લેખાનુભુતિ

ગુજરાતની ધરાને ભીંજવતી – ” વર્ષાઋતુ “ના ગવાતાં ગીત

ગુજરાતની ધરાને ભીંજવતી – ” વર્ષાઋતુ “ના ગવાતાં ગીત

વર્ષાઋતુ એ મજાની ઋતુ છે. પશુ, પંખી, મનુષ્ય, વનસ્પતિ સૌની મનગમતી અને જીવન જીવાડતી અને જીવન જીવવાની પ્રેરણા આપતી ઋતુ એટલે વર્ષાઋતુ. વર્ષાઋતુ એ બાળક, યુવાનની અને વૃદ્ધ સૌની ઋતુ છે. વર્ષાઋતુ એ પ્રેમ, શૃંગાર અને ભક્તિની ઋતુ છે. ભક્તિ એ પણ પ્રેમ વ્યક્ત કરવાની એક રીત જ છે ને ? માટે તો સૌથી વધારે કાવ્યો આ ઋતુ પર જ લખાયાં છે. પણ આમાંથી કેટલાંક કાવ્યો આજના શિક્ષિત લોકોએ વાંચ્યા છે ? કેટલાંક કાવ્યો વર્ગખંડમાં શિક્ષકે બાળકોને શીખવ્યા છે ? કેટલાંક કાવ્યો વાલીએ પોતાના બાળકને સંભળાવ્યા છે ? માટે જ આજે વાત કરવી છે, વર્ષાઋતુના કાવ્યોની. એ પણ ગુજરાતીમાં જ રચાયેલાં કાવ્યો કે ગીતોની. જેથી ખ્યાલ આવશે કે, વર્ષાઋતુ પર રચાયેલાં ગીતોનો કેટલો મોટો વૈભવ આપણી પાસે છે, છતાં આપણે કોરાધાકોર છીએ..!!

એક વિચાર એ પણ આવે છે કે, આજના કેટલા વાલી પોતાના બાળકને વરસાદમાં પલળવા કે રમવા જવાની છૂટ આપે છે ? એ રીતે જોતાં આજે જેની ઉંમર 40 વર્ષથી વધારે છે તેઓ નસીબદાર હતા કે તેમને આ રીતે તેમનાં મા-બાપે છૂટ આપી હતી અને તેમણે તે તક માણી હતી. પણ સાથે અફસોસ એ વાતનો પણ છે કે એ જ્યારે વાલી બની ગયા ત્યારે તેમણે માણેલી એ તક આજે પોતાના બાળકને અનુભવવા દેતા નથી. એટલું જ નહીં જાહેરમાં ચર્ચા પણ કરે કે, અમે નાનાં હતાં ત્યારે વરસતા વરસાદમાં આમ કરતાં હતાં ને તેમ કરતાં હતાં.
યાદ કરો તમે બાળક હતાં ત્યારે વરસતા વરસાદમાં શેરી મહોલ્લાના બધાં બાળકો સાથે કેવું નહતા હતાં ? કાગળની હોડી જાતે બનાવીને પાણીમાં તરતી મૂકીને કેવો આનંદ લેતાં હતાં ? અને અત્યારે તો કદાચ હોડી બનાવવાનું પણ ભૂલી ગયાં હશે ?

