લેખાનુભુતિ

યક્ષનો છઠ્ઠો પ્રશ્ન કયો હોઈ શકે?

મહાભારતનો એક સુવિખ્યાત પ્રસંગ છે કે પાંડવો જ્યારે યક્ષના તળાવ ઉપર પાણી પીવા ગયા ત્યારે કોઈક કારણથી તે મૃત્યુ પામ્યા હતા.ત્યારબાદ યુધિષ્ઠિર ગયા ત્યારે યક્ષે યુધિષ્ઠિરને પાંચ પ્રશ્નો પૂછ્યા અને એવી શરત મૂકી કે જો તમે મારા પાંચ પ્રશ્નોનો જવાબ આપશો તો હું તમારા ભાઈઓને જીવતા કરીશ ત્યારબાદ યુધિષ્ઠિરે પાંચ પ્રશ્નોના જવાબ આપ્યા અને તેમના તમામ ભાઈઓ જીવતા થયા હતા.

https://divyamudita.com/sixth-question-by-yaksh/પ્રશ્ન એ થાય છે કે યક્ષનો છઠ્ઠો પ્રશ્ન કયો હોઈ શકે? મારા મત પ્રમાણે છઠ્ઠો પ્રશ્ન એ હોઈ શકે કે પૃથ્વી પરની સૌથી મોટી કરુણતા કઈ છે?મારી દ્રષ્ટિએ પૃથ્વી ઉપરની સૌથી મોટી કરુણતા એ છે કે બાળકને બાળપણમાં રમવા ન મળે. સામાન્ય રીતે આ પ્રકાર ની વાત થાય ત્યારે આપણને એવો જ વિચાર આવે કે બાળક અનાથ હશે, ગરીબ અથવા અપંગ હશે.પરંતુ અફસોસ કે હવે નવા વિકલ્પો પણ ઉમેરાયા છે.આજના બાળકને નાનપણથી શિક્ષણ તરફ ધકેલી દેવામાં આવે છે અને એના ઉપર શિક્ષણના પરિણામનું એટલું બધું બિનજરૂરી દબાણ ઉત્પન્ન કરવામાં આવે છે કે બાળકો નાનપણમાં સદંતર રમી શકતા નથી.રમવું એટલે શું? એની એમને ખબર પણ નથી.આપણી દેશી રમતો પણ ભુલાઈ ગઈ છે. નાનપણમાં પડવાથી,લડવાથી અને આખડવાથી પોતાનું શરીર પણ મજબૂત થઈ શકે છે એવી એને કશી ખબર નથી.નાના બાળકો હવે રફ અને ટફ દેખાવાના બદલે તદ્દન ગલગોટા જેવા દેખાતા હોય છે.કારણ કે તેઓ કોઈ પ્રકારનો શારીરિક સંઘર્ષ કરતા નથી.એટલું જ નહીં પરંતુ ઘરમાં પણ તેમની પાસે કોઈ જાતનું કાર્ય કરાવવામાં આવતું નથી.કોઈ ઘર કામો કરાવવામાં આવતા નથી. આથી બાળકોના શરીરનો યોગ્ય વિકાસ પણ થતો નથી અને બાળકો ગલગોટા જેવા જ રહે છે.

આવા બાળકો કદાચ બૌદ્ધિક રીતે આગળ નીકળી જાય પરંતુ એમનું જ્ઞાન નરી ગોખણપટ્ટીથી વધારે હોતું નથી. અને આપણે જાણીએ છીએ તેમ આ પ્રકારની ગોખણપટ્ટી વિશેષ અભ્યાસ માટે કંઈ ખાસ ઉપયોગી થતી નથી.આવી ગોખણપટ્ટી માત્ર નીચલા ધોરણોમાં જ ચાલે છે.ઉપલા ધોરણોમાં ભણવા માટે બાળકમાં સમજણ હોવી જરૂરી છે નહીં કે ગોખણપટ્ટી. આમ શિક્ષણના નામે આજના બાળકના બાળપણનું જે બલિદાન દેવાઈ રહ્યું છે એ ખરેખર અત્યંત કરુણ બાબત ગણાવી જોઈએ.

Writer : કર્દમ મોદી,M.SC.,M.Ed.
પાટણ

Related Posts