લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક: ૮

અર્જુનની મૂંઝવણ
યુદ્ધનો આરંભ થવાની તૈયારી હતી. અને અર્જુન બોલ્યો કે મારો રથ બંને સૈન્યોની વચ્ચે ઉભો રાખો. જેથી મારે જેમની સાથે લડવાનું છે. તેમને હું જોઈ શકું. શ્રી કૃષ્ણ ભગવાન તેમના સારથિ હતા. અર્જુનનો હુકમ પાળવો તે તેમનું કર્તવ્ય સ્વનિર્મિત હતું. તેમણે જ સ્વીકાર્યું હતું. તેમણે અર્જુનના હુકમ વિશે કોઈ આનાકાની ન કરી. અને માટે ભગવાન કૃષ્ણને “અચ્યુત” નામથી પણ સંબોધવામાં આવે છે. જેમ ભક્ત ભગવાનની સેવા કરવા સદા તત્પર રહે છે તે જ રીતે ભગવાન પણ સાચા ભક્તની સેવા કરવા સદા તત્પર રહેતા હોય છે. અહીં સેવા કરવાનો અર્થ ખૂબ વિશાળ છે. ફક્ત ભગવાનની મૂર્તિને નવરાવવી, વાઘા પહેરાવવા, તેની રોજ પૂજા કરવી… તેવો નથી કરવાનો. પરંતુ સેવાનો અર્થ ભગવાનને ગમતું કર્મ, ભગવાનને ગમતું આચરણ કરવાનો છે. ભગવાનને કોઈ ભક્ત સાચા અંતરથી માનવ સેવા કરે, એક માનવ બીજા માનવને મદદ કરે, ઊંચનીચના ભેદભાવ ન રાખે, કોઈનું દિલ ના દુખાવે… તેને ભગવાનની સેવા સમજવી . જયારે શુદ્ધ ભક્ત ભગવાનને આજ્ઞા આપવાની સ્થિતિ પ્રાપ્ત કરે છે ત્યારે ભગવાનને વિશેષ આનંદ અનુભવાય છે. અર્જુન પોતાના પિતરાઈ ભાઈ- ભાંડુંઓ સાથે યુદ્ધ કરવા નહોતો માંગતો. પરંતુ દુર્યોધનના દુરાગ્રહને કારણે તેણે રણક્ષેત્રમાં આવવું પડેલું. અને માટે અર્જુન તે જાણવા માગતો હતો કે રણમેદાન પર અવાંછિત યુદ્ધ માટે ઉપસ્થિત અગ્રણીઓ કેટલી હદે કૃતનિશ્ચયી થયા હતા?. દુર્યોધન તેના પિતા ધૃતરાષ્ટ્રના સાથ સહકારથી જ આ પાપ પૂર્ણ યોજનાઓ કરી પાંડવોનું રાજ્ય પચાવી પાડવા માંગતો હતો. અને એટલે અર્જુન દ્રઢ પણે માનતો હતો કે દુર્યોધનના પક્ષે જે જે લોકો હતા તે બધા આ યોજનાઓમાં સંમત હતા!!! અને એટલે શ્રીકૃષ્ણે બંને પક્ષોનાં સૈન્યના મધ્યભાગમાં તે રથને ઊભો રાખ્યો. ત્યાં દુર્યોધનની સેનામાં ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણ અને અન્ય બીજા રાજાઓ પણ હતા. બંને પક્ષોની સેનાની મધ્યમાં ઉભેલા અર્જુને પોતાના કાકાઓ, દાદાઓ, આચાર્ય, પિતરાઈ ભાઈઓ, પુત્રો, પૌત્રો મિત્રો તથા અન્ય શુભેચ્છકોને જોયા!!!

https://divyamudita.com/bhagvad-geeta-ark-8/અહીં આપણને પ્રશ્ન એ થાય છે કે જો પાંડવો ધર્મને રસ્તે હતા, સાચા હતા, વિનમ્ર હતા, આજ્ઞાંકિત હતા. તો પછી ભીષ્મ પિતામહ, દ્રોણ ગુરુ અને બીજા રાજાઓ દુર્યોધનના પક્ષે કેમ રહ્યા? કેમ એ લોકો પાંડવોનું સારપણ / સાચપણ વર્ણવી ન શક્યા? કેમ કોઈએ પણ દુર્યોધન ધૃતરાષ્ટ્ર ને સાચી હકીકત ન બતાવી? ન્યાય ના કર્યો? મિત્રો, આજે પણ, આજના જમાનામાં, આપણી આસપાસ, આપણી સાથે પણ આવું જ થતું આવ્યું હોય છે. જે સદીઓ પહેલા પાંડવો સાથે બનેલું. આપણે જેને પોતાના માન્યા હોય તે જ સમય આવ્યે આપણી સામે પડતા હોય છે. અને માટે જ કોઈ વ્યક્તિઓનો સહારો ન લેતાં, કોઈ વ્યક્તિઓ પ્રત્યે અપેક્ષા ન રાખતાં, કોઈ વ્યક્તિઓ પર વિશ્વાસ ન રાખતાં, ભગવાન પર ભરોસો રાખવાનું ભગવદ ગીતામાંથી આપણે સ્વીકારવું જ રહ્યું. મારા મનમાં ઉઠેલા બધા પ્રશ્નો કદાચ તમારા મનમાંએ ઉઠ્યા હશે. જેમ જેમ ભગવદ્ ગીતામાં આપણે આગળ વધીશું તેમ તેમ આપણા બધા પ્રશ્નોનાં ઉકેલ મળતા રહેશે. તો આપ સર્વે મારી સાથે જોડાયેલા રહેશો. વધુ પછીના લેખમાં… જય શ્રી કૃષ્ણ

https://divyamudita.com/bhagvad-geeta-ark-8/Writer : સરોજબેન નાયક , રીટાયર્ડ  શિક્ષિકા
TV સિરિયલ અને વેબ સીરિઝ એક્ટ્રેસ
YouTuber : GyanTrusha
Gandhinagar Metro & Cloth Look Fashion Magazine International

Related Posts