લેખાનુભુતિ

કાલે મને સમય મળશે, એ એક મોટો ભ્રમ છે – ભીમે મોટાભાઇ યુધિસ્ઠિર ને શીખ આપી

યુધિષ્ઠિર દિવસમાં નિશ્ચિત કરેલ સમયે દાન આપતા. એક દિવસ દાન આવવાનું કાર્ય અને સમય સમાપ્ત થઈ ગયો. પછીથી એક ગરીબ બ્રાહ્મણ દાન લેવા માટે આવ્યો. યુધિષ્ઠિર બોલ્યા :
આજે તો દાનનો સમય પૂરો થઈ ગયો છે. તું આવતીકાલે આવજે. તને જરૂર ધન આપીશ. બ્રાહ્મણ નિરાશ વદને પાછો આવ્યો. આ વાતની ભીમને ખબર પડી. હવે રાજાના મહેલ પાસે એક મોટો ઢોલ રાખી મૂક્યો હતો કે જે કંઇક અજુગતું બને ત્યારે વગાડવામાં આવતો. ભીમે એ ઢોલ વગાડવાનો શરૂ કર્યો. આ અવાજ સાંભળી યુધિષ્ઠિર તરત બહાર આવ્યા. તેમણે ભીમને પૂછ્યું :
અલ્યા ભીમ ! ઢોલ કેમ વગાડે છે. એકદમ શું થયું ?
ભીમ : આજે બહુ મોટો અજબ બનાવ બની ગયો છે.
યુધિષ્ઠિર : શું બનાવ બન્યો ?
ભીમ : કાળને કોઈ જીતી શક્યું નથી, પણ મારા મોટાભાઈએ કાળને જીતી લીધો છે.
યુધિષ્ઠિર : મને સમજાયું નહીં. બરાબર વાત કર.
ભીમ : મારા મોટાભાઈએ બ્રાહ્મણને દાન લેવા આવવા માટે આવતીકાલનો વાયદો કર્યો. મતલબ કે આવતીકાલ સુધી તે જીવીત રહેવાના જ છે તે નિશ્ચિત થઈ ગયું. કાલ સુધી કાળ તેમને કંઇ કરી શકે નહિ. આ અજબ ઘટના નથી !
યુધિષ્ઠિરને પોતાની ભૂલ સમજાઈ. તેમણે તરત જ પાછા ગયેલા બ્રાહ્મણને બોલાવ્યો અને દાન આપી વિદાય કર્યો !
કાલે મને સમય મળશે – એ એક મોટો ભ્રમ છે. કાલે શું થાય કોને ખબર ? કાલનો વિશ્વાસ કદી ન રખાય. રામાયણ ગીતા ઉપનિષદ વિ.ના સત્સંગ સ્વાઘ્યાય ની વાત આવે એટલે આપણો જવાબ એક જ હોય કે – હમણાં શું ઉતાવળ છે ? જિંદગી હજુ તો ઘણી બાકી છે. ઘડપણમાં ગોવિંદ ભજશું અને ગીતા ગાશું ! હમણાં બધી લહેર કરી લો !
કલ કરના સો આજ કર, આજ કરના સો અબ.

સંકલન : દિવ્યામુદિતા ટીમ 

Related Posts