નિત્ય સમાચાર લેખાનુભુતિ

પથ્થરો તોડી ગુજરાન ચલાવતો બાળક આઇએએસ બન્યો

રાજસ્થાનના દૌસા જિલ્લાના નાનકડા ગામ બાપીના રામ ભજન કુમ્હાર યુપીએસસી પાસ કરીને આઇએએસ બન્યા છે. આશરે 5 હજાર ઘરોની વસ્તી ધરાવતા ગામમાં 200થી વધુ ઘરો કુંભાર જ્ઞાતિના છે. ગામની ખૂબજ ગરીબ પરિસ્થિતીમાંથી આવનાર રામ ભજનનું બાળપણ ખૂબ જ કષ્ટ દાયક રહ્યું. ગામના પૈતૃક ઘરના એક જ રૂમમાં માતા-પિતા અને ચાર ભાઈ બહેન સાથે રહી મોટા થયા છે. ચોમાસામાં ક્યારેય રાત્રે સુવાનું મળતું નહોતું. તેમના પિતા ગામમાં બકરી અને ઢોર ચરાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ તે મુશ્કેલ થતાં શહેરમાથી આઇસ્ક્રીમ લાવીને વેચવાનું કામ કરતાં હતા. તેમ છતાં પરિવારનું ગુજરાન ચાલતું નહીં . છેવટે ગામમાંજ ચુનાના પથ્થરો તોડવાનું કામ શરૂ કર્યું. તે કામ કરતાં કરતાં તેમને અસ્થમાની બીમારી લાગુ થઈ તેથી તેઓ કોઈ કામ કરી શકતા નહોતા. તેથી ઘરની જવાબદારી તેમના માતા પર આવી પડી. તેઓ પણ પથ્થરો તોડવા અને તેને ઉપાડવાનું કામ કરવા લાગ્યા. રામ ભજન તેમના માતાની સાથે પથ્થરો તોડવા જતાં હતા જેથી ઘર ચલાવવામાં સહાયરૂપ થઈ શકાય. શરૂઆતમાં પથ્થર તોડવાની આવડત ના હોવાને કારણે પગ કે માથા પર ઇજાઓ થતી હતી. પરંતુ ધીરે ધીરે તેઓ શીખી ગયા. તેઓ રોજ 25 ટોપલી પથ્થર તોડતા જેની મજૂરી 10 રૂ. મળતી હતી. બાળક રામ ભજનનું શરીર થાકીને લોથ પોથ થઈ જતું. પણ મજબૂરી હતી. એ પણ ખબર હતી કે હું નહીં કરું તો ઘર કેવી રીતે ચાલશે. અભ્યાસનો ખર્ચ કેવી રીતે પૂરો થશે? રામ ભજન આખો દિવસ વિચારતો હતો કે શું ઘરની હાલત હંમેશા આવી જ રહેશે. જેમ તમે જન્મ્યા હતા તેમ જીવીએ છીએ તેમ જ મૃત્યુ પામીશું?’ રામ ભજન ગામમાં ભૂસું ઊંચકવા જતો હતો દિવસભર મજૂરી કરાવીને લોકો 5-10 રૂપિયા માંડ આપતા હતા. કોઈને ત્યાં ટીવી જોવા જાય તો ત્યાં પણ લોકો કામ કરાવતા હતા.

https://divyamudita.com/boy-who-made-a-living-by-breaking-stones-became-an-ias/ઘરમાં લાઇટ નહોતી તેથી દવાની બાટલીની બત્તી બનાવી રાત્રે વાંચતાં હતા. રોટલી અને ચટણી ખાઈને જ પરિવાર જીવન પસાર કરતો હતો. કપડાં ખરીદવાના પણ પૈસા હતા નહીં. જે કપડાં ઘેર પહેરતા તેજ કપડાં પહેરી સ્કૂલ જતાં હતા. જેમાં પેન્ટ દોરા અને ટાંકાથી ભરેલું રહેતું. ગામમાંથી કોઈ જૂના કપડાં આપે તો પણ તેમની ખુશીનો પાર રહેતો નહોતો. વર્ષ-2008-2009માં દૌસામાં રહીને રામ ભજન ભણતા હતા. દેવું કરીને દૌસા કોલેજ ભણવાનું શરૂ કર્યું હતું. બે રૂપિયા બચાવવા 10-10 કિલોમીટર ચાલીને જતાં હતા. તેમણે કોલેજ શરૂ થવાની સાથે જ સરકારી નોકરીની તૈયારી શરૂ કરી દીધી હતી. કોલેજના બીજા વર્ષ દરમ્યાન એક સાથે ચાર પરીક્ષાના ફોર્મ ભર્યા હતા. જેમાં દિલ્હી પોલીસ કોન્સટેબલમાં સિલેકસન થયું. ઇન્ટરવ્યુ સમયે પહેરવા નવા કપડાં નહોતા તેથી ટાંકા મારેલ પેન્ટ પહેરી તેઓ ઇન્ટરવ્યૂ આપવા ગયા હતા.

સરકારી નોકરી મેળવનાર રામ ભજન તેમના ગામમાં પ્રથમ હતા. કોન્સટેબલની નોકરી દરમ્યાન તેમણે ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને 2012 માં સામાજિક રીત રિવાજ પ્રમાણે તેમના લગ્ન અંજલિ સાથે થયા. લગ્ન સમયે તેમના પત્ની અંજલિ 8 ધોરણ ભણેલા હતા. 2015માં તેમણે યુપીએસસીની તૈયારી માટે એડમિશન લીધું અને આઇએએસ બનવાની તૈયારી શરૂ કરી. યુપીએસસીની તૈયારી દરમ્યાન રામ ભજને વિચાર્યું કે હું આઇએએસ બનીશ અને પત્ની 8 પાસ રહેશે તો તેની સાથે ભેદભાવ થઈ શકે છે. તેથી પોતાની પત્ની અંજલિને ભણાવવાનું વિચાર્યું. અહીં લોકો દીકરીને ભણાવવા માંગતા નથી, તો પછી વહુને ભણાવવી તો દૂરની વાત છે. પરિવારના સભ્યોને મનાવવામાં એક વર્ષ લાગી ગયું. તેમને ડર હતો કે અંજલી ભણવા જશે તો ઘરનું કામ કોણ કરશે. અંજલિ ઘૂંઘટ કાઢીને ઘરેથી સ્કૂલ અને પછી કૉલેજ જવા લાગી. આજે તેમની પત્નીએ માસ્ટર્સ પૂરું કરી બી.એડ પણ પૂરું કરી લીધું છે. રામ ભજન 12-14 કલાક સતત ડ્યુટી કરી અભ્યાસ કરતાં હતા. શરૂઆતના સતત ત્રણ વર્ષ પ્રિલિમ પણ ક્લિયર થઈ શકી નહોતી તો લોકો ટોણા મારતા કે આ શું યુપીએસસી ક્લિયર કરી શકશે? સતત સાત ટ્રાઇલ સફળ ના થવા છતાં તે નાસીપાસ થયા વગર આઠમું ટ્રાઇલ 2022માં આપ્યું જેમાં તેમનો 667નો રેન્ક મેળવી સફળ થયા. જો કોઈ વ્યક્તિ પોતાનું લક્ષ્ય નિર્ધારિત કરી મહેનત કરે છે તો બધી મુશ્કેલીઓ પણ મહેનત અને સંઘર્ષ સામે વામણી બની જાય છે.

સંકલન : જયેશ પ્રજાપતિ || દિવ્યામુદિતા 

 

Related Posts