લેખાનુભુતિ

મંદિર એ ATM નથી

પ્રાતઃકાળે પાંચ માણસો મંદિરે પહોંચે છે. એમણે જિંદગી અને ભગવાન પાસે ખાસ પ્રકારની માગણીઓ મૂકવી છે એટલે અધીરા છે પણ હજી મંદિરનાં દ્વાર ખુલ્યાં નથી. પેલા પાંચે જણ કાં તો પુજારી પર પણ ગુસ્સો કરે છે કાં તો ભગવાન પર ! આખી દુનિયાને નિયમ શીખવનારો પોતે નિયમ ન પાળે એમ કેમ ચાલે ? વાયુ જેના પર વીંઝણલો ઢોળે છે, વરસાદ જેને સ્નાન કરાવવા ઉત્સુક છે, પ્રકાશ જેની તસ્વીર માટે ઉત્સુક છે એ સૌની પુજારી બાહ્ય વસ્ત્રાભુષણથી સજાવવા દર્શનાર્થીઓના ધૈર્યની પરીક્ષા લે છે ? અને એકાએક મંદિરના દ્વાર ખુલે છે. પેલા પાંચે જણ ધક્કા-મૂક્કી કરે છે. દરેકની ફરિયાદ છે કે પોતે બીજા કરતાં વહેલો આવ્યો છે, એટલે ભગવાન સાથે વાતચીત કરવાનો પહેલો અધિકાર પોતાનો છે. ઘોંઘાટ સાંભળી પુજારી આરતીની તૈયારી પડતી મૂકી બહાર આવે છે. પેલા પાંચે જણ કહે છે ઃ ”તમે જલ્દી આરતી પૂરી કરો. અમારે અંગત કામ સર બીજે એપોઈન્ટમેન્ટ છે.” ”તમે ભગવાનની એપોઈન્ટમેન્ટ લીધી છે ? એને કરોડો કામો કરવાનાં હોય છે છતાં એ નથી ગુસ્સે થતો કે નથી નારાજ થતો.” – પુજારીએ હસતાં-હસતાં કહ્યું ઃ

”હવે તમારું ડહાપણ તમારી પાસે રાખો અને આરતી શરૂ કરો.” – પેલા ક્રોધે ભરાએલા દર્શનાર્થીએ કહ્યું ઃ

પુજારીએ કહ્યું ઃ આરતી સમયે તમે તમારો આર્તનાદ યાદ રાખો છો અને ભગવાનને આજ્ઞાા કરો છો કે તમારી ”આરત” તે સાંભળે. તમે ભીડમાં કે આફતમાં આવી પડો અને ભગવાન પાસે તમને અનુકૂળ ”સ્ટે ઓર્ડર” માગો એવો એકપક્ષીય ન્યાય ભગવાન ક્યારેય કરતો નથી – કહી પુજારી ગર્ભગૃહમાં ગયા.

પેલા માણસો કહી રહ્યા હતા ઃ

”જિંદગી ! તું મને જીતાડ”

”જિંદગી આજે કોર્ટમાં મારા શત્રુને જામીન ન મળે.”

”આજે થેલો ભરીને હું રૂપિયા ઘેર લઈ જઉં.”

”જિંદગી ! મારો ઉધ્ધત પુત્ર અને ઉધ્વત પત્ની આજ્ઞાાંકિત.”

”જિંદગી ! મારી ધાકથી પડોશીની બોલતી બંધ થઈ જાય.”

આરતી પૂરી થઈ યાંત્રિક ભાવે આરતી લઈ પેલા પાંચે જણ વિદાય થયા. એક જણે કહ્યું ઃ ”દાન-પેટીમાં કશું નાખીએ !” બીજાએ કહ્યું ઃ ”ભગવાન પાસે પૈસાની ક્યાં ખોટ છે. આપણે માગવા આવ્યા છીએ આપવા નહીં.”  અને પેલા પાંચે જણ વિદાય થયા. વળી પાછા એ પાંચે મંદિર દર્શન કરવા આવ્યા. દર્શન કરવા નહીં, જિંદગી પાસે પોતે જે કાંઈ માગ્યું હતું તેનું વિપરિત પરિણામ આવતાં ભગવાન સાથે લડવા માટે. જિંદગીમાં દેવારાધન એ એ.ટી.એમ. નથી કે તમે જરૂરી વિધિ સાથે સ્વીચ દબાવો એટલે વાંછિત પૈસા મળે. જિંદગીના એ.ટી.એમ.માં પૈસા ભરવાની જરૂર નથી. આપવાવાળો વગર માગ્યે તમારી યોગ્યતા પ્રમાણે તમારી જિંદગીના એ.ટી.એમ.માં પૈસા ભરી દેશે.

સંકલન : કર્દમ આર.મોદી || શિક્ષકશ્રી
	M.Sc,M.Ed પાટણ

Related Posts