નિત્ય સમાચાર

અંબાજી આવતા પદયાત્રીઓ માટે આશીર્વાદરૂપ થનાર દસ હજાર રોપાનું વાવેતર

ધોમધખતી આ ગરમીમાં વૃક્ષ મનુષ્યને પોતાનો લીલોછમ છાંયડો આપીને ઠંડકની અનુભૂતિ કરાવે છે. વૃક્ષોના અનેક પરમાર્થને કારણે આપણા શાસ્ત્રો, ઋષિમુનિઓ, કવિ તથા લેખકોએ તેની મહિમાને અનેક શબ્દોમાં વર્ણવી છે. એક સંસ્કૃત શ્લોકમાં તેની મહિમા વર્ણવતા જણાવ્યું છે કે, छायामन्यस्य कुर्वंति तिष्ठति स्वयमातपे । फलान्यपि परार्थाय वृक्षा: सत्पुरुषा ईव ॥ અર્થાત્, બીજાને છાંયડો આપે છે, સ્વયં તડકામાં ઊભા રહે છે, ફળ પણ બીજા માટે હોય છે. ખરેખર! વૃક્ષ સત્પુરુષ જેવા હોય છે.  આવા સદ્પુરુષ સમાન પરોપકારી વૃક્ષો હવે અંબાજી યાત્રાધામ જનાર પદયાત્રીઓ માટે શીતળ આશીર્વાદ બનવા જઈ રહ્યા છે. વિશ્વમાં શક્તિપીઠોમાં અંબાજી યાત્રાધામ ભક્તોમાં આદરભર્યું સ્થાન ધરાવે છે. ગુજરાતની ઉત્તરે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલ અંબાજી શક્તિપીઠ કરોડો માતાજીના ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. અનેક ભક્તો પગપાળા યાત્રા દ્વારા માના દર્શને આવી પહોંચે છે. માના દર્શન કરવા જતાં આવા પદયાત્રીઓ માટે હર્ષના સમાચાર પ્રાપ્ત થયા છે.

https://divyamudita.com/plantation-of-ten-thousand-saplings/હાલમાં યાત્રાધામ અંબાજીને જોડતા ચાર માર્ગીય રસ્તાઓ ઉપર ૧૦,૦૦૦ જેટલા રોપાનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. નવા રસ્તાઓના નિર્માણ સમયે નડતરરૂપ વૃક્ષોને કાપવામાં આવ્યા હતા. એવા સમયે વન વિભાગની વિસ્તરણ રેન્જ દ્વારા આ રસ્તાઓની આજુબાજુ દસ હજાર જેટલા રોપાઓનું વાવેતર કરી, તેને માવજત તથા રક્ષણ પણ‌ પૂરું પાડવામાં આવી રહ્યું છે. તત્કાલીન પરિક્ષેત્ર વન અધિકારી પી. ડી. ફાફના જણાવ્યા અનુસાર અંબાજીથી દાંતા સુધીના રસ્તા પર ૨૫૦૦ જેટલા રોપા સેથોડિયા તથા અંબાજીથી હડાદ માંકડ ચંપા સુધી ટેબોબિયાના રોપા રોપવામાં આવ્યાં છે. તદુપરાંત, વિસ્તરણ અધિકારી દાંતા રેન્જના પરિક્ષેત્ર વન અધિકારી પ્રવીણભાઈ ભુતળીયાના જણાવ્યા અનુસાર દાંતાથી સતલાસણા તથા દાંતાથી પાલનપુર જતાં રસ્તા પર ૬૪૦૦  વડ અને પીપળ જેવાં વૃક્ષોના રોપાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સુંદર કાર્ય યાત્રિકો તથા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર તથા પદયાત્રીઓ માટે આશીર્વાદરૂપ બનશે.

સંકલન : દિપીકા અગ્રાવત || દિવ્યામુદિતા ટીમ

Related Posts