ભગવદ્ ગીતા અર્ક-20
“કામ ” – મહાપુરુષો જે જે આચરણ કરે છે તેનું અનુસરણ સામાન્ય મનુષ્યો કરે છે. માટે શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે હું એવું વર્તન, એવું આચરણ કરું છું કે જેથી અવાંછિત જનસમુદાય ઉત્પન્ન ન થાય. માટે વિદ્વાન માણસોએ સામાન્ય લોકોને સાચા માર્ગે દોરવા અનાસક્ત રહી કર્મ કરવું જોઈએ.. ભગવાન કહે છે કે જીવ મિથ્યા અહંકારના પ્રભાવથી મોહ ગ્રસ્ત થઈને પોતાની જાતને સમગ્ર કાર્યોનો કર્તા માની લે છે. પણ હકીકતમાં ભૌતિક પ્રકૃતિથી જ શરીર રૂપી યંત્ર ઉત્પન્ન થયું છે. માટે શરીરનો મોહ કરવો જોઈએ નહીં. ભૌતિક પ્રકૃતિના ગુણોથી મોહગ્રસ્ત થયેલા અજ્ઞાનીજનો દુન્યવી કાર્યોમાં પૂરેપૂરા પરોવાઈ જાય છે. અને તેમાં આસક્ત થાય છે. તેમનાં કાર્યો તેમના જ્ઞાનના અભાવે ઉતરતી કક્ષાનાં હોય છે. તો તેમને જ્ઞાન આપી વિચલિત કરી આપણો કિંમતી સમય નષ્ટ ન કરવો. જે સમજી શકે તેમને જ જ્ઞાન આપવું. માટે,”હે અર્જુન, તું જ્ઞાની છે. તું યોદ્ધો છે. તું પરાક્રમી છે. તારા સર્વ કર્મો મને સમર્પિત કરીને, મારા પૂર્ણ જ્ઞાનથી યુક્ત થઈને, લાભની ઈચ્છા રાખ્યા વિના કે સ્વામિત્વનો ભાવ કર્યા વિના, આળસ છોડીને તું યુદ્ધ કર..”
આમ, કૃષ્ણ ભગવાન અર્જુનને યુદ્ધ કરવા પ્રેરિત કરે છે. એ ઉપરાંત ભગવાન જ્ઞાની અને અજ્ઞાનીની સમજ પણ અર્જુનને આપતાં કહે છે કે,” જે માણસો ઈર્ષા વશ થઈને ઉપદેશોની ઉપેક્ષા કરે છે. અને તેનું આચરણ કરતા નથી. તેમને સર્વજ્ઞાન થી રહિત, મૂર્ખ બનેલા, તેમજ અજ્ઞાની અને બંધનનો ભોગ બનેલા ગણવા જોઈએ.” જ્ઞાની મનુષ્ય પોતાની પ્રકૃતિ પ્રમાણે જ કાર્ય કરે છે. જ્યાં સુધી ભૌતિક શરીર છે. ત્યાં સુધી શારીરિક જરૂરિયાતોને નિયમનો હેઠળ સંતોષવાની છૂટ આપવામાં આવે છે. દરેક મનુષ્યે એકાએક નહીં પરંતું ક્રમિક પદ્ધતિથી હૃદયની શુદ્ધિ કરવાની હોય છે. અહીં અર્જુને કૃષ્ણ ભગવાનને એક પ્રશ્ન કરેલો કે,” મનુષ્ય ઈચ્છતો ન હોવા છતાં પાપ કર્મમાં શાથી પ્રેરાય છે?..” ત્યારે ભગવાને કહ્યું કે,”તેનું મુખ્ય કારણ રજોગુણથી ઉત્પન્ન થયેલ કામ જ છે. જે પાછળથી ક્રોધનું રૂપ ધારણ કરે છે. જે આ જગતનો સર્વભક્ષી, મહાપાપી શત્રુ છે. જેવી રીતે અગ્નિ ધુમાડાથી, દર્પણ ધૂળથી અને ભ્રુણ ગર્ભાશયથી આવૃત્ત રહે છે. તેવી રીતે જીવાત્મા ‘કામ’ વડે વિભિન્ન માત્રામાં આવૃત્ત રહે છે. અને સદાય અગ્નિની જેમ બળતો રહે છે. ઈન્દ્રિયો, મન તથા બુદ્ધિ એ ‘કામ’ના નિવાસસ્થાનો છે. તેમના દ્વારા આ ‘ કામ ‘ જીવાત્માના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે. અને તેને મોહિત કરે છે. માટે.. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, શરૂઆતમાં ઈન્દ્રિયોનું નિયમન કરીને પાપના આ મહાન પ્રતિક સમા ‘ કામ’નું દમન કર અને જ્ઞાન તથા આત્મ-સાક્ષાત્કાર ના વિનાશ કર્તાનો વધ કર.” આમ, કૃષ્ણ ભગવાન ગીતાજ્ઞાન દ્વારા આપણને ‘ કામ’ એટલે કે આપણે ઈચ્છાઓ પર કાબૂ રાખવાનું જણાવે છે. અને આપણી આધ્યાત્મિક શક્તિને પ્રબળ બનાવવાનું કહે છે.
જય શ્રી કૃષ્ણ
Writer : સરોજબેન નાયક , રીટાયર્ડ શિક્ષિકા
TV સિરિયલ અને વેબ સીરિઝ એક્ટ્રેસ
YouTuber : GyanTrusha
Gandhinagar Metro & Cloth Look Fashion Magazine International