લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક -૭

ધનુર્ધર અર્જુન કેમ ખચકાયો?
આ પહેલાં આપણે જોયું કે પાંડવોના સૈન્યની વ્યૂહરચના જોઈ દુર્યોધન ડરી ગયો હતો. પરંતુ પોતાના મનને તે સાંત્વના આપતાં કહે છે કે મારે પક્ષે તો સ્વયં ભીષ્મ પિતામહ છે. આપણે સૌ તેમના દ્વારા રક્ષાયેલા છીએ. તે ઉપરાંત પણ બીજા કુશળ યોદ્ધાઓ છે. તો ડરવાની કોઈ જરૂર નથી. તેમ કહીને તે પોતાના મનને સાંત્વના આપે છે. દુર્યોધન હંમેશાં ભીમનો દ્વેષ કરતો. તે જાણતો હતો કે તેનું મરણ જો નિપજશે તો તે માત્ર ભીમ દ્વારા જ થશે. સૈન્યના બીજા યોદ્ધાઓ, સૈનિકો પાસે જઈને દુર્યોધન તે બધાને પોતાના મોખરાના સ્થાનો પર રહીને ભીષ્મ પિતામહને સહયોગ આપવા માટેની અપીલ કરે છે. અને એ સાથે જ કુરુવંશના વયોવૃદ્ધ મહા પ્રતાપી પુરુષ એવા ભીષ્મ પિતામહે સિંહની ગર્જના જેવો ઘોષ કરનારો શંખનાદ કર્યો. અને તે દ્વારા દુર્યોધનને જણાવી પણ દીધું તે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવાની કોઈ જ શક્યતા નથી. કારણ કે સામે પક્ષે સ્વયં પરમેશ્વર શ્રી કૃષ્ણ હતા. છતાં યુદ્ધના સેનાપતિ તરીકે યુદ્ધનું સંચાલન કરવું તે તેમનું કર્તવ્ય હતું. અને તેમકરવામાં તેઓ કોઈ કસર નહીં રાખે એવી પણ ખાતરી આપી . સામે પક્ષે શ્વેત અશ્વો જોડેલા વિશાળ રથમાં બિરાજમાન ભગવાન કૃષ્ણ અને અર્જુને પોતપોતાના દિવ્ય શંખ વગાડ્યા.

जयस्तु पांडू पुत्राणाम, येशाम पक्षे जनार्दन:ll એટલે કે, જેના પક્ષમાં શ્રી કૃષ્ણ ભગવાન હોય તેનો જય, તેનો વિજય જ થાય…

આપણા જીવનમાં પણ જ્યારે આપણે સદ્કર્મો કર્યા હોય, ધર્મના રસ્તે રહી ફરજ બરાબર નિભાવી હોય, કુટિલતા, મલિનતા ન રાખી હોય, રાગ, દ્વેષ, ઈર્ષા, લોભ, મોહમાં ડૂબ્યા ન હોઈએ અને ભગવાનની ભક્તિ કરેલી હોય તો આપણો પણ વિજય એટલે કે કામના ઉપર વિજય અચૂક મેળવી શકીએ છીએ. અહીં ભગવાન શ્રી કૃષ્ણના વિવિધ નામો પણ આપેલા છે. ઋશીકેશ એટલે કે ઇન્દ્રિયોના સ્વામી- શુદ્ધ ભક્તની ઈન્દ્રિયોનું નિયંત્રણ ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યક્ષ રીતે કરે છે. મધુસુદન એટલે મધુ નામના રાક્ષસનો સંહાર કરનાર. ગોવિંદ એટલે ગાયો તથા ઇન્દ્રિયોને આનંદ આપનાર. વાસુદેવ એટલે વસુદેવના પુત્ર. દેવકીનંદન એટલે દેવકીના પુત્ર. યશોદાનંદન એટલે યશોદાને માતારૂપે ગણનારા (જેમાં શ્રીકૃષ્ણ ભગવાને માતા યશોદાને બ્રહ્માંડના દર્શન કરાવેલ) પાર્થસારથિ એટલે મિત્ર અર્જુનના સારથિ તરીકે કાર્ય કર્યું. પાંડવોમાં અર્જુનને ધનંજય કહેવામાં આવે છે કારણ કે જ્યારે વિવિધ યજ્ઞ કરવા માટે ધનની જરૂર રહેતી ત્યારે તે પ્રાપ્ત કરવામાં પોતાના મોટા ભાઈઓને અર્જુને મદદ કરેલી. ભીમને વૃકોદર કહેવામાં આવે છે કારણ કે ભીમ ખૂબ ખોરાક ખાઈ શકતો હતો.

