હવે તો માનવ બનીએ !
આજે માનવ પોતાના અસ્તિત્વને ભૂલી ગયો છે.ચોતરફ માત્ર ને માત્ર ભયનો માહોલ દેખાદે છે.માનવ જાણે પસ્તાતો હોય અને પોતાની જાતને કુદરત સમક્ષ અક્ષમ્ય ગણતો હોય તેવી લાચારી અનુભવી રહ્યો છે.માનવ હવે સમજી ગયો છે કે કુદરતને માણસની જરૂર નથી પણ માણસને કુદરતની ચોક્કસ જરૂર છે. આજે જ્યારે કુદરત રૂઠી છે ત્યારે માનવ પાંગળો બન્યો છે. પોતાના થકી થયેલી પ્રકૃતિ વિરુદ્ધની અનૈતિક પ્રવૃત્તિઓના પરિપાક રૂપે માનવ ચાર દીવાલોમાં કેદ થવા મજબૂર બન્યો છે. હાલના સંજોગો જોતાં મોટા મોટા ફાંકા મારનાર,સર્વસંપન્ન વ્યક્તિ પણ પ્રકૃતિનું સાનિધ્ય ઝંખી રહ્યો છે. હોસ્પિટલમાં ખાટલા અને બાટલાની અરાજકતા ફેલાવતી સ્થિતિ મોટા ચમરબંધી માટે પણ અસ્તિત્વનો સવાલ પેદા કરતો એક મોટો પડકાર બની ચૂક્યો છે. કુદરતની થપાટથી માનવ ઘણું બધું સમજી ગયો છે.છેવટે હાથના કર્યા હૈયે વાગ્યા એવી સ્થિતિ સર્જાઈ છે. માણસે સારા-નરસાનો ભેદ પારખ્યા વિના બસ મન ફાવે તેમ શોર્ટ કટ અપનાવી પોતાની જાત અને પ્રકૃતિ સાથે ચેડાં કરવામાં લેશમાત્ર કચાસ છોડી નથી,કોઈ ક્ષેત્ર એવું નહિ બચ્યું હોય કે જ્યાં માણસે પોતાના સ્વાર્થ માટે ખોટું કરવામાં પાછું વળીને જોયું હોય ! જેના પરિપાક રૂપે માનવ આજે આ ભયાનક પરિસ્થિતિનું નિર્માણ કરવામાં સફળ રહ્યો છે.અને પોતાની જાતને રક્ષવામાં સદંતર નિષ્ફળ !
આમ જોઈએતો દેશ કે દુનિયાના વૈજ્ઞાનિકો થકી માનવોની રક્ષા કાજે ઘણા સંશોધનો થયા જેમાં મુખ્યત્વે બોમ્બ કે અણુબોમ્બ વગેરે બનાવવા પાછળ વિશેષ પણે જોવા મળ્યા છે.
આમ જોઈએતો દેશ કે દુનિયાના વૈજ્ઞાનિકો થકી માનવોની રક્ષા કાજે ઘણા સંશોધનો થયા જેમાં મુખ્યત્વે બોમ્બ કે અણુબોમ્બ વગેરે બનાવવા પાછળ વિશેષ પણે જોવા મળ્યા છે. પરંતુ મેડીકલ ક્ષેત્રે ચોક્કસ પરિણામ મેળવવામાં ક્યાંક વિલંબ જોવા મળ્યો છે.જેથી ઘણું બધું માનવધન પોતાનુ અસ્તિત્વ ગુમાવી દે છે. છેવટે આપણા માટે સૌભાગ્યની બાબત તો એ છે કે કોઈપણ મહામારી આવેથી થોડાક જ સમયમાં પરિસ્થિતિજન્ય દવા કે રસી શોધી શકવામાં આપણે કેટલેક અંશે સફળ રહી શક્યા છીએ .
