અનોખી જિદ્દ જેનામાં સવાર છે એ મનોજ મુંતશિર
મુંતશિર નો અર્થ થાય છે વિખરાયેલું પણ મનોજ મુંતશિરનો અર્થ થાય છે , સ્વષ્ટ જોવા અને પૂરી જિદ્દ સાથે એને પૂરા કરવા. ૧૯૯૯ થી ગીતકાર બનવા મુંબઈ આવેલો આ યુવાન જ્યારે ૨૦૧૯ માં કેશરી ફિલ્મ માટે તેરી મિટ્ટી ગીત લખ્યું અને ભારતીયોના દિલમાં છવાઈ ગયો. તેમની જીવન કહાની પરથી આપણને એક વાત ચોક્કસ સમજાય કે આપણે આંખોમાં સ્વપ્ર જોવા જોઈએ અને એને પૂરા ઝનૂન સાથે પૂરા કરીએ તો સફળતા મળે જ છે. તેમની કહાની પરથી એ પણ ચોક્કસ અહેસાસ થાય કે મનોજ મુંતશિર બનવું આસાન નથી !
૧૯૯૭ માં એકવીસ વર્ષનો યુવાન ચાની શોધમાં એક દુકાને પહોંચે છે અને એ જમાનામાં ખીંટીએ ટીંગાવેલા રેડિયામાં એક મુશાયરો ચાલતો હતો . તેમાં એક શેર સાંભળ્યો તેના શબ્દો હતા … .
मुंतशिर हम है तो तुम्हारे रुखसार पर आंसू क्यों है? आईने टूटते रहते हैं तो फिर गम क्यों है!!
આ સાંભળતા જ જાણે પોતે શોધતો હતો તે શબ્દ મળી ગયો . તેને પોતાના નામની પાછળ તખલ્લુસ લખવું હતું અને આ રીતે મનોજ શુકલામાંથી બન્યો મનોજ મુંતશિર . મનોજના પિતાજી ગોરપદું કરતા અને સામાન્ય ખેડૂત હતા. આર્થિક પરિસ્થિતિ એવી હતી કે મહિને એકવાર દાળ બનતી. તેમછતાં સ્વપ્ન જોવાની ટેવ બાળપણથી હતી એટલે પિતાજી જ્યારે ચેતક સ્કુટર લાવ્યા અને તેને ચલાવવા આપતા નહોતા ત્યારે મનોજ કહેતો કે ભલે તમે મને તમારું સ્કુટર ના આપો પણ હું તમને એક દિવસ મર્સીડીઝ આપીશ.દસમાં ધોરણમાંથી આ છોકરાએ ઘરમાં સ્પષ્ટ કહી દીધું કે હું ફિલ્મોમાં ગીતકાર બનીશ . રાત્રે બાર વાગ્યે આગાશી પર આંટા મારતો ત્યારે આસપાસના લોકો તેને પાગલ કહેતા પણ તેમને ક્યાં ખબર હતી કે આ પાગલપન જ તેને એક દિવસ બોલીવુડના મહાન ગીતકારમાં સામેલ કરશે !
ગૌરીગંજના આ ૧૨ વર્ષના છોકરાને નાનપણથી ગીતો સંભાળવા અને સાહિત્ય વાંચવું ખૂબ ગમે . ડાયમન્ડ કોમિકમાં આવતી વાતો જેમ કે … ચાચા ચૌધરી કા દિમાગ કમ્પ્યુટર સે ભી તેજ ચલતા હૈ , સાબુ મેં સુપર પાવર હે … આવા ડાયલોગ ટી.વી પર સાંભળ્યા પછી તેને લાગ્યું કે જો ચાચા ચૌધરીમાં સુપર પાવર હોય અને જો એક સાબુમાં પણ સુપર પાવર હોય તો ભગવાને મને પણ કોઈ સુપર પાવર સાથે જ મોકલ્યો બસ , તેના આ વિચારથી તેણે પોતાની અંદર રહેલા સુપર પાવર શોધવાની શરૂઆત કરી દીધી.થોડા જ સમયમાં આ છોકરાએ પોતાનો સુપર પાવર શોધી લીધો . તેણે જોયું કે તેને શબ્દો સાથે પ્રેમ છે , સાયન્સમાં ભણે છે પણ શાયરી વાંચવી અને લખવી , કવિતાઓ લખવી ખૂબ ગમે છે . આ જ સમયે છોકરાએ નક્કી કર્યું કે તે મોટો થઇ ગીતકાર બનશે અને બોલીવુડની ફિલ્મો માટે ગીતો લખશે . તેનું આ સ્વપ્ત પચાવવું લોકો માટે અઘરું પોતે પંડિત હોવા છતાં ઉર્દુ ભાષા શિખી . ધીરે ધીરે તેને શાયરી , ગઝલ અને કવિતાઓ સાથે પ્રેમ થઈ ગયો .
