લેખાનુભુતિ

ભગવદ્ ગીતાનો અર્ક – ૧

“ભગવદ્ ગીતા વાંચન”… એ શબ્દ જયારે આપણે વાંચીએ કે સાંભળીએ ત્યારે આપણને એમ થાય કે તે તો ઘરડાં લોકો વાંચે!!! પણ મારા મતે એ પુસ્તક યુવાનોએ તો ખાસ વાંચવું જોઈએ. કારણકે તે પુસ્તકમાં જિંદગીના આટાપાટાને સમજવાની સમજણ આપવામાં આવી છે. જે લોકો હજી જિંદગીની શરૂઆત કરી રહ્યા છે એમણે તો આ પુસ્તક ખાસ વાંચવું જોઈએ.
અત્યારના આ ડિજિટલ યુગમાં અને આપણી ખુબ કાર્યરત જિંદગીમાં આપણને વાંચનનો સમય, અનુકૂળતા ઓછી મળે છે. જીંદગીમાં ડગલે ને પગલે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.ક્યારેક લોકો સમજણના અભાવે તો ક્યારેક અનુભવના અભાવે જીંદગીમાં નાસીપાસ થઈ જતા હોય છે. ને એવા સંજોગોમાં કેટલાક લોકો અકાળે જિંદગીનો અંત લાવતા હોય છે. તો કેટલાક લોકો જીંદગીને ખોટા રસ્તે લઈ જતા હોય છે. અને કેટલાક લોકો માનસિક રોગોના શિકાર બનતા હોય છે. આવા સંજોગોમાંથી જો કોઈ આપણને બચાવી શકે તો એ છે સારું વાંચન. ને એમાંય જો ભગવદ્ ગીતાનું વાંચન કરીએ તો તો આપણે એ કપરી પરિસ્થિતિઓમાંથી સરળતાથી પાર ઉતરી શકીએ. તો મારા લેખથી હું ભગવદ્ ગીતાના અધ્યાયો દ્વારા જીંદગી જીવવાની જડીબુટ્ટી સમાન બોધપાઠ, ઉપદેશ સંક્ષિપ્તમાં અને સરળ ભાષામાં રજૂ કરવાની છું.
ભગવદ્ ગીતાને હું કોઈ એક ધર્મના ધાર્મિક પુસ્તક તરીકે રજુ કરવા નથી માગતી પરંતુ જિંદગી-જીવન જીવવા માટે, જિંદગીને સમજવા માટે, જિંદગીમાં આવતી મુશ્કેલીઓને, અડચણોને, તકલીફોને દૂર કરવા માટે, જિંદગીમાં આવતી તકલીફો સામે ઝઝૂમતા માણસની જિંદગીને આસન કરવા માટેના ઉપાયો બતાવતા એક પુસ્તક તરીકે હું રજૂ કરવા માંગું છું

https://divyamudita.com/bhagvad-geeta-no-ark-1/

“ભગવત ગીતા એના મૂળ સ્વરૂપે” આ પુસ્તક મને ભેટ સ્વરૂપે મળેલું. જેમ જેમ હું તેનું અધ્યયન કરતી રહી તેમ તેમ મને જિંદગીમાં મૂંઝવતા કેટલાય પ્રશ્નોના જવાબ મળતા ગયા. ધીરે ધીરે જિંદગીને, મારી બાજુ આજુબાજુ થતી ઘટનાઓને સાક્ષી ભાવે જોતાં શીખી. સંપૂર્ણ તો નહીં પરંતું મહદ્અંશે. અને એટલે મને એમ થયું કે ભગવદગીતાના કેટલાક બોધ, ઉપદેશ હું તમારી સમક્ષ મૂકું.

ભગવદ ગીતા કેવી રીતે શરૂ થઈ? કોના દ્વારા શરૂ થઈ? શા માટે? એમાં કયા બોધપાઠ છે એ બધું જ હું નિયમિત પ્રકાશિત થતાં મારા લેખોમાં રજૂ કરવાની છું. આજે આપણે તેનો પરિચય જોઈએ.

ભગવત ગીતા એક ઐતિહાસિક મહાકાવ્ય છે. જે મહાભારતમાં એક પ્રસંગ રૂપે ઉદ્દભવી હતી

ભગવત ગીતા એક ઐતિહાસિક મહાકાવ્ય છે. જે મહાભારતમાં એક પ્રસંગ રૂપે ઉદ્દભવી હતી. લગભગ ૫૦૦૦ વર્ષ પહેલાં શ્રી કૃષ્ણએ પોતાના મિત્ર અને પરમ ભક્ત એવા અર્જુનને મહાભારતના યુદ્ધના મેદાનમાં કહેલા ઉપદેશને “ભગવત ગીતા” કહેવામાં આવે છે. કેટલાક અનુવાદકોએ, તત્વચિંતકોએ અને વિચારકોએ મહાભારતના યુદ્ધને એક પુરાતન દંતકથા તરીકે ઓળખાવેલ છે. અને કૃષ્ણની કોઈ કાલ્પનિક પ્રતિભાસંપન્ન માણસના વિચારો પ્રસ્તુત કરતા કાવ્યાત્મક સાધન તરીકે ઓળખાવેલ છે. પરંતુ સ્વયં ગીતા કૃષ્ણને એક વ્યક્તિરૂપે ભગવતગીતાના ઉદ્દેશ્ય અને વિષયવસ્તુ બંને માને છે. કૃષ્ણના સર્વોચ્ચ જ્ઞાનને સમજવું તો કઠિન છે પરંતુ તે જ્ઞાનને એક શિષ્ય અને ભક્ત સ્વરૂપે સમજીશું તો તે માનવ સમાજના કલ્યાણ માટે શ્રેયકર થશે. ભગવદગીતા સમજવા માટે કોઈ વિશિષ્ઠ લાયકાતની કોઈ જરૂર નથી. ભગવદગીતા સમજવા માટે ઘરડાં થવાની પણ જરૂર નથી. પરંતુ ભગવદગીતા તો જ્યારથી આપણામાં સમજણ આવે ત્યારથી જ જો સમજવાની શરૂઆત કરીએ તો આપણા જીવનમાં આવતી કેટલીય મુશ્કેલીઓનો ઉકેલ મળી જાય. જીવનની મૂંઝવણોનો અંત આવે. અને જીંદગીમાં નાસીપાસ ન થવાય!!!
જીવનમાં આવતી પરેશાનીઓના હલ ઉકેલવા હોય તો અને તેના કોઈ જવાબ ન મળતા હોય તો “ભગવદગીતા” હાથમાં લો, તેનું કોઈ પણ પાનું શ્રીકૃષ્ણનું સ્મરણ કરી ખોલો અને હું મારા અનુભવથી કહું છું કે તમને તમારી એ પરેશાનીનો ઉકેલ એમાંથી જરૂર મળશે.
માટે, ચાલો,,,શ્રી કૃષ્ણને ભક્તિભાવ અને મૈત્રીભાવ સ્વરૂપે સમજીએ.

https://divyamudita.com/bhagvad-geeta-no-ark-1/Writer : સરોજબેન નાયક , રીટાયર્ડ શિક્ષિકા
TV સિરિયલ અને વેબ સીરિઝ એક્ટ્રેસ
YouTuber : GYANTRUSHA
લેખક : ગાંધીનગર મેટ્રો & Cloth Look Fashion Magazine (International)

Related Posts