લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક- 6

આ અધ્યાય ધૃતરાષ્ટ્ર અને સંજય વચ્ચેના સંવાદથી શરૂ થાય છે. સંજય વ્યાસમુનિનો શિષ્ય હતો. તેથી તે વ્યાસમુનીની કૃપાથી ધૃતરાષ્ટ્રના ભવનમાં બેઠાં બેઠાં પણ કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર ઘટતી ઘટના જોઇ શકતો હતો. ધૃતરાષ્ટ્ર જન્મથી જ અંધ હતા અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ અંધ હતા. ધૃતરાષ્ટ્ર કુરુક્ષેત્રની ભૂમિ પર શું ચાલી રહ્યું છે તેની પૃચ્છા સંજયને શ્લોક દ્વારા કરે છે:

धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः।  मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय।।

મતલબ કે, ” હે સંજય, તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રો શું કરે છે?”
ધૃતરાષ્ટ્ર પોતાના પુત્રોના ભાવિ વિશે જાણવા માંગતા હતા. પિતરાઈ ભાઈ- ભાઈ વચ્ચે સુલેહ રહે તેવું તેઓ નહોતા ઈચ્છતા. કુરુક્ષેત્રનો ઉલ્લેખ વેદોમાં સ્વર્ગના નિવાસીઓ માટે એક તીર્થસ્થળ તરીકે થયેલો છે. તેથી આ પવિત્ર સ્થળનો યુદ્ધના પરિણામ પર કેવો પ્રભાવ થશે તે વિશે ધૃતરાષ્ટ્ર ભયભીત થયેલા હતા. અને તેઓ એ પણ સારી રીતે જાણતા હતા કે આ પુણ્યભૂમિનો પ્રભાવ અર્જુન તથા અન્ય પાંડવો પર સાનુકૂળ જ પડશે. કારણ કે તેઓ બધા જ સ્વભાવે પુણ્યાત્માઓ હતા. સંજયના જવાબ પ્રમાણે પાંડુ પુત્રોની સેનાની વ્યુરચના જોઈને દુર્યોધન પોતાના ગુરુ દ્રોણ પાસે ગયો. કારણ કે ગુરુ દ્રોણ તેની સેનાના સેનાપતિ હતા. અને તેમની સેનાની વ્યૂહરચના પાંડવોનાં સૈન્યની વ્યૂહરચના જેટલી સારી ન હતી. તેણે ગુરુને કહ્યું કે “હે આચાર્ય, પાંડુ પુત્રોની આ વિશાળ સેનાને જુઓ. તેમની સેનાની વ્યૂહરચના આપના જ બુદ્ધિમાન શિષ્ય એવા દ્રુપદપુત્રએ બહુ નિપુણતાથી કરી છે.”
https://divyamudita.com/bhagvad-geeta-ark-6/દ્રોણાચાર્ય દુર્યોધનની સેનાના સેનાપતિ તરીકે હતા. જ્યારે દુર્યોધને પાંડવોની સેનાની વ્યુહરચના જોઈ ત્યારે તે પોતાના ભયને છુપાવી ન શક્યો. તેને ડર લાગ્યો. માટે તે આચાર્ય દ્રોણાચાર્ય પાસે ગયો. તે દ્રોણાચાર્યના દોષો તરફ અંગુલિનિર્દેશ કરવા માંગતો હતો.
આ એક માનવસહજ દોષ આપણે ગણવો રહ્યો. આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે વ્યક્તિ જ્યારે પોતે કોઈ કાર્ય કરવા સક્ષમ ન હોય અને તે કામની જવાબદારી એની પોતાની હોય ત્યારે તે કામ નિષ્ફળ જતાં તે નિષ્ફળતાનો દોષનો ટોપલો બીજાને માથે થોપતો હોય છે. દ્રુપદપુત્ર અને દ્રૌપદીના ભાઈ દૃષ્ટદ્યુમને ગુરુ દ્રોણાચાર્ય પાસેથી યુદ્ધ વિદ્યા શીખી હતી. દ્રૌપદીના ભાઈ હોવાને નાતે તે પાંડવોના પક્ષે હતો. અને તે પાંડવોની સેનાનો સેનાપતિ હતો. તેણે દ્રોણાચાર્ય પાસેથી શીખેલી યુદ્ધકળા પ્રમાણે વ્યૂહરચના કરી હતી. દ્રોણાચાર્ય પાંડવોના પણ ગુરુ હતા. ને, અર્જુનને તો તેઓ પોતાનો પ્રિય શિષ્ય માનતા હતા. પરંતુ ધર્મ નીભાવવા તેઓ દુર્યોધનના પક્ષે રહેલા હતા. પાંડવોના પક્ષે ભીમ જેવો મહાબળી અને અર્જુન જેવો મહાન વીર ધનુર્ધર હતા. તે ઉપરાંત પણ બીજા અનેક મહાન યોદ્ધાઓ હતા. જેમાં યુયુધાન, વિરાટ તથા દ્રુપદ જેવા કુશળ યોદ્ધાઓ હતા. પાંડવોના પક્ષે આ ઉપરાંત ધ્રુષ્ટકેતુ, ચેકિતાન, કાશીરાજ, પુરુજિત, કુંતીભોજ, શૈલ્ય, યુધામન્યુ, ઉત્તમૌજા, સુભદ્રાનો પુત્ર અને દ્રૌપદીના પુત્રો જેવા મહારથીઓ હતા .જે અજેય હતા. તો દુર્યોધનના પક્ષે સ્વયં દ્રોણાચાર્ય, ભિષ્મ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વસ્થામા, વિકર્ણ, સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા જેવા મહાપુરૂષો હતા. જેઓ યુદ્ધમાં હંમેશાં વિજયી રહ્યા હતા.
આમ, બંને પક્ષે કુશળ યોદ્ધાઓ હતા. એટલે યુદ્ધ તો અચૂક “મહાભારત” જ રહેવાનું હતું. ભગવત ગીતામાં કૌરવો-પાંડવોની જીવનકથા વર્ણવી છે. પરંતુ ગીતાનો “મર્મ” તો જ્યારે કૃષ્ણ યુદ્ધના મેદાનમાં અર્જુનને જે બોધ કહે છે તે છે. ભગવદ ગીતાના દરેક અધ્યાયમાંથી કંઈક ને કંઈક જીવન ઉપયોગી શીખ શીખવા મળે છે. ભગવદ ગીતા વાંચવી એ એક અદભુત વાત છે. પરંતું અત્યારનાં સમયમાં લોકો પાસે સમયનો અભાવ રહેતો હોય છે. તો આ મારા લેખમાં સંક્ષિપ્તમાં મેં ભગવદ્ ગીતાનો સારાંશ, અર્ક લખી આપ સુધી પહોચાડવાનો પ્રયત્ન કરેલો છે… જય શ્રીકૃષ્ણ.

https://divyamudita.com/bhagvad-geeta-ark-6/Writer : સરોજબેન નાયક , રીટાયર્ડ  શિક્ષિકા
TV સિરિયલ અને વેબ સીરિઝ એક્ટ્રેસ
YouTuber : GyanTrusha
Gandhinagar Metro & Cloth Look Fashion Magazine International

Related Posts