagar Metro & Cloth Look Fashion Magazine International