ભગવદ્ ગીતા અર્ક: ૧૫
સ્થિતપ્રજ્ઞ મનુષ્યનાં લક્ષણો :
અર્જુનને શ્રી કૃષ્ણે યુદ્ધના મેદાનમાં જિંદગીનું સત્ય સમજાવ્યું. સામે પક્ષે રહેલા ભીષ્મ-દ્રોણને હણવા માટેઅને દુઃખ ન કરવા સમજાવ્યું. તે સમજાવતાં સમજાવતાં કૃષ્ણે આત્મા- શરીર- કર્મ- કર્તવ્ય- યોગ- સમાધિ વગેરેનું પણ જ્ઞાન પણ આપ્યું. જે સ્થિર મન કરવા માટે ખૂબ જરૂરી હતું. આટલું જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ અર્જુનનું મન થોડું સ્થિર થયેલું છે. અને તેને જીવનના રહસ્યોને વધારે સમજવાની આતુરતા જાગતાં તે શ્રીકૃષ્ણને આ પ્રશ્ન પૂછે છે. કે “હે કૃષ્ણ, અધ્યાત્મમાં લીન થયેલી ચેતનાવાળા મનુષ્યનાં લક્ષણો કયા છે? તે કેવી રીતે બોલે છે? તેની ભાષા કેવી હોય છે? તે કેવી રીતે બેસે છે? તે કેવી રીતે ચાલે છે? વગેરે.
મિત્રો, દરેક મનુષ્યનાં કેટલાક વિશિષ્ટ લક્ષણો હોય છે. તે લક્ષણો દ્વારા આપણે તે મનુષ્યને જોઈને, તેના વિશે તેની સાથે વાત કર્યા સિવાય કે તેની સાથે રહ્યા સિવાય થોડીક તો માહિતી મળી જ જતી હોય છે. તેવી જ રીતે સ્થિર મન વાળા, અધ્યાત્મમાં લીન થયેલી ચેતનાવાળા મનુષ્યનો પણ વિશિષ્ઠ સ્વભાવ હોય છે. તેનું બોલવું, તેનું ચાલવું, તેનું વિચારવું, તેનું ઈચ્છવું વ. ઉપરથી આપણે તેને જાણી શકીએ છે. જેમ શ્રીમંત માણસનાં લક્ષણો પરથી તે શ્રીમંત છે તેમ આપણે જાણી શકીએ છીએ… કોઈ રોગી માણસને તેના લક્ષણો પરથી આપણે જાણી શકીએ છે કે તે રોગી છે. તેમ વિવિધ વ્યવહાર, વર્તનથી સ્થિર-મનવાળાને પણ આપણે જાણી શકીએ છીએ. અને તે લક્ષણોમાં વાણી સૌથી વધારે મહત્વનું લક્ષણ છે. માણસની વાણીથી તે માણસની નમ્રતા, તેની બુદ્ધિ, તેની વિદ્વતા, તેનો સ્વભાવ, તેનું સ્વાર્થીપણું, તેની ઉદારતા વ. જાણી શકાય છે. માટે અર્જુને શ્રીકૃષ્ણને સ્થિર મનવાળા મનુષ્યનાં લક્ષણો પૂછ્યાં. જેથી તે પણ તે લક્ષણો ધારણ કરી સ્થિર મન પ્રાપ્ત કરી શકે.
અર્જુનના પ્રશ્નના જવાબમાં સ્થિતપ્રજ્ઞ… સ્થિર મન વાળા મનુષ્યનાં લક્ષણો માટે શ્રીકૃષ્ણે કહ્યું છે કે,
ॐ स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव । स्थितधीः किं प्रभाषेत किमासीत व्रजेत किम् ॥
(૧) મનુષ્ય જ્યારે મનમાં ઉદ્ભવતી ઈન્દ્રિય તૃપ્તિની સર્વ કામનાઓનો ત્યાગ કરે છે ત્યારે તે ત્યાગ કરી વિશુદ્ધ થયેલા મન સાથે તેનું મનઅને તેનોઆત્મા સંતોષ પ્રાપ્ત કરે છે. ત્યારે તે વિશુદ્ધ દિવ્ય ચેતનામાં રહેલા મનુષ્યને સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.
(૨) જે મનુષ્ય ત્રિવિધ સંતાપોમાં પણ સંતોષ પ્રાપ્ત કરે છે, મનથી વિચલિત થતો નથી અને જે સુખ પામી રાજી થતો નથી તથા જે આસક્તિ, ભય અને ક્રોધથી મુક્ત થયેલો હોય છે તેને સ્થિતપ્રજ્ઞ અથવા મુનિ કહેવાય છે.
(૩) જે મનુષ્ય આસક્તિથી રહિત છે, જે શુભ પામી હરખાતો નથી તેમજ અશુભ પામી શોક કરતો નથી. તે પૂર્ણ જ્ઞાનમાં દ્રઢપણે સ્થિર થયેલો છે. જેને સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.
(૪) જેવી રીતે કાચબો તેના સર્વ અંગોને પોતાના કોચલામાં સંકેલી લે છે, તેવી રીતે જે મનુષ્ય પોતાની ઈન્દ્રિયોને વિષયોમાંથી ખેંચી લેવા શક્તિમાન બને છે, તે પૂર્ણ ચેતનામાં દ્રઢતાપૂર્વક સ્થિર હોય છે. તેને સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.
(૫) દેહધારી જીવને ઇન્દ્રિયભોગ પરત્વે ભલે પ્રતિબંધિત કરવામાં આવે, તોપણ તેને વિષયોને ભોગવવાની ઈચ્છા રહે જ છે. પરંતુ જો તેમાંથી પોતાની જાતને બચાવવા માટે ભક્તિરસનો અનુભવ કરીએ તો મન સ્થિર થઈ જાય છે. અને આવા સ્થિરમનવાળા મનુષ્યને સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.
હજી પણ સ્થિર મન, સ્થિર બુદ્ધિવાળા મનુષ્યનાં લક્ષણો શ્રીકૃષ્ણે અર્જુનને ગણાવ્યાં છે અને મનને સ્થિર કેવી રીતે અને શા માટે રાખવું જોઈએ તે સમજાવ્યું છે. જે આપણે આ પછીના લેખમાં જોઈશું. જય શ્રીકૃષ્ણ.
Writer : સરોજબેન નાયક , રીટાયર્ડ શિક્ષિકા
TV સિરિયલ અને વેબ સીરિઝ એક્ટ્રેસ
YouTuber : GyanTrusha
Gandhinagar Metro & Cloth Look Fashion Magazine International