નિત્ય સમાચાર લેખાનુભુતિ

ઓ દુનિયા કે રખવાલે…એક પ્રતિભાવ

ઓ દુનિયા કે રખવાલે……..એક પ્રતિભાવ
(રફી સાહેબની પુણ્ય તિથિ નિમિત્તે)

ફિલ્મ બૈજુ બાવરાનું મોહમ્મદ રફી સાહેબે ગાયેલું ગીત એ અમર ગીત છે.એના ઘણા કારણો છે. આ ગીત એક હિંદુ ભજન છે જેમાં ભક્ત ભગવાનને પોતાના દુઃખ બાબતે પ્રાર્થના કરે છે અને ભગવાનની મૂર્તિ માંથી આંસુ વહે છે. હવે આ ગીત લખનાર શકીલ બદાયુની, ગાનાર રફી સાહેબ અને સંગીત નિયોજક નૌશાદ સાહેબ બધા જ મુસ્લિમ છે. છતાં જે ભાવ, પ્રેમ, ઊર્મિ આ ગીતના શબ્દોમાં અને સંગીતમાં તથા ફિલ્મમાં દેખાય છે તે અવર્ણનીય છે. ગીતની ધૂન રાગ દરબારીમાં નૌશાદ સાહેબે એટલી સુંદર બનાવી છે કે ખરેખર જ મુર્તિની આંખમાંથી આંસુ સરી જાય. તદ્દન નીચા સૂરોથી શાંતિપૂર્વક ભગવાન… ભગવાન…. એવા શબ્દોથી ગીતનું મંડાણ થાય છે.જેમ કે શિયાળાની સવારનો સૂર્ય ઉગતો હોય.પરંતુ ગીત જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તેના સ્વરો ગતિ પકડે છે અને આગળ જતા ગ્રિષ્મના સૂર્યની જેમ જાણે કે ગીત તપવા માંડે છે અને વચ્ચે ભગવાન ભલા હો તેરા…. કહીને શૌર્યના ભાવથી ભગવાનને પણ ‘સંભળાવી’ દેવામાં આવે છે અને સૌથી છેલ્લી પંક્તિમાં રખવાલે શબ્દથી ભગવાનને જાણે હાકોટા કરવામાં આવે છે અને છતાં ભગવાન સાંભળતા નથી માટે ભક્ત તેમને ઊંચા સૂરોમાં બોલાવે છે અને સૌથી છેલ્લે રખવાલે….. શબ્દ તાર સપ્તકમાં પ સુધી લઇ જવામાં આવ્યો છે. એ તો એક ઈતિહાસ બની ગયો છે.આ ફિલ્મ એ બૈજુ બાવરા નામના આપણા મહાન ગાયક વિશે છે.પરંતુ આ ગીત પરથી લાગે છે કે કદાચ બૈજુ બાવરા પોતે જ ગાતો હશે.

https://divyamudita.com/punya-tithi-of-rafi-sahib/ગીતકારે એવાશબ્દો ગોઠવ્યા છે કે એક એક શબ્દ જાણે હીરા-મોતી છે. આ ગીતમાં જાણે કે કોઈ શબ્દ કે પંક્તિ વધારાના છે જ નહીં. જુઓ

आग बनी सावन की बरसा, फूल बने अंगारे
नागन बन गई रात सुहानी, पत्थर बन गए तारे
શ્રાવણ નો વરસાદ આગ બની ગયો છે,ફૂલ અંગારા બની ગયા છે. રાત નાગણ જેવી બની ગઈ છે અને આકાશના સીતારા પથ્થર જેવા બની ગયા છે. ગાયક ની મનોસ્થિતિ નું યથોચિત વર્ણન

चांद को ढूँढे पागल सूरज, शाम को ढूँढे सवेरा
मैं भी ढूँढूँ उस प्रीतम को, हो ना सका जो मेरा
ચંદ્ર ને પાગલ સુરજ શોધે છે, સાંજને સવાર શોધે છે. હું પણ એવા એક પ્રિયતમને શોધું છું કે જે મારો થયો નથી. વળી આ પ્રકારની વેદના ભગવાનને કહેવામાં આવે છે અને એ પણ પ્રાર્થના દ્વારા. એ જ પોતાના પ્રેમની પરાકાષ્ઠા બતાવે છે.

