મન હ્રદયમાં પ્રેમના પુષ્પો ખીલવતો દિવસ એટ્લે વસંત પંચમી
વસંતએ શબ્દ સાંભળતા જ મનમાં એક ઉત્સવ ઉજવાઇ જાય છે. આપણે ઘણા બધા ઉત્સવો ઉજવીએ છીએ પણ વસંત પંચમી એ કુદરત પોતે જ ઉજવે છે અને આખી ધરતીને જાણે નવા વસ્ત્રો પહેરાવીને કે જાણે દરેક મન હ્રદયમાં પ્રેમ ભરવા માંગતી હોય એવી રીતે પોતાનું સૌંદર્ય ખીલવે છે, જાણે કે એક નવ યૌવના પોતાના સોળ શણગાર સજીધજીને પોતાની તરફ આકર્ષિત કરવા માગતી હોય એવું લાગે છે.
કરી તો જુઓ તમે કરી તો જુઓ, મારો વ્હાલો કરે તે કરી તો જુઓ , વસંતની ઋતુમાં કેટલા ફૂલો ખીલ્યા, ફૂલોમાં રંગ તમે ભરી તો જુઓ
વસંત પંચમીનો ઉત્સવ દરેક જગ્યાએ ઉજવાય છે ભારતએ એક એવો દેશ છે કે તેની સંસ્કૃતિથી જાણીતો છે તેના દરેક તહેવારોનું કોઈ ને કોઈ મહત્વ છે. વસંત પંચમીનો દિવસ આપણે અનંત કાળથી ઉજવીએ છીએ. વસંત પંચમીએ બીજું કઈ જ નહીં પણ એ એક પ્રેમનો દિવસ છે. પશ્ચિમી દેશો જેને વેલેન્ટાઇન દિવસ તરીકે ઉજવે છે પણ આપણે ત્યાં તો અનાદિકાળથી આ દિવસ ઉજવાય છે એટલે કે વસંત પંચમી દેશી વેલેન્ટાઇન દિવસ છે. વસંત પંચમીનું મહત્વ આપણા ધાર્મિક ગ્રંથોમાં પણ વણી લેવામાં આવ્યું છે કદાચ કોઈને ખબરના હોય પણ જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન ધરતી પર બિરાજતા ત્યારે તે વસંત પંચમીના દિવસથી ગોપીઓ સાથે હોળી રમવાનું ચાલુ કરતાં અને છેક વસંત પંચમીના દિવસથી ધૂળેટી સુધી આ ઉત્સવ ઊજવતાં હતા. તેમની યાદગીરી રૂપે હજુ પણ શ્રી કૃષ્ણ ભગવાનની હવેલીમાં કોરા રંગ અને ધાણીથી ભગવાનને ખેલવવામાં આવે છે.
આપણા જીવનમાં રંગોનું ખૂબ જ મહત્વ છે. આવા કુદરતી રંગોનું ખૂબ જ મહત્વ છે. દરેક રંગોનું પોત-પોતાનું મહત્વ હોય છે. આવા કુદરતી રંગો પોતાનામાં ભરીને કુદરત આપણને આનંદ આપે છે. પણ આપણી કેવી કરુણતા છે કે અત્યારે બાળકો તેમજ ઘણાબધા લોકોને આનું મહત્વ જ ખબર નથી. આપણે કુદરતે આપેલું બહુ જ કીમતી અને એ પણ સાવ મફતમાં છતાં પણ તેનો આનંદ મેળવી શકતા નથી. અત્યારે જ્યાં જુઓ ત્યાં સિમેન્ટ કોંક્રીટના જંગલો થઈ ગયા છે. વનરાજી નો વિનાશ થતો ગયો.આપણી સુખ સગવડ માટે આપણે કુદરતને પણ બહુજ નુકશાન પહોંચાડયું. વસંત ખીલે ત્યારે મનના મોર નાચી ઊઠે છે. આપણા જીવનમાં ઉજાસ ફેલાઈ જાય છે. દરેક માણસ, પશુ-પંખી સૌના મન પર જાણે કે પ્રેમનું સામ્રાજ્ય સ્થપાઈ જાય છે અને જાણે કે કુદરત પોતાના ખોળે બોલાવતી હોય એવું લાગે. માણસના મનમાં રંગો બનાવવાની ઈચ્છા ક્યાથી આવી હશે? પહેલા રંગ કોને બનાવ્યા હશે? તો આ શ્રેય ફક્ત કુદરતને જાય છે. ફિલ્મના ગીતોમાં આપણે વસંતના ગુણગાન સાંભળીએ છીએ. પણ આપણે તેને ખુલ્લા મનથી માણી શકતા નથી.
Writer : Tejal Patel
Ahmedabad