મુંબઈના એક પરિવારમાં મનોજની સગાઈ થઈ અને થોડા સમય બાદ તેના લગ્ન લેવાના હતા . તેના સાળાએ જ્યારે પૂછ્યું કે ભવિષ્યમાં તમારુ શું આયોજન છે ત્યારે મનોજે તરત જ જણાવ્યું કે હું ફિલ્મમાં ગીતો લખવાનો છુ . તેમનો આ વિચાર પસંદ ના આવતાં તેમની સંબંધ તોડી નાખ્યો . મનોજનું દિલ ઘવાઈ ગયું. પણ આ ઘટનાથી મનોજ લગભગ ડિપ્રેશનમાં સરકી ગયો . દિવસોના દિવસો તેણે પોતાના ઘરની ચાર દિવાલોમાં પસાર કર્યા.
ગીતકાર બનવાના સપના સાથે આ છોકરો ૧૯૯૯ માં ગૌરીગંજથી મુંબઈ આવ્યો . જ્યારે તે પોતાનો દૃષ્ટિકોણ સમજાવવા ગયો ત્યારે આ લોકોએ પહેલા તો તેમના ઘરનો દરવાજો પણ ખોલ્યો નહીં . ચા – પાણી તો સાઈડમાં રહ્યું ઊલટાનું ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યો. મુંબઈ આવ્યા પછી લગભગ એક વર્ષ તો ફૂટપાથ જ તેનું ઘર હતું અને અન્ય ફૂટપાથ પર રહેનાર લોકો તેનો પરિવાર . દરરોજ રાત્રે મહાકાલી કેવ રોડ પર પથારી લાગી જતી . તેમાં સૂઈ જનારા કોઈ અપંગ હતા તો કોઇ પાણીપુરીની લારી વાળા , તો કોઈ ભિખારી હતા . આ આઠ – નવ લોકોના બિસ્તરની સાથે મનોજનો બિસ્તર પણ લાગતો . તેમની સાથે સૂઈ જનારા આ યુવાન આગળ જતાં મહાન ગીતકાર તરીકે પ્રખ્યાત થશે અને બાજુના રોડ પરથી મર્સીડીઝ ગાડી લઇને જશે તે કોને ખબર હતી ? કદાચ તે તો મનોજને પણ ખબર નહોતી કે ભવિષ્ય તેને ક્યાં લઈ જશે ? ખુશીની વાત એ હતી કે આ ભિખારીઓ કંઇને કંઇ મનોજ માટે લેતા આવતા એટલે તેને કોઈ દિવસ ભૂખ્યા સૂવાનો વારો ના આવ્યો . તેની આ દિવસો કેટલા લાંબા ચાલશે તેનો અંદાજ તો મનોજ પોતે પણ કરી શકે તેમ નહોતો . આવી કઠિન સ્થિતિમાં એક મક્કમ બાબત એ હતી કે મનોજનો વિશ્વાસ અકબંધ હતો . તે મનમાં હંમેશાં કહેતો કે હું આ મુંબઇને કંઈક આપવા આવ્યો છું એટલે એક દિવસ મુંબઈ મારો ભાવ ચોક્કસ પૂછશે !
ત્યારે મનોજે પોતાના મન સાથે વાત કરતાં લખ્યું …
मैंने लहू के कतरे मिट्टी में बॉय हैं, खुशबू जहां भी है जो मेरी कर्जदार है!
यह वक्त होगा तेरा मेरा हिसाब एक दिन, मेरी जीत जाने कब से तुझपे उधार है।
મનોજની સંઘર્ષનો આ સમય હતો . એક પરિચિત વ્યક્તિએ તેના ગોડાઉનમાં ઊંઘવાની પરમીશન આપી . તે મહાશય મોડી રાત્રે બારડાન્સ પૂરો કરી શરાબ પીને આવતા અને આમ તેમ અથડાતા મનોજની બાજૂમાં સૂઈ જતા . એક દિવસ રાત્રે ત્રણ વાગ્યે ભર ઊંઘમાં સૂતેલા મનોજને અહેસાસ થયો કે ચહેરા પર જાણે કોઈએ ગરમ પાણી નાખ્યું . મનોજની આંખ ખૂલી ગઈ અને જુવે છે તો પેલા ભાઈ તેના ઉપર પેશાબ કરતા હતા ! હવે , મનોજની પરીક્ષાની હદ આવી ગઈ . તે ચોધાર આંસુએ રડતો રહ્યો અને નક્કી કર્યુ કે હવે બસ થયું . આવતીકાલે તે પાછો ઘેર ગૌરીગંજ રવાના થઇ જશે . સવાર થતાં ફરીથી તે ફુટપાથવાળી ટોળી પાસે પહોંચ્યો અને તેમને જોઈ વિચાર બદલાયો . તેણે ફરીથી મન સાથે વાત કરી કે હકીકતમાં તું ફુટપાથ પર બરાબર હતો , ખોટા માણસ સાથે ગયો હતો . ફરીથી મન મજબૂત કરી કામની શોધમાં નીકળી પડ્યો .
