ભગવદ્ ગીતા અર્ક -31
સાચો ભક્ત કોને કહેવાય? આપણે સામાન્ય માણસો, અલગ અલગ ધર્મના લોકો રોજ અલગ અલગ ધર્મસ્થાનોએ ભગવાનના દર્શન કરવા જઈએ છીએ. દર્શનની બધી ક્રિયાઓ સ્થૂળ રીતે કરીએ છીએ. તો શું ખરેખર આપણે તે ભક્તિ કરી કહેવાય? તો શું આપણે ખરેખર ભગવાનના ભક્ત છીએ? તો શું આપણે અધ્યાત્મના રસ્તે છીએ? આવા અનેક પ્રશ્નો મનમાં ઊઠે. અને… “ગીતા વાંચન” કરીએ ત્યારે આપણને જવાબ મળે કે “ના” આપણે ભક્ત પણ નથી કે નથી આપણે આધ્યાત્મિક. આપણે તો ફક્ત ચીલાચાલુ, વર્ષોથી ચાલી આવતી અથવા દેખાદેખીથી ચાલી આવતી ભૌતિક ક્રિયાઓ જ કરીએ છીએ. અને ગીતામાં ભૌતિક ક્રિયાઓથી પર રહેવાનું કહેવામાં આવેલું છે. કારણ કે ભગવાન તો સર્વત્ર છે. ભગવાન એક છે. દરેક ધર્મના જુદા જુદા ભગવાનને એક જ ભગવાનના અલગ અલગ રૂપો હોય છે. દરેક ધર્મગ્રંથોનો એક જ બોધ છે. એક જ ઉપદેશ છે…..
અર્જુનને યુદ્ધના મેદાનમાં ભગવાન શ્રીકૃષ્ણ પોતાની વિરાટતા દેખાડતા કહે છે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ તથા અહંકાર- એ આઠ તેમની વિભિન્ન ભૌતિક શક્તિઓ છે. ભગવાનના વિવિધ અવતારોની શક્તિને ‘પ્રકૃત્તિ’ કહેવામાં આવે છે. ભગવાન અણુ અણુમાં વસેલો છે. તેને પરમાત્મા કહેવાય છે. ભૌતિક જગતને બનાવનારા ઘટક તત્વો તે ભગવાનની અલગ અલગ શક્તિઓ છે. પરમાત્માની આ વિભિન્ન ભૌતિક શક્તિઓમાં શબ્દ,સ્પર્શ, રૂપ, રસ અને ગંધ નામના ઇન્દ્રિય વિષય સમાયેલા છે. તે ઉપરાંત કૃષ્ણની એક પરા શક્તિ છે, જે જીવોની બનેલી છે. જે ભૌતિક પ્રકૃતિ સાથે હંમેશા સંઘર્ષ કરે છે અને તેના સંસાધનોનો ઉપભોગ કરે છે. જેના કારણે સમગ્ર ભૌતિક જગત કાર્યરત રહે છે. જ્યાં સુધી આદ્રશ્ય જગતને પરાશક્તિ અર્થાત જીવ દ્વારા ગતિશીલ કરવામાં આવતું નથી ત્યાં સુધી તેનામાં કાર્ય કરવાની શક્તિ આવતી નથી. સમગ્ર જીવો હંમેશા ભગવાન દ્વારા નિયંત્રિત હોય છે. તેઓ ક્યારેય સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. પરંતુ જડ પ્રકૃતિના પ્રભાવને કારણે જીવના મન અને બુદ્ધિની વિસ્મૃતિ થઈ જાય છે. માયાના પ્રભાવમાં જીવ મિથ્યા અહંકારથી વિચારે છે કે હું જ પ્રાકૃત પદાર્થ છું અને સર્વ ભૌતિક વસ્તુઓ મારી છે. પરંતુ તે એ ભૂલી જાય છે કે તે પોતે જ તો કૃષ્ણની અનેક શક્તિઓમાંની એક છે!!! માટે ભક્તે મિથ્યા અહંકાર ન કરતાં કોઈ વસ્તુ પ્રત્યે આસકિત રાખવી જોઈએ નહીં…
Writer : સરોજબેન નાયક , રીટાયર્ડ શિક્ષિકા
YouTuber : GyanTrusha
Gandhinagar Metro & Cloth Look Fashion Magazine International