મહેસાણા લલિત કલા કેન્દ્ર ખાતે ઝવેરચંદ મેઘાણી ની 125 મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદમેઘાણી ની 125 મી જન્મ જયંતિ ને ગુજરાત સરકાર દ્વારા ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ગાંધીનગર, અમદાવાદ, સુરત, વલસાડ અને સાપુતારા જેવા સ્થળો પર સરકારશ્રી દ્વારા તેમના દેશભક્તિ અને અન્ય ગીતો સાથે નું આયોજન કરવામાં આવ્યું હતું.
મહેસાણા શહેર માં સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત લલિત કલા કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ની 125 મી જન્મ જયંતિ ને હોંશ ભેર ઉજવવામાં આવી. આ કાર્યક્રમ નું આયોજન લલિત કલા કેન્દ્ર ના સંચાલક અને સાર્વજનિક સ્કૂલ ના સંગીત શિક્ષક શ્રી મનીષભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મનીષભાઈ ની સાથે સંગીતજ્ઞ વિદ્યાર્થીઓ તેમજ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ના સંગીત શિક્ષક શ્રી રાહુલભાઈ પ્રજાપતિ એ ઝવેરચંદ મેઘાણી ના તમામ ગીતો અને કાવ્યો ખૂબ જ બખુબી રજૂ કર્યા હતા. જેમાં શિવાજી નું હાલરડું, અંબર ગાજે, કસુંબી નો રંગ, મન મોર બની થનગનાટ કરે, એકતારો જેવા અસંખ્ય ગીતો હતા.
આ પ્રસંગે સાર્વજનિક કેળવણી મંડળ ના સહ મંત્રી શ્રી મિલનભાઈ ચૌધરી , સંગીત પ્રેમી વાલીઓ તેમજ વડીલો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી મિલનભાઈ ચૌધરી ના જણાવ્યા મુજબ લલિત કલા કેન્દ્ર દ્વારા આયોજિત કસુંબલ રંગ ખૂબ જ સરસ રીતે ઉજવવામાં આવ્યો છે આ પ્રસંગે સાર્વજનિક મંડળ અને તેની તમામ ભગિની સંસ્થાઓ વતી ઝવેરચંદ મેઘાણીજી ને ભાવ પૂર્વક વંદન કરું છું. શ્રી મનીષભાઈ ના જણાવ્યા મુજબ આજ ની પેઢી ને ઝવેરચંદ મેઘાણી વિષે ખૂબ જ ઓછું જ્ઞાન છે ઘણી વાર કસુંબી નો રંગ અને મન મોર બની થનગનાટ કરે જેવા પ્રચલિત ગીતો ના લેખક ઝવેરચંદ મેઘાણી છે તેનાથી પણ તેઓ અજાણ છે અમારો આ કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ આઝાદી ની લડત માં કલમ દ્વારા દેશ ના નવયુવાનો માં દેશ ભક્તિ નો જુવાળ ઊભો કરવામાં તેમના યોગદાન થી આજ ની પેઢી ને માહિતગાર કરવાની છે. તે ફક્ત કવિ , શાયર કે ગીતકાર જ નહીં સાચા અર્થમાં સ્વાતંત્રસેનાની પણ હતા એટલે જ મહાત્મા ગાંધી એ તેમને રાષ્ટ્રીય શાયર નું બિરુદ આપ્યું હતું.