લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક:27

ગયા લેખમાં આપણે મનમાં સતત ચાલી રહેલા વિચારોને રોકી કેવી રીતે શકાય તે જોયું. થોડી વાર પણ આપણે જો આંખો બંધ કરીને બેસીએ તો તરત જ કેટલાય વિચારોનું ઘોડાપૂર આપણા મનમાં ઉઠે. કેટલાય કિલોમીટરની સફર માનસિક રીતે આપણે કરી દઈએ. કેટલાય લોકો સાથે માનસિક રીતે વાતો કરી લઈએ. અને ક્યારેક તો ન ધારેલું વિચારી લઈએ. એમાંય જો કોઈની સાથે અણબનાવ થયો હોય, કોઈની સાથે ઝઘડો થયો હોય, કોઈએ આપણને છેતર્યા હોય, કોઈ વસ્તુ જડતી ન હોય… આવી તો બીજી ઘણી બાબતોને લઈને મનમાં વિચારોના ઘોડા એવા દોડવા લાગે કે ઘણીવાર એમાંથી બહાર આવીએ ત્યારે પુષ્કળ થાક અનુભવાય.અને પછી એમ વિચારીએ કે બની ગયેલી બીના હવે ફરીથી આવવાની નથી. જે થઈ ગયું કે થઈ ગયું. હવે તેને સુધારી શકાય તેવું નથી. તો ચાલોને હવે પછીની પળોને સારી બનાવીએ!!! મનને બીજી તરફ વાળીએ. વિચારોને અટકાવી દઈએ. એમ વિચારી મનને સ્થિર કરવા પ્રયત્ન કરતા હોઈએ છીએ.
પણ મિત્રો પ્રશ્ન એ થાય કે આ વિચારોને અટકાવવા કેવી રીતે? મનને સંયમિત કેવી રીતે કરવું? વિચારોના ઘોડા પૂરને કેવી રીતે રોકવું?… તો એનો ખૂબ સહેલો છતાંય ખૂબ કઠિન રસ્તો આપણને ભગવદ્ ગીતામાં મળી રહે છે. અને તે છે ધ્યાનની સાધના “ધ્યાન યોગ”.
શરૂઆતમાં તમે જ્યારે યોગ કરશો કે ધ્યાનમાં બેસશો ત્યારે ખુબ વિચારો આવશે. મન સતત વિચારોના વમળમાં વ્યસ્ત રહેશે. પરંતુ… જેમ જેમ તમે એમાં અડગ નિશ્ચયથી વળગેલા રહેશો તો તમે સફળતા જરૂર પ્રાપ્ત કરી શકશો.

https://divyamudita.com/bhagvad-geeta-ark-27/આપણને યોગમાં શ્વાસ પર ધ્યાન આપવાનું કહેવામાં આવે છે. શ્વાસ પર ધ્યાન આપવાની રોજની નિયમિત પ્રેક્ટિસથી એટલા સમય દરમિયાન મનના વિચારોને અટકાવી શકાય છે. અને શાંતિનો અનુભવ થાય છે. અને લાંબા ગાળે એટલે કે… ખૂબ લાંબા ગાળે નહીં… પરંતુ, રોજે રોજની આ ક્રિયા, તેના સમયમાં વધારો કરવાથી, દરેક ઘટનાને તટસ્થતાથી જોવાની રીતમાં વધારો કરવાથી આપણે મનના વિચારોને નાથી શકીએ છીએ. અને એ આપણો સ્વભાવ બની જાય છે. અને તમે નહીં માનો પરંતુ પછી કોઈ દુઃખદ ઘટના, કોઈએ આપેલા શબ્દોના ઘા, કોઈએ છીનવી લીધેલી વસ્તુ પ્રત્યે એટલું દુઃખ નહીં થાય. અને કદાચ દુઃખ જ નહીં થાય. ને આપણને એ જ તો જોઈતું હતું જિંદગીમાં. મતલબ કે જેણે મનને જીત્યું તેણે બધું જ જીત્યું .ને જિંદગીમાં તટસ્થતા, શાંતિ પ્રાપ્ત કરી લીધી. આવી વ્યક્તિ માટે સુખ-દુઃખ, ઠંડી-ગરમી, માન-અપમાન એક સમાન હોય છે. ધીરે ધીરે તે વ્યક્તિ “સ્વ માં વશ, પરથી ખસ,આટલું બસ.” જેવી સ્થિતિ પ્રાપ્ત કરે છે. અને તે આત્મ સાક્ષાત્કારની અવસ્થામાં આવે છે. જે અવસ્થાને “યોગ”અવસ્થા કહેવાય છે. તે સર્વ વસ્તુઓને સમાન દ્રષ્ટિથી જોતો થઈ જાય છે. તેના માટે તેના શુભેચ્છકો,મિત્રો, શત્રુંજનો, પાપીજનો, પુણ્યત્માઓ બધું જ એક સમાન હોય છે. આવી અવસ્થા પ્રાપ્ત કરવા માટે “ધ્યાનયોગ” સર્વશ્રેષ્ઠ રસ્તો છે.
શરૂઆતમાં યોગાભ્યાસ કરવા માટે મનુષ્યે એકાંત જગ્યા કે જ્યાં કોઈની અવરજવર ન હોય, કોઈ અવાજની ખલેલ ન હોય એવી જગ્યા ધ્યાન માટે પસંદ કરવી.ભૂમિ પર, ઘાસ પર આસન પાથરી બેસવું.જમીન ખાડા ટેકરા વાળી ન હોવી જોઈએ. પવિત્ર જગ્યા હોવી જોઈએ. ઘરમાં કોઈ એવો રૂમ પસંદ કરવો કે જ્યાં કુટુંબના માણસોની અવરજવર ઓછી થતી હોય. સૂવાના રૂમમાં ક્યારેય યોગ ન કરવા. ત્યારબાદ યોગી એટલે કે જે યોગ કરે છે તેણે સ્થિર બેસી, આંખો બંધ કરી, મનને બે ભમરો વચ્ચે એક બિંદુ પર સ્થિર કરવું. હૃદયથી,શુદ્ધતાથી યોગાભ્યાસ કરવો. યોગીએ પોતાનું શરીર, ગરદન, માથું સીધું ટટ્ટાર રાખવું. ખભા ઢાળેલા રાખવા. આ પ્રમાણે સ્થિર અને સંયમિત મનથી, ભયરહિત તથા વિષય જીવનથી મુક્ત થઈને મનુષ્યે મનને સ્થિર કરવું. આ ઉપરાંત પણ યોગમાં વર્તવા જેવી બીજી ઘણી બાબતો છે. જેની જાણકારી આપણે હવે પછી મેળવીશું.

https://divyamudita.com/bhagvad-geeta-ark-27/Writer : સરોજબેન નાયક , રીટાયર્ડ  શિક્ષિકા
YouTuber : GyanTrusha
Gandhinagar Metro & Cloth Look Fashion Magazine International

Related Posts