ભગવદ્ ગીતા અર્ક:૧૪
સમાધિનો અર્થ
અત્યાર સુધી આપણે આત્મા, શરીર અને કર્મ વિશે જાણ્યું. હજી પણ કર્મ-કર્તવ્ય વિશે વધુ જાણીએ તે પહેલાં “સમાધિ” શબ્દને જાણવો ખૂબ જરૂરી છે.
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन । मा कर्मफलहेतुर्भुर्मा ते संगोऽस्त्वकर्मणि ॥
આ શ્લોકમાં જણાવ્યા પ્રમાણે માણસે કર્મ કરી ફળની આશા ન રાખવી. આપણે સામાન્ય મનુષ્ય આ શ્લોકનો સંપૂર્ણપણે અમલ ન કરી શકીએ. આ શ્લોકમાં દર્શાવ્યા પ્રમાણે કર્મ કરીને ફળને ભૂલી જવું ખૂબ અઘરું છે. પરંતુ જો તેને આપણે આંશિક રીતે પણ વર્તનમાં મૂકી શકીએ તો આપણા જીવનની ઘણી સમસ્યાઓનો ઉકેલ મળે શકે.
શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનને વધુ સમજાવતાં કહે છે,”હે,અર્જુન, તને તારું નિયત કર્તવ્ય, નિયત કર્મ કરવાનો અધિકાર છે. પરંતુ તને કર્મના ફળો પર અધિકાર નથી. તું પોતાની જાતને ક્યારેય પોતાના કર્મોના ફળોનું કારણ માનીશ નહીં. સ્વકર્મ ન કરવામાં ક્યારેય આસક્ત થઈશ નહીં”. અહીં એ સમજાવવામાં આવ્યું છે કે ફળની આશા રાખીને કરેલું કાર્ય બંધનકર્તા થાય છે. અને આપણામાં આસક્તિ જન્માવે છે. દા.ત. ભગવાનના દર્શને જઈને આપણે પ્રસાદ ધરાવી માગણી કરીએ છીએ કે મારુ અમુક કામ પતાવી આપશો. જ્યારે કામ નથી થતું ત્યારે આપણે દુઃખી થઈએ છીએ. કોઈ માટે ક્યારેક કોઈ કામ કરીએ છીએ. અથવા કોઈને ક્યારેક કોઈ મદદ કરીએ છીએ. ત્યારે પણ આપણા મનમાં ઊંડે ઊંડે તેની પાસેથી પણ મદદની આશા જન્મે છે. જે આપણામાં આસક્તિ જન્માવે છે. અને જો જે તે વ્યક્તિ આપણા કામમાં નથી આવતા કે મદદ નથી કરતા ત્યારે આપણે દુઃખી થઈએ છીએ. આવી પરિસ્થિતિમાં શ્રીકૃષ્ણ ગીતાજ્ઞાન દ્વારા આપણને કર્તવ્ય-કર્મનો અધિકાર સમજાવે છે. ફળની કે પરિણામની આશા વગર કરેલું કર્મ અને કર્તવ્ય આપણને આનંદ આપે છે.
ભગવાન અર્જુનને કહે છે કે તું યોગમાં સ્થિર રહે. સફળતા કે નિષ્ફળતાની સર્વ આસક્તિ છોડી દઈને તારા કર્તવ્યો કર. મનની આવી સમતાને ”યોગ” કહેવાય. તો આ યોગ શું છે? તો યોગ એટલે હર હંમેશ ચંચળ રહેતી આપણી ઇન્દ્રીયોને નિયંત્રણમાં રાખીને એકાગ્રતા રાખવાની ક્રિયા. મતલબ કે જો આપણે આપણી ઇન્દ્રિયોની ચંચળતાને નિયંત્રણમાં નહીં રાખીએ તો તેની ચંચળતા બેકાબૂ બની જશે. અને આપણે આપણા માર્ગમાંથી ભટકી જઈશું. માટે વારંવાર સાંભળતા આવીએ છીએ તે શ્લોક: “योग: कर्मसु कौशलम् | અહીં લાગુ પડે છે. એટલે કે “યોગ એ જ કર્મનું કૌશલ છે”. યોગ જ સમાધિનું પ્રથમ ચરણ છે. જ્યારે મનુષ્ય સમાધિમાં ગરકાવ થઈ જાય છે ત્યારે તે અદ્ભુત આનંદની અવસ્થા પ્રાપ્ત કરે છે. મોહ- માયાથી પર થઈ જાય છે. શરીર પ્રત્યેની આસક્તિ રહેતી નથી. અને પરમ સુખમય અવસ્થા પ્રાપ્ત કરે છે… જય શ્રી કૃષ્ણ.
Writer : સરોજબેન નાયક , રીટાયર્ડ શિક્ષિકા
TV સિરિયલ અને વેબ સીરિઝ એક્ટ્રેસ
YouTuber : GyanTrusha
Gandhinagar Metro & Cloth Look Fashion Magazine International