ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર ન્યૂઝ એન્કર પદ્મિની પ્રકાશની સંઘર્ષમય જીવની
પદ્મિનીનો જન્મ તામિલનાડુના કોઇમ્બતુરમાં રૂઢિચુસ્ત તમિલ પરિવારમાં થયો હતો. પદ્મિનીના પરિવારને જ્યારે જાણ થઈકે તે સ્ત્રીના લક્ષણ ધરાવે છે અને તે રીતે જ જીવન પસાર કરવા માંગે છે ત્યારે તેમણે તેને 13 વર્ષની વયે જ ઘરની બહાર કાઢી મૂકી હતી. તેમનું બાળપણ ખૂબ જ મુશ્કેલીમાં પસાર થયું હતું. લોકો પત્થરો મારતા અને વાળ ખેચી હેરાન કરતાં હતા. તેમણે ઘરેથી નીકળીને આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો પણ આસપાસના લોકોએ તેમનો જીવ બચાવ્યો. ત્યારબાદ લોકોનું નાનુમોટું કામ કરીને તેમણે પોતાનુ જીવન શરૂ કર્યું. તે નાસીપાસ થયા નહીં. તેમણે શાળાનું શિક્ષણ પૂરું કર્યું અને ઓપન યુનિવર્સિટીમાંથી કોમર્સ ગ્રેજ્યુએશન માટે અરજી કરી પરંતુ જાતિય ભેદભાવ, આર્થિક મુશ્કેલી તેમજ સ્થાનિક જાતિની ઓળખાણ માટે થતી હેરાનગતિને કારણે બીજા વર્ષ પછી કોલેજ છોડી દેવાની ફરજ પડી.
2004 માં તે ટ્રાન્સજેન્ડ થઈ અને થર્ડ જેન્ડર તરીકે પોતાનો સ્વીકાર કરી પદ્મિની પ્રકાશ બની ગયી. તે જ વર્ષે 2004 માં તેમના જૂના ફેમિલી મિત્ર નાગરાજ પ્રકાશ સાથે લગ્ન કર્યા. તેમના પતિએ તેમને વધુ અભ્યાસ કરીને IAS બનવાની પ્રેરણા આપી પરંતુ આર્થિક તકલીફને કારણે તેમનુ સપનું પૂરું થઈ શક્યું નહીં. આ દંપતીએ સાથે મળી પુત્ર જયા ને દત્તક લીધો છે. તેમના માતા-પિતા એક જ શહેરમાં રેહવા છતાં તેમનો કોઈ જ સંપર્ક નથી. તેઓએ હજી સુધી આ સ્વીકાર્યું નથી. તેમનું માનવું છે કે જ્યારે કોઈપણ માતા-પિતાને ખબર પડેકે તેમનું બાળક ત્રીજી જાતિનું છે તો તેનો સ્વીકાર કરી સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડાયેલુ રાખવું જોઈએ. અલગ પાડવું જોઈએ નહીં. પદ્મિની એક ક્લાસિકલ ડાન્સર છે અને ભરતનાટ્યમ પણ શીખી છે. તેણે તામિલ ટેલીવિઝન સિરિયલ માં પણ અભિનય કર્યો છે. તેમણે ટ્રાન્સજેન્ડર બ્યુટી કોન્ટેસ્ટ માં ભાગ લીધો હતો. જેમાં 2007માં મિસ ટ્રાન્સજેન્ડર તામિલનાડું અને 2009 માં મિસ ટ્રાન્સજેન્ડર ભારતનો તાજ મેળવ્યો હતો. પદ્મિની પ્રકાશ લોટસ દૈનિક ન્યુઝ ચેનલ માં ન્યુઝ શોને ઍંકર કરનારી ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર છે. જેણે તામિલનાડુંમાં સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે. 15 ઓગસ્ટ 2014ના રોજ સાજે 7 વાગે પદ્મિની એ તામિલ ન્યુઝ ચેનલમાં શો હોસ્ટ કરીને ઇતિહાસ રચ્યો હતો. NALSA ના સીમાચિહન રૂપી ચુકાદાપછી લોટસ દૈનિક ન્યુઝ ચેનલે થર્ડ જેન્ડર ન્યુઝ એન્કરની શોધ કરી હતી. તેમણે પદમીની ને 2 માસની વોઇસ તાલીમ આપી તૈયાર કરી હતી. ત્યારથી આજ સુધી દરરોજ સાજે 7 વાગે પદ્મિની શો હોસ્ટ કરવા માટે હાજર રહે છે.
સ્ટાર વિજય ટીવીના રોઝ વેંકટેશન દ્વારા તેમની પ્રશંસા કરવામાં આવી હતી તેમણે જ પદ્મિનીને ન્યુઝ શો હોસ્ટ તરીકે લેવાની ભલામણ કરી હતી
લોટસ ચેનલમાં ટ્રાન્સજેન્ડરને ન્યુઝ શો હોસ્ટ કરવાની ભલામણ સંગીત કુમાર અને સરવાના રામાકુમાર દ્વારા કરવામાં આવી હતી. કારણકે જયારે તેઓ ઓફિસથી ઘરે જતાં હતા ત્યારે રસ્તા માં તેમણે લોકોને ટ્રાન્સજેન્ડર સાથે ખુબજ ખરાબ રીતે વર્તન કરતાં જોયા હતા. તેમને લાગ્યુકે આ નકારાત્મક વલણ બદલવું જોઈએ અને મેનેજમેન્ટમાં વાત કરી અને તેમના અધ્યક્ષ જી.કે.સેલ્વાકુમારે તે પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. સ્ટાર વિજય ટીવીના રોઝ વેંકટેશન દ્વારા તેમની પ્રશંસા કરવામાં આવી હતી તેમણે જ પદ્મિની ને ન્યુઝ શો હોસ્ટ તરીકે લેવાની ભલામણ કરી હતી. ચેનલના મુજબ આ ટી.આર.પી વધારવાનો સ્ટંટ નથી પણ ટ્રાન્સજેન્ડર લોકોને માન આપવાનો આશય છે.
પદ્મિની પ્રાઇમ ટાઈમનો શો હોસ્ટ કરવાથી ખૂબ ખુશ છે તેનું કારણ જણાવતા તેઓ કહે છે કે તેના કારણે તેમના સમુદાયને ભારત અને વિશ્વમાં નવી ઓળખ મળી છે. એક અનુમાન મુજબ ભારતમાં 5 લાખથી વધારે ટ્રાન્સજેન્ડર છે જે ભીખ માગીને કે નૃત્ય કરીને જીવન નિર્વાહ કરતાં હોય છે. તેમની જાતિને કારણે તેમને સમાજથી દૂર કરવામાં આવ્યા છે. સુપ્રિમકોર્ટના સીમાચિહન રૂપી ચૂકાદાના કારણે તેમને ત્રીજી જાતી તરીકે માન્યતા મળી છે. જેના કારણે જાતિય લઘુમતી માટે સમાજના વિવિધ દરવાજા ખૂલ્યા છે. આ ચુકાદો દેશના ઘણા ટ્રાન્સજેન્ડર માટે આશાની કિરણ છે જેમને રોજિંદા જીવનમાં ભેદભાવ અને દુરુપયોગનો સામનો કરવો પડે છે. ભારત ઉપરાંત નેપાળ,બાંગ્લાદેશ, પાકિસ્તાને પણ ટ્રાન્સજેન્ડરને માન્યતા આપી છે.
સંકલન : જયેશ પ્રજાપતિ || ફોટો સોર્સ : ગુગલ