કેટલાક દિવસો પસાર થયા બાદ તેની આ સંઘર્ષ યાત્રામાં મદદ કરવા આવી નીલમ . મનોજ અને તેની પત્ની નીલમનો એ સંઘર્ષનો સમય ભલભલાને થકવી નાખે તેવો હતો . આપણે કલ્પના પણ ના કરી શકીએ તેવો સમય આ કપલે પસાર કર્યો હતો . માત્ર પારલે બિસ્કીટ ખાઈને દિવસ પસાર કરનાર મનોજે માત્ર એકવાર દાળ – ભાત ખાવા માટે થઈને પરિચિતના ઘરે સાંજે જમવા સમયે પહોંચવાનો આઇડિયા નીલમને આપ્યો . તે પણ સહમત થઈ અને આ લોકો સાંજે ૭.૩૦ પહોંચી ગયા . તેમને એમ કે ૮ વાગ્યે જ્યારે આ લોકો જમવા બેસશે ત્યારે એકલા થોડા બેસશે ? આ રીતે તેમને પણ દાળ – ભાત ખાવા મળશે . પણ આ શું ? તેઓએ બે ડિશ ઓછી જમવા માટે કાઢી અને તેમની નજર સામે જ તેઓ જમ્યા . ભૂખ્યા પેટે ત્યાંથી બહાર નીકળ્યા પછી મનોજ અને નીલમ ધ્રૂસકે ધ્રૂસકે રડયા. દાળ-ભાત પણ તેમના નસીબમાં નહોતા . તેમ છતાં તેઓ હિંમત નહોતા હાર્યા . તેઓ વિચારતા આપણો ખરાબ સમય ચાલી રહ્યો છે . સમય જતાં સારા દિવસો આવશે અને દાળ – ભાત પણ નસીબમાં આવશે . મનોજ – નીલમ આજે પણ તે દિવસોને યાદ કરે છે જ્યારે તેઓ અઠવાડિયા સુધી તાવમાં તડપ્યા હતા . ડોકટરને બતાવવા માટે મનોજ પાસે માત્ર ૩૦ રૂપિયા પણ નહોતા . એક દિવસ કયાંકથી આઠ રૂપિયાની વ્યવસ્થા થવાથી મનોજ ચા માટે ૧૦૦ ગ્રામ દૂધ લીધું અને એક નાનું ચાનું પેકેટ લીધું , ચાના પેકેટ પર લખ્યું હતું કે સોનાનો સિક્કો જીતો . જ્યારે ચાની પડીકી કાપી ત્યારે તેમાંથી સોનાનો સિક્કો નીકળ્યો થોડીવાર તો તેમને પોતાના નસીબ પર પણ ભરોસો નહોતો એટલે બાજુમાં જવેલરી પાસે ખરાઈ કરાવી તેને વેચ્યો . તેના ૧૭૦૦ રૂપિયા એવા લાગ્યા જાણે મોટો ખજાનો મળી ગયો . પછી તેઓ જે વડાપાઉની પાર્ટી કરી હતી તેની સામે આજે ૧૦૦ કરોડનો બિઝનેસ કરતી ફિલ્મની પાર્ટીમાં પણ ફિક્કી લાગે છે .
મેગેઝીનમાં કોઈ સંગીતકાર , ગાયકના સરનામાં શોધી તેને મળવા સીધા પહોંચી જવું એ મનોજનો નિત્યક્રમ હતો . બસના ટિકિટના પૈસા નહોતા એટલે છ – સાત કિ.મી તો મનોજ ચાલીને પહોંચી જતા . એકવાર અનુપ જલોટાજીનું સરનામું લઈને મનોજ પહોંચી ગયા . તેમના આસિસટન્ટ પહેલા તો એપોઈન્ટમેન્ટ વગર મળવાની ના પાડી પણ અમેઠીથી આવું છું આવી વાત કરીને તેમને મળ્યા . પોતે ગઝલ લખે છે એવું કહી શક્યા નહીં કારણ કે અનુપજી ભજન ગાયક હતા એટલે અમસ્તુ કહી દીધું કે હું ભજન લખું છું . મનોજે ચા પીતાં પીતાં બે ભજન લખીને આપ્યા અને અનુપજીએ ૩૦૦૦ રૂપિયાનો પુરસ્કાર આપ્યો હતો તે પ્રસંગ આજે પણ મનોજના હૃદયમાં કોતરાઈ ગયો છે .
