લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક 23

કર્મયોગ : આપણને એટલે કે મનુષ્યને સમગ્ર જીવન દરમિયાન સારા કે નરસા ઘણા અનુભવો થતા હોય છે. આપણાથી ક્યારેક જાણે-અજાણે કેટલીય ભૂલો થઈ જતી હોય છે. અને જ્યારે એ ભૂલો સમજાય ત્યારે એને સુધારવાનો સમય પસાર થઈ ગયો હોય છે. અને મનમાં પસ્તાવો થતો હોય છે. મનોમન આપણે ખૂબ દુઃખી પણ થતા હોઈએ છીએ. આવા સમયે મારા મતે જો ભગવદ્ ગીતાના ઉપદેશો કે પછી તેનું જ્ઞાન જો થોડું ઘણુંએ આપણા કાને પાડેલું હોય અથવા આપણા અજ્ઞાત મનમાં ક્યાંક કોઈ ખૂણે સંગ્રહાયેલું હોય તો આપણા એ પસ્તાવામાં, આપણા એ દુઃખી થવામાં… ક્યાંક થોડી ઘણી પણ રાહત મળી રહે. એવું હું માનું છું.

ઘણીવાર લોકોને એમ થતું હશે કે આવા ધાર્મિક જ્ઞાન તો ઘરડાં લોકો સાંભળે, મોટી ઉંમરે આવું જ્ઞાન પ્રાપ્ત કરાય. પણ ના, મારા મતે તો નાની ઉંમરથી જ આવું જ્ઞાન પ્રાપ્ત કરી રાખ્યું હોય તો જિંદગીમાં જ્યારે કોઈ મુશ્કેલ સમય આવે ત્યારે તેનો ઉકેલ આપણને મળી જાય.મેં પહેલા પણ મારા લેખમાં કહ્યું છે અને આજે પણ કહું છું કે ભગવતગીતા એ એવો ધર્મગ્રંથ છે કે જેનું કોઈપણ પાનું ખોલો અને તમે જે તે સમયે અનુભવતાં દુઃખ,દર્દ, મુશ્કેલીનો ઉપાય તમને ઈન્સ્ટન્ટ મળી જાય. અને માટે જ ગીતા વાંચન જ્યારથી તમે સમજણા થાવ ત્યારથી જ જરૂરી છે.
કૃષ્ણ ભગવાને હવે અર્જુનને જિંદગીમાં તટસ્થ રહી કેવી રીતે કર્મ કરવું તેની સમજ આપવાનું ચાલુ કર્યું છે. ત્યારે અર્જુનના મનમાં પ્રશ્ન જન્મે છે. અને તે કૃષ્ણને પૂછે છે કે “હે કૃષ્ણ, આપે પહેલાં મને કર્મનો ત્યાગ કરવા કહ્યું અને પછી ભક્તિપૂર્વક કર્મ કરવાનો આદેશ આપો છો. તો હવે મને એ સમજાવો કે આ બન્નેમાંથી શું વધારે કલ્યાણકારી છે?” ત્યારે પુરુષોત્તમ પરમેશ્વરે ઉત્તર આપતા કહ્યું કે, “મુક્તિ માટે તો કર્મનો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ બંને ઉત્તમ છે. પરંતુ, આ બંને પૈકી કર્મના પરિત્યાગ કરતાં ભક્તિયુક્ત કર્મ શ્રેષ્ઠ છે.”

https://divyamudita.com/bhagvad-geeta-ark-23/લોકો ઈન્દ્રિય તૃપ્તિ પાછળ પાગલ છે. પરંતુ તેઓ જાણતા નથી કે આ ક્લેશમય શરીર તો તેમના સકામ કર્મોના ફળ રૂપે મળેલું છે. શરીર તો નાશવંત છે. છતાં મનુષ્ય હંમેશાં તેને અનેક રીતે કષ્ટ આપે છે. તેથી ઈન્દ્રિય તૃપ્તિ ખાતર કર્મ કરવું સારું નથી. મનુષ્યે ચેતન આત્માના સ્તર પર કર્મ કરવા પડે છે. કૃષ્ણભાવનામૃત વિના કેવળ સકામ કર્મોનો પરિત્યાગ કરવાથી બદ્ધ જીવનનું હૃદય ખરેખર શુદ્ધ થતું નથી. જ્યાં સુધી હૃદય શુદ્ધ નથી થતું, ત્યાં સુધી મનુષ્યે સકામ ભૂમિકા પર કર્મ કરવું જ પડે છે. પરંતુ કૃષ્ણભાવનાયુકત કર્મ સન્યાસથી હંમેશા શ્રેષ્ઠ છે. ત્યારે પ્રશ્ન થાય… કે સંન્યાસી કોને કહેવો? ત્યારે ભગવાનનો જવાબ આ છે કે ‘જે મનુષ્ય ન તો કર્મફળનો તિરસ્કાર કરે છે અને ન કર્મફળની ઈચ્છા રાખે છે. તેને નિત્ય સન્યાસી જાણવો.’ આવો મનુષ્ય સર્વ દ્વંદ્વથી રહિત થઈને, ભૌતિક બંધનને સહજમાં પાર કરીને સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે.
જીવ એ ભૌતિક જગતનો નહીં, પરંતુ પરમ પૂર્ણ ચૈતન્યનો અંશ છે. પરિણામે જીવાત્માને ભૌતિક જગત સાથે કોઈ લેવાદેવા રહેતી નથી. યુદ્ધભૂમિમાં એકત્રિત થયેલા સર્વ મનુષ્યો પોતાના સ્વરૂપમાં વ્યક્તિગત રીતે જીવિત રહેવાના હતા એટલે જો આધ્યાત્મિક દ્રષ્ટિથી જોઇએ તો સમરાંગણમાં કોઈ હણાતું જ નથી. કૃષ્ણની આજ્ઞાથી ત્યાં વ્યક્તિગત રીતે હાજર રહેલા મનુષ્યો માત્ર વસ્ત્રો જ બદલે છે. અને અર્જુન યુદ્ધ કરતો હોવા છતાં યે યુદ્ધ નથી કરતો. તે તો સંપૂર્ણ રીતે કૃષ્ણભાવનાયુક્ત આદેશનું પાલન જ કરી રહ્યો હતો. તેથી તે કર્મબંધનથી બદ્ધ નથી થતો.
આમ, કૃષ્ણભાવનાયુક્ત કરેલું કર્મ તેના બંધનમાં આપણને બાંધતું નથી.

https://divyamudita.com/bhagvad-geeta-ark-23/Writer : સરોજબેન નાયક , રીટાયર્ડ  શિક્ષિકા
YouTuber : GyanTrusha
Gandhinagar Metro & Cloth Look Fashion Magazine International

Related Posts