લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક:28

ધ્યાનયોગ : ગયા લેખમાં આપણે જોયું કે જે યોગ કરે તે યોગી. પરંતુ આજકાલ આપણે જે ટીવી પર કે સોશિયલ મીડિયા પર યોગના વિડિયો જોઈએ છીએ… તો તે બધા શું યોગી છે? ના મિત્રો, તેઓ તો ફક્ત અંગ કસરતો જ કરે છે. પણ હા, કોઈ કોઈ અંશતઃ યોગી બની શકે છે. અને મારા મતે એકદમ કંઈ ન કરવું એના કરતાં શરીર અને મનને તંદુરસ્ત રાખવા માટે તેટલુંએ કરવું ઘણું સારું છે. આપણે સંસારી છીએ. એટલે તેવા યોગની પ્રેક્ટિસ ચાલુ રાખવી એ શરીરની અને મનની તંદુરસ્તી માટે તો સારું જ છે. અને તેવી પ્રેક્ટિસથી કેટલાય રોગોને મટાડી શકાય છે. કેટલાય રોગો થતા નથી. સારા વિચારો આવે છે. જેના લીધે સામાજિક તંદુરસ્તી પણ જળવાઈ રહે છે. અને આવા યોગની નિયમિત, વર્ષો સુધી પ્રેક્ટિસ કરવાથી ઘણા લોકો યોગી બનવાના રસ્તા પર આગળ વધી શકે છે. એટલે આપણે જે યોગ કરતા હોઈએ તે ચાલુ જ રાખવા. ભગવદ્ ગીતામાં યોગ અને યોગીની સમજણ થોડી વધારે ઊંડાણપૂર્વકની સમજાવવામાં આવી છે. ચાલો આપણે જોઈએ. ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણે અર્જુન સમક્ષ જિંદગીના રહસ્યો, જિંદગીને કેવી રીતે જીવવી વગેરેની ચર્ચા કરી છે. તેમાંનો આ અધ્યાયમાં એક પોઈન્ટ છે-“ધ્યાન યોગ.” તેમના મતે જે મનુષ્ય અતિશય આહાર લે છે અથવા બિલકુલ આહાર નથી લેતો, અતિશય ઊંઘે છે કે પૂરી ઊંઘ નથી લેતો, તે કદાપિ યોગી બની શકતો નથી. કહેવાયું છે ને કે “અતિ સર્વત્ર વર્જયેત”. અથવા તો “મધ્યમ માર્ગ મહાવીરનો”. આ ઉક્તિઓ અહીં લાગુ પડે છે.” અતિની કોઈ ગતિ નથી”. શરીરને ટકાવી રાખવા માટે આહાર લેવો જરૂરી છે. માટે શરીરને ટકાવી રાખવા જેટલો જ આહાર લેવો જોઈએ. તેનાથી વધારે ખોરાક લેવો અથવા શરીરને એકદમ ખોરાક ન આપવો તે બંને પરિસ્થિતિઓમાં વ્યક્તિ યોગનો અભ્યાસ કરી શકતો નથી. સાત્વિક અને જરૂરી ભોજન લેનાર વ્યક્તિ યોગનો અભ્યાસ કરી શકે છે.

https://divyamudita.com/bhagvad-geeta-ark-28/જે મનુષ્ય આહાર,વિહાર,નિંદ્રા તથા કાર્ય કરવાની આદતોમાં નિયમિત રહે છે તે યોગા અભ્યાસ દ્વારા ભૌતિક દુઃખોને નષ્ટ કરે છે. જેને આપણે “યોગી” કહી શકીએ તેવી વ્યક્તિ માનસિક રીતે તટસ્થ હોય છે. ભૌતિક ઈચ્છાઓથી વિમુખ હોય છે.તે બાહ્ય જગતના રૂટિન કાર્ય તો એ કરે જ છે પણ જલકમલવત રહીને તે કાર્ય કરે છે.તેને ગમે તેવી ભૌતિક ઈચ્છાઓ ખલેલ કે વિચલિત કરી શકતી નથી. તે શરીર ટકાવવા જેટલો જ ખોરાક લે છે. સ્વાદ માટે નહીં. કારણ કે તેણે ઈન્દ્રિયોને વશમાં કરી દીધી હોય છે. યોગાભ્યાસ દ્વારા આધ્યાત્મિકતામાં તે સ્થિત થયેલો હોય છે. જેવી રીતે વાયુરહિત સ્થાનમાં દીવો અસ્થિર થતો નથી તેવી રીતે યોગીનું મન સંસારમાં રહીને પણ વિચલિત થતું નથી. તે હંમેશા દિવ્ય આત્માના ધ્યાનમાં સ્થિર હોય છે. યોગી માણસ પોતાની અંદરના આત્મા સાથે રહેતો હોય છે. અને આવો અભ્યાસ વધારે લંબાતા તે “સમાધિ”ની અવસ્થા પ્રાપ્ત કરે છે. તે સમાધિનો આનંદ માણી શકે છે. જે આનંદ ભૌતિક ઈચ્છાઓ ઈન્દ્રિયોના આનંદ કરતા અનેક ઘણો વધારે હોય છે. તે શુદ્ધ મનથી પોતાને જોઈ શકે છે. તે ક્યારેય સત્યથી જુદો પડતો નથી. સમાધિનો આનંદ માણ્યા પછી તેને બીજું કોઈ સુખ,બીજો કોઈ આનંદ આકર્ષી શકતો નથી. તેવી જ રીતે તે મોટામાં મોટી વિપત્તિમાં પણ દુઃખી થતો નથી, વિચલિત થતો નથી.
આમ, સમાધિમાં રહી ચૂકેલ વ્યક્તિ સુખ અને દુઃખ તેમજ ભૌતિક જગતથી અલગ થઈ જાય છે. અને વાસ્તવિક મુક્તિ પ્રાપ્ત કરે છે. આપણે લોકોને બોલતા સાંભળ્યા હશે કે એક જિંદગી મળી છે તો બધા ભૌતિક સુખો પૂરેપૂરા કેમ ન માણવા? શા માટે ઈન્દ્રિયોને સંયમિત કરવી? શા માટે ભૌતિક સુખનો ત્યાગ કરવો? પરંતુ મિત્રો, મારા મતે સમાધિમાં ઉતર્યા પછી જે આનંદ મળે છે, જે સુખ મળે છે તે ઈન્દ્રિયોના સુખ કે ભૌતિક સુખ કરતાં અનેક ઘણો વધારે હોય છે. અને એટલે જ ભગવદ્ ગીતામાં એનો ઉલ્લેખ કરેલો છે. હજી પણ આપણે ઘણું વિસ્તારથી આના પછીના લેખમાં સમજીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.

https://divyamudita.com/bhagvad-geeta-ark-28/Writer : સરોજબેન નાયક , રીટાયર્ડ  શિક્ષિકા
YouTuber : GyanTrusha
Gandhinagar Metro & Cloth Look Fashion Magazine International

Related Posts