કેટલાક એવા પ્રસંગો પણ જીવનમાં બનતા હોય છે જેને ભૂલવા આસાન નથી હોતા . આવોજ એક પ્રસંગ તેમના જીવનમાં બન્યો . એક દિવસ કોઈ જાણીતી કંપનીમાં કોઈ મહાન હસ્તીની માંડ માંડ એપોઈન્ટમેન્ટ મેળવીને મનોજ હોંશે હોંશે મીરા રોડ પરથી સેકન્ડમાં ખરીદેલા જૂતી પહેરી પહોંચી ગયા . વરસાદને કારણે તેમના જૂતા ફાટી ગયા હતા આથી તેમાંથી અવાજ અને સાથે પાણી પણ બહાર આવતું જોઈ સિક્યુરીટીવાળાએ તેને ઓફિસની બહાર કાઢી મૂક્યો . ચાર્લી ચેપ્લિનનું એ વાક્ય મનોજ યાદ કરતાં કહે છે કે સારું છે એ વખતે વરસાદ ચાલુ હતો કમસે કમ તેનાં આંસું તો કોઈને ખબર ના પડે ! આ ઘટનાને યાદ કરી આજે પણ નીલમ તેને અવારનવાર જૂતાં ગિફ્ટ આપતી રહે છે . આ ઘટનામાં પણ મનોજે એક શેર લખી નાખ્યો …
जूते फटे पहन के आकाश में चढ़े थे, सपने हमारे हरदम औकात से बड़े थे!!
મનોજમાં ખાસ બાબત એ હતી કે તેને પોતાના સપના સાકાર કરવા જિદ્દ પકડી રાખી હતી . તેણે નક્કી કર્યું હતું કે ગરીબીમાં જન્મવું એમાં આપણો વાંક નથી , પણ ગરીબીમાં મરવું એમાં ચોક્કસ છે . મનોજ તેના સંઘર્ષના દિવસમાં એક વાર વાયરલ ફીવરને કારણે બસ સ્ટેન્ડ પર જ બેહોશ થઈને અડધો કલાક પડી રહેલ . તે જગ્યાએ તેના નામનું મોટું હોર્ડીંગ લગાવેલું જોયું ત્યારે એની આંખમાંથી આસું છલકાઈ ગયા મનોજનું એવું સ્પષ્ટ માનવું છે કે જો આપણને નિષ્ફળતા મળે તો ચોક્કસ સ્વમૂલ્યાંકન કરવું જોઈએ કે ક્યાંક આપણા પ્રયાસમાં ખામી તો નથી ને?
ગીતકાર તરીકે તેમણે પ્રથમવાર ૨૦૦૫ માં બનેલી ફિલ્મ ‘ યુ બોમ્સી એન મી માં ગીતો લખેલા . પોતાની પહેલી ફિલ્મ છે , એની ખુશી સાથે તે પોતાના બે મિત્રો સાથે ફિલ્મ જોવા થીયેટરમાં ગયા અને ટિકિટ માંગી. ટિકિટબારીમાંથી જવાબ આવ્યો કે માત્ર ત્રણ વ્યક્તિ માટે ફિલ્મ શરૂ નહિ થાય જો બીજા પ્રેક્ષકો આ ફિલ્મ જોવા આવશે તો જ શો થશે અને છેવટે આ શો ના થયો . તે દિવસે થીયેટરની બહાર આવી મનોજ ખૂબ રડેલા . છેવટે , ૨૦૧૬ માં બનેલી એક ફિલ્મ માટે તેમણે ગીતો લખ્યાં , વખતે પણ તેમને પોતાની જ ફિલ્મ જોવા માટેની ટિકિટ ના મળી . આ ફિલ્મ હતી બાહુબલી -૨ . આમ , બંને વખતે ટિકિટ નહોતી મળી પરંતુ કારણ જુદાં હતાં . પછી તો તેમની મહેનતે રંગ લાવ્યો અને અનેક ફિલ્મોના ગીતો અને સ્ક્રીપ્ટ રાઈટર તરીકે તેઓ સફ્ળ રહ્યા . સૌથી વધુ સ્ક્રીપ્ટ લખનાર તરીકે ઘણા એવોર્ડ પણ તેમને મળ્યા . આજે , મનોજ મુતશિર માત્ર બોલીવુડ જ નહીં પણ ભારતના દરેક યુવાનો માટે પ્રેરણા બન્યા છે , જે ખરેખર સ્વપ્ર જોવે છે. મનોજ મુતશિર ની કહાની જાણ્યા પછી સફરની મુશ્કેલીઓ જોઈ રસ્તો બદલી દેવા કરતાં તે મુશ્કેલીઓમાંથી શીખી/સફળતાનું પગથીયું બનાવી આગળ વધવું જોઈએ.
સંકલન : જયેશ પ્રજાપતિ || ફોટો સોર્સ : ગુગલ