https://divyamudita.com/bhagvad-geeta-ark-7/પાંડવોના પક્ષે શ્રીકૃષ્ણથી શરૂઆત કરી વિવિધ મહાનુભાવોએ શંખનાદ કરી સૈનિકોને પ્રેરણા પૂરી પાડી હતી. દુર્યોધનના પક્ષે આવી શ્રદ્ધાભરી પ્રેરણાનું જમાપાસું ન હતું કે ન હતા સર્વોપરી દિશાદર્શક ભગવાન શ્રીકૃષ્ણ. આથી યુદ્ધમાં તેમનો પરાજય નિર્ધારિત જ હતો. તેવું આ બધા શંખનાદ સંદેશ આપી રહ્યા હતા. આકાશ તેમજ પૃથ્વી પર પ્રતિધ્વનિત થતાં આ વિભિન્ન ગગનભેદી શંખના નાદે ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદયને વિદિર્ણ કર્યા એટલે કે કૌરવોના હૃદયમાં ધ્રાસકો પડ્યો. જયારે ખોટી રીતે કોઈ ચીજ પડાવી લીધી હોય ત્યારે ખોટા લોકોના હૃદયમાં પણ આવો જ ધ્રાસકો પડ્તો હોય છે. જે મનુષ્ય પરમેશ્વરનું શરણ ગ્રહણ કરે છે, સાચના રસ્તે ચાલે છે તેમને ઘોર વિપત્તિમાં પણ કોઈ જાતનો ભય રહેતો નથી. સામસામે યુદ્ધના આરંભસૂચક શંખનાદ થઈ ગયા. ત્યારે હનુમાનજીના ચિન્હથી અંકિત ધ્વજવાળા રથમાં આરૂઢ થયેલા પાંડુપુત્ર અર્જુને પોતાનું ધનુષ ઉઠાવ્યું અને બાણ છોડવા તૈયાર થયા. હનુમાનજી નું પ્રતિક એ વિજયનું પ્રતિક છે. હનુમાનજીએ રામ અને રાવણ ના યુદ્ધમાં રામની સહાય કરેલી. અને રામનો વિજય થયેલો. ભગવાન કૃષ્ણ એ રામ પોતે જ છે. રામ અને હનુમાનજી સ્વયમ્ અર્જુનના પક્ષે હતા. એટલે જેની વ્યવસ્થા સ્વયં ભગવાને પોતાના ભક્તો માટે કરી હોય તેણે તો શત્રુઓનો ભય રાખવાનો હોય જ નહીં!!.
અર્જુને પોતાનું ધનુષ્ય ઉઠાવ્યું અને તીર છોડવા તૈયાર થયો. શરૂઆતમાં તો અર્જુન આત્મવિશ્વાસ સાથે પણ છોડવા તૈયાર જ હતો તો પછી અર્જુન ઢીલો ક્યાં પડ્યો? તેનું હૃદયવ્યથિત શા કારણથી થયું? તે તીર છોડવામાં પાછો કેમ પડ્યો? અર્જુન શા માટે ખચકાયો?તે બધું હવે પછીના લેખમાં જોઈશું… જય શ્રી કૃષ્ણ

https://divyamudita.com/bhagvad-geeta-ark-7/Writer : સરોજબેન નાયક , રીટાયર્ડ  શિક્ષિકા
TV સિરિયલ અને વેબ સીરિઝ એક્ટ્રેસ
YouTuber : GyanTrusha
Gandhinagar Metro & Cloth Look Fashion Magazine International

Related Posts