લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક:૧૧

કૃષ્ણના ઘણું સમજાવ્યા છતાં અર્જુને કહ્યું કે ‘હું યુદ્ધમાં લડીશ નહીં’. ત્યારે કૃષ્ણે એને હજી વધું સમજાવતાં કહ્યું કે’ તું વિદ્વાન છે. વિદ્વતા ભરી વાતો કરે છે. પરંતુ જેનો શોક કરવા જેવો નથી તેના માટે તું શોક કરી રહ્યો છે’… જે વિદ્વાન હોય તેઓ જીવિત કે મૃત માટે શોક કરતા નથી.
આપણે ભગવદ્ ગીતાના લેખમાં એક પછી એક જીવનના સત્ય જાણી રહ્યાં છીએ. કૃષ્ણ અર્જુનને જે ઉપદેશ છે તે આપણે પણ જીવનમાં ઉતારવાના પ્રયત્નો કરીશું. તો આપણું જીવન સરળ બનશે.
https://divyamudita.com/bhagvad-geeta-ark-11/કૃષ્ણે અર્જુનને કહ્યું છે કે જીવિત અથવા મૃત માટે વિદ્વાનો શોક નથી કરતા. આપણે આપણા સ્વજનોને જ્યારે ગુમાવીએ છીએ ત્યારે આપણને શોક, દુઃખ થાય છે કારણકે આપણે સામાન્ય માનવ છીએ. એટલે આપણે આપણી લાગણીઓ વ્યક્ત કરીએ છીએ. પરંતુ ગીતાજ્ઞાન દ્વારા આપણે આપણી લાગણીઓ પર કાબુ રાખી તટસ્થ ભાવ કેળવવાનું શીખી જઈશું.શરીર જન્મે છે એટલે આજે કે આવતીકાલે તેનો વિનાશ તો ચોક્કસ પણે થવાનો જ છે. તેથી આત્મા જેટલો મહત્વપૂર્ણ છે તેટલું શરીર મહત્વપૂર્ણ નથી. ગીતાસારમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે જેવી રીતે દેહધારી આત્મા આ નશ્વર શરીરમાં કુમારાવસ્થામાંથી યુવાવસ્થામાં અને પછી વૃદ્ધાવસ્થામાં એમ નિરંતર પસાર થતો રહે છે. તેવી જ રીતે મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં પ્રવેશે છે. ધીર પુરુષ વ્યક્તિ આવા પરિવર્તનથી મૂંઝાતો નથી. વ્યક્તિનો આત્મા મૃત્યુ વખતે શરીર બદલે છે. અને અન્ય શરીરમાં તે પ્રવેશ કરે છે.. અર્જુનને જેમના મૃત્યુ માટે બહુ ચિંતા થતી હતી તે ભીષ્મ, દ્રોણ કે અન્ય સ્વજન માટે શોક કરવાનું કોઈ જ કારણ ન હતું બલકે તેણે તો આનંદિત થવા જેવું હતું કે તેઓ જૂનો દેહ બદલી નવો દેહ ગ્રહણ કરશે. માટે, આવી પરિસ્થિતિમાં શોક કરવાનું કોઈ કારણ રહેતું નથી. જે મનુષ્યને, વ્યક્તિને,,, આત્મા, પરમાત્મા અને ભૌતિક તથા આધ્યાત્મિક પ્રકૃતિનું પૂર્ણ જ્ઞાન હોય તેણે મનુષ્યના શરીર પરિવર્તન સમયે વ્યાકુળ થવું જોઈએ નહીં. આવું શ્રીકૃષ્ણ અર્જુનને અને સાથે સાથે સમગ્ર મનુષ્ય જાતિને ઉપદેશ આપે છે અને વધુમાં જણાવે છે કે જીવનમાં આવતા સુખ અને દુઃખ તો શિયાળા અને ઉનાળાની ઋતુઓના આવવા અને જવા સમાન છે. સુખ અને દુઃખ આપણી ઈન્દ્રિય અનુભૂતિ માંથી જન્મે છે. આવા સમયે મનુષ્યે અસ્વસ્થ થયા વિના સહન કરતા શીખવું જોઈએ. સુખ અને દુઃખને પ્રસન્નતામાં ફેરવતા શીખવું જોઈએ. અને મનુષ્યે વિચલિત થયા વગર બંને પરિસ્થિતિમાં સમાન વર્તન કરવું જોઈએ. સમભાવે બંને પરિસ્થિતિમાંથી પસાર થતાં જો આવડી જાય તો દુઃખ આપણને પરેશાન નહીં કરી શકે. શરીર વૃદ્ધ થાય છે પરંતુ ચિરસ્થાયી આત્મા નહીં. આપણા શરીરમાં રહેલી ચેતના આત્માને કારણે હોય છે. જો શરીરમાંથી ચેતનાને કાઢી નાખવામાં આવે તો ફક્ત શરીર જ બચે છે. જેને આપણે ‘મૃતદેહ’ તરીકે ઓળખીએ છીએ. ગમે તેટલા ભૌતિક ઉપચારો દ્વારા ચેતનાને પાછી લાવી શકાતી નથી. કારણ કે ચેતના આત્માને કારણે હોય છે. શરીરનો નાશ થાય છે. આત્માનો નહીં. માટે, હે ભરતવંશી અર્જુન, યુદ્ધ કર.
આમ, શ્રી કૃષ્ણ ભગવાન યુદ્ધના મેદાનમાં અર્જુનને આત્મા અને શરીરનો સંબંધ બતાવે છે. અને શરીરને હણવા માટે પ્રેરણા આપે છે અને શોક ન કરવાનું કહે છે.

https://divyamudita.com/bhagvad-geeta-ark-11/Writer : સરોજબેન નાયક , રીટાયર્ડ  શિક્ષિકા
TV સિરિયલ અને વેબ સીરિઝ એક્ટ્રેસ
YouTuber : GyanTrusha
Gandhinagar Metro & Cloth Look Fashion Magazine International

Related Posts