https://divyamudita.com/dharane-bhinjwati-of-gujarat/કવિ કાલિદાસના મહાકાવ્યમાં ઉજ્જૈનના રાજા કુબેરે તેમના સેવક યક્ષને સજારૂપે એક વર્ષ કેદની સજા કરેલી. યક્ષ ઉજજૈનથી દુર ગોદાવરી નદીના કિનારે આવેલ રામગીરી આશ્રમમાં હતો. ત્યાંથી નવો નવો પરણેલો યક્ષ પોતાની પત્નીને ખૂબ જ યાદ કરતો હતો, વિરહ અનુભવતો હતો. ત્યારે પોતાના મનની વ્યથાને મેઘ (વરસાદ) સાથે સંદેશારૂપે પોતાની પત્નીને પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. યક્ષની પત્ની વગેરેનું વર્ણન અદ્ભુત રીતે કરીને કાલિદાસે મેઘની પ્રિયતમાની ઉપમા વીજળીને આપી છે. આ મહાકાવ્ય સૌએ માણવા જેવું છે.
ગુજરાતીમાં રચાયેલા વર્ષાઋતુના ગીતો-કાવ્યો પૈકી – નરસિંહ મહેતાની રચનાઓ –
“મેહુલો ગાજે ને માધવ નાચે અને વા વાયાને વાદળ ઊમટ્યા”
બાળકાવ્યોમાં ત્યારથી આજ સુધી સતત ગવાતું કાવ્ય એટલે “આવ રે વરસાદ, ઢેબરીયો પરસાદ..”
તો વળી આજે ક્યાંક ક્યાંક શાળામાં અભિનય ગીત તરીકે ગવડાવવામાં આવતાં ગીતોમાં ; –
૧. “વરસાદ આવે રમઝમ, વાદળી ચાલે ઝમઝમ”
૨. “તારે મેહુલિયા કરવા તે ગાન, અમારા લોકોના જાય છે જાન”
૩. “વર્ષા આવી, ગરમી હટાવી ઠંડક લાવી”
૪. “આવો મેઘા રાજા વગડાવો વાજા” જેવા અનેક વર્ષાઋતુનાં બાળકાવ્યો છે. તો હાલરડાં પણ છે જેમ કે, – “મેહુલીયા રે હવે તમે ધીરા ધીરા વાજો”
વર્ષાઋતુ પરની ગઝલની વાત કરીએ તો –
૧. “હવે પહેલો વરસાદ, બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કંઈ નહીં”
૨. “રાત વરસાદી હતી”
૩. “સાવ અચાનક મુશળધારે”
૪. “આજ ભીંજીવું શું, છે જાણ્યું, વર્ષાએ કરી કમાલ”
૫. “આખું ચોમાસું તેં મોકલ્યું ટપાલમાં”
૬. “ચોમાસું ક્યાંક આસપાસ છે”
૭. “તને વહાલો વરસાદ કે હું ?” જેવી અનેક ગઝલો ગુજરાતી સાહિત્યમાં છે.
વર્ષાઋતુનો જુદા જ પ્રકારનો વૈભવ આપને ઊર્મિકાવ્યોમાં વિશેષ જોવા મળે છે. જેમાં વિરહ છે… પ્રેમ છે… એકરાર છે… જ્યાં બે નહીં પણ એક થવાની કે કહેવાની વાત છે. જ્યાં ક્યાંક નિર્ભયતા તો ક્યાંક શરમ-સંકોચ સાથે ઉભરાતી લાગણી અને માંગણી છે. વર્ષાના ઊર્મિ ગીતોમાં પ્રેમ અને શૃંગાર વધુ જોવા મળે છે. એમાં વરસતા વરસાદ વખતની કે વરસી રહ્યાં પછીની પ્રકૃતિનું વર્ણન પણ જોવા મળે છે.
ભાઈ-બહેનના પ્રેમને વ્યક્ત કરતા વર્ષાઋતુના કાવ્યો પણ છે. જેમ કે, – આણું લેવા સાસરિયાં પોતાને ઘેર આવીને બેઠા છે. ત્યારે ખરીદી કરવા નીકળતા પોતાના ભાઈને શિખામણ આપતી બહેનની લાગણી વ્યક્ત કરતું સૌ ગુજરાતીના કંઠે વસેલું ગીત એટલે – “વાદલડી વરસી રે સરોવર છલ્લી વળ્યાં”
તો વળી બીજા એક ગીતમાં ભાઈની આતુરતાથી રાહ જોતી બેનડી કહે છે, – “વરસે વરસે અષાઢી દેવ રે મેઘ, જવ તલ કોણ હોમશે.”
વર્ષાઋતુને ધાર બનાવીને આવા ઘણા ગીતોમાં ઊર્મિ સાથે સમાજ વ્યવસ્થાની પણ વાત છે. જેમકે, “આ વાયરાના તોફાને આવેલા વરસાદે ઉંમરની મર્યાદા તોડી.” તો વળી શૃંગાર રસ પીરસતા કાવ્યોમાં સૌના હૈયે અને હોઠે વસેલું ગીત એટલે – “આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે…” આ ઉપરાંત ગુજરાતી સાહિત્યમાં વર્ષાઋતુને આધાર બનાવી દિલની ઉર્મીઓને વ્યક્ત કરતાં અનેક ગીતો છે. જેમ કે –
૧. “સાજન ધીરે ધીરે સાવન આયો રે.”
૨. “શ્રાવણિયો વરસ્યોને હું તો પલળી ગઈ”
૩. “વાદળને ઓઢીને આવો શ્યામ તમે, વીજળીના ચમકારા આપજો”
૪. “હું તો મતવાલી બાદલ રે, મને ઝંખે છે શ્રાવણ રે”
૫. “એવો રે વરસાદ ક્યાંથી લાવવો” ૬.
“એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું”
૭. “મને ચોમાસું થવાના કોડ”
૮. “વાદળી વરસીને ચાલી ગઈ.”
વર્ષાઋતુના ગીતો-કાવ્યોની વાત, આજે માણી. ત્યારે તમને પણ થતું હશે… કે, હું વરસતા વરસાદમાં મન અને ભાન ભૂલીને પલળવા, ભીંજાવા અને નાચવા જાવ તો…?

Writer : Kardam Modi || Teacher

Related Posts