महल उदास और गलियां सूनी, चुप-चुप हैं दीवारें
दिल क्या उजड़ा दुनिया उजड़ी, रूठ गई हैं बहारें
ઉદાસ મહેલ, ઉદાસ ગલીઓ,ચૂપચાપ ઊભેલી દીવાલો રૂઠી ગયેલી વસંત ઋતુ ઓ… વગેરે વગેરે શબ્દોમાં બૈજુના મનમાં ઉત્પન્ન થયેલો વિષાદ કેટલો સચોટ રીતે પ્રતિબિંબિત થયો છે.બાકી શહેર ભરેલું છે આથી મહેલો, ઘર કે ગલી ઉદાસ હોવાનો પ્રશ્ન જ નથી.પરંતુ ગાનાર ના મનમાં જે ઉદાસી ભરેલી છે, તેને લીધે તેને એવું અનુભવાય છે. આગળ તો ભગવાનને એવું પણ કહે છે કે તારું મંદિર તૂટી જાય તો પાછું બનશે પણ મારા તૂટેલા દિલનું શું?

मंदिर गिरता फिर बन जाता, दिल को कौन सम्भाले,
તમે જેને પ્રાર્થના કરો છો તેને જ તમે કહો કે તારું ઘર તુટશે તો નવું બનશે.પરંતુ મારા ઘરનું એટલે કે દિલનું શું? આ શબ્દોમાં ભક્તના મુખે કવિએ જે ખુમારી કે અસ્મિતા બતાવી છે એ ખરેખર માન્યામાં નથી આવતી. ગજબ કર્યો છે કવિએ.

https://divyamudita.com/punya-tithi-of-rafi-sahib/રફી સાહેબે આ ગીત ગાઈને આપણા બધાના પર મોટો ઉપકાર કર્યો છે. રફી સાહેબે આ સુર ન ગાયા હોત તો આપણે બધા અસુર બની ગયા હોત.આ ગીત એ ગાયકીની દુનિયાનો એક milestone બની ગયું છે. એને ગાવું કે નકલ કરવી એ આજે પણ એક પડકાર ગણાય છે.વળી એ પડકારો ઝીલ્યા પછી પણ એ ભાવ, એ આર્દ્રતા, એ લાચારી, એ આર્જવ, એ મીઠાશ આવે છે કે નહીં એ કોને ખબર!!આજે ટેકનોલોજીના જોરે ઘણા લોકો સ્કેલ ડાઉન કરીને આ ગીત ગાય છે. એ જુદી વાત છે જો કે એ પણ ગીત-સંગીત ગાયકી વગેરે પ્રત્યેનો ભાવ જ છે. સૌથી છેલ્લે ચર્ચા કરવાની છે મહાન જૂના કલાકાર ભારત ભૂષણજી ની.ભારતભૂષણ એ વીતેલા સમયના સુપરસ્ટાર હતા.એ જમાનામાં ગાડીઓ અને બંગલાવાળા હતા.જીવનના ઉત્તરાર્ધમાં એમની આર્થિક સ્થિતિ બગડી ગઇ હતી.જો કે મુળ વાત છે અહીં એમના અભિનયની.પાત્ર પ્રમાણે ભારત ભૂષણજીનો ચહેરો એટલો બધો બંધબેસતો લાગે છે કે જાણે સાચે જ બેજુ બાવરા હોય.એ જ લાચાર ચહેરો, નિર્દોષ આંખો, ભોળપણ. .. વગેરે વગેરે અને એમણે આ ગીતને પડદા ઉપર ખરેખર અભિનય દ્વારા અમર કરી દીધું છે.

આમ, જુઓ તો ખરા!! ગીત ના તમામ પાસા અત્યંત બળવાન હોય પછી ગીત અમર થાય એમાં નવાઈ પણ ન હોય.પરંતુ આ ગીતમાં એના તમામ બનાવનારાઓએ જાણે કે જીવ રેડી દીધો છે અને ફિલ્મની તો વાત છોડો. પરંતુ માત્ર આ ગીતને ઓસ્કાર આપી શકાય એમ છે. એ પણ એક નહીં ત્રણ, કારણકે તમામ બનાવનારાઓને એવોર્ડ આપવો પડે. આજની નવી પેઢી આવા અદભુત ગીતોથી વંચિત ન રહી જાય એ માટે પણ કોઈ યોજના બનાવવી જોઈએ.કારણકે આજનું બાળક આવતીકાલનો નાગરિક છે માટે આ વારસો, આ ખજાનો આવતીકાલે આ જ બાળકોના હાથમાં આવવાનો છે.

Writer : કર્દમ મોદી, M.Sc,M.Ed
                પાટણ.

Related Posts