હજુ પણ માનવને માનવ થવું નથી ! અરેરેરેરેરે? આટ-આટલી કુદરતની લાતો વાગવા છતાં પણ માણસ નિંદનીય પ્રવૃત્તિઓ કરવામાં સહેજ પણ પાછી પાની કરતો નથી. જેનું એક જ સામાન્ય ઉદાહરણ જોઈએ તો અત્યારે હાલ દવાખાનામાં પેશન્ટ એડમિટ કરવાથી માંડી તેના સારવારમાં વપરાતી શસ્ત્ર સામગ્રી મેળવવાની વ્યવસ્થા કરવામાં પણ નૈતિકતા વિરુદ્ધની જે સ્થિતિ સર્જાઈ છે તે મીડિયા મારફતે આપણે બધા જોઇ કે અનુભવી ચૂક્યા છીએ.આવા હીન કૃત્યો કરનાર માનવધન ને મારે એક સવાલ કરવો છે કે તમારી છાતી ઉપર હાથ રાખીને તમારા આત્માના અવાજને તો સાંભળો? કર્મના સિધ્ધાંતની થીયરી ને તો સમજો? શું આપ આ પ્રકારના કાળાબજારી કૃત્યો કરી પોતાને,સમાજને કે રાષ્ટ્રને પ્રત્યક કે અપ્રત્યક્ષ રૂપે હાની નથી પહોચાડી રહ્યા?
માનવી તું માનવ થાય તો ઘણું ! હે માનવ તે ભૌતિક જગત ને આંબવા નીજી સ્વાર્થ કાજે પ્રકૃતિ સાથે સમાવિષ્ટ પશુ ,પક્ષી, જંગલો હવા- હવામાન કે પાણીને દૂષિત કરવામાં ક્યારેય પાછી પાની કરી નથી.
માનવી તું માનવ થાય તો ઘણું ! હે માનવ તે ભૌતિક જગત ને આંબવા નીજી સ્વાર્થ કાજે પ્રકૃતિ સાથે સમાવિષ્ટ પશુ ,પક્ષી, જંગલો હવા- હવામાન કે પાણીને દૂષિત કરવામાં ક્યારેય પાછી પાની કરી નથી. સંશોધનો કર્યા તે પણ માનવ સંહાર માટે જ થયા.અરે માનવી તું જોતો ખરા ! માનવે પ્રકૃતિ સાથે કરેલ ખિલવાડનું પરિણામ? આજે પ્રકૃતિ આપણી સામે મેદાને ઉતર્યું છે ! માનવ પાસે એવું કોઈ શસ્ત્ર-સરંજામ નથી કે જેના થકી પ્રકૃતિના રૌદ્ર સ્વરૂપ સામે વિજય પ્રાપ્ત થાય.
આજે માનવની માનવતા પણ મરી પરવારી છે.હવે એક માત્ર હથિયાર સંયમ,સદાચાર અને પરોપકાર બચ્યું છે. હજુ કંઇજ બગડી ગયું નથી આવો આજ્થી જ આપણે માનવ અને પ્રકૃતિ રક્ષણ માટે કટીબદ્ધ બનીએ.દેખાદેખીથી દૂર રહી,આવનાર પેઢીના અસ્તિત્વ અને સંવર્ધન માટે પ્રકૃતિના ખોળે પાછા વળીએ.શુદ્ધ ઓક્સિજન મેળવવા માટે વૃક્ષો વાવી તેનું જતન કરીએ. હવા અને પાણીને દુષિત ન કરીએ. પશુ,પક્ષી,પંખીઓને પોષીએ અને માનવ માનવ પ્રત્યે સદભાવના,ભાઈચારો અને આત્મીયજન્ય વ્યવહાર કરીએ. વિશ્વ એક કુટુંબ છે એ ભાવનાને ઉજાગર કરી મહામારી સામે સકારાત્મક સોચ અને હકારાત્મક અભિગમથી વિજય પ્રાપ્ત કરીએ,સૌનું ભલું થાય એમ પ્રભુ પ્રાર્થના કરીએ. અને સાચા માનવ બનીએ.
Writer : પ્રો.ડોક્ટર રંજન પટેલ ચૌધરી , સર્વ વિદ્યાલય કેમ્પસ કડી.
(ત્રીપલ એમ.એ, એમ.એડ્, પીએચ.ડી.)
પ્રમુખ: ઇગલ ઇન્સ્ટિટયૂટ ઓફ ચેરીટેબલ ટ્રસ્ટ, મહેસાણા.