લેખાનુભુતિ

ભગવદગીતા અર્ક- ૧૨

શરીર વગર આત્માને ઓળખવો કેમ?
આજના લેખમાં આપણે આ પ્રશ્નનો જવાબ જાણીશું:
આપણે આના પહેલાંના લેખમાં જોયું કે ભૌતિક શરીરનો નાશ થાય છે, આત્માનો નહીં. કારણ કે આત્મા નથી હણતો કે નથી હણાતો.. જ્યારે દેહધારી જીવાત્માને પ્રાણ ઘાતક શસ્ત્રોથી જખમી કરવામાં આવે છે. ત્યારે ફક્ત શરીર જ જખમી થાય છે. જીવ કે આત્મા નહીં.
અર્જુનની યુદ્ધ માટેની પીછેહઠમાં શ્રી કૃષ્ણ તેને આત્મા, શરીર, મન, જીવન, મૃત્યુનો ઉપદેશ કેવો આપે છે તે અહીં આપણે જોઈએ છીએ. શ્રીકૃષ્ણ અહીં આત્માને અજન્મા, સનાતન અને પુરાતન રૂપે વર્ણવે છે. આત્મા એ પરમાત્માનો અંશ છે. શરીરનું રૂપાંતર થાય છે. તે માતાની કુખે જન્મે છે, થોડો વખત રહે છે,વૃદ્ધિ પામે છે, કેટલીક અસરો ઉત્પન્ન કરે છે, અને ધીરે ધીરે ક્ષીણ થાય છે, છેવટે વિસ્મૃતિમાં અદ્રશ્ય થાય છે. જ્યારે આત્મામાં આવા પરિવર્તનો નથી થતાં. આત્મા અજન્મા છે. પરંતુ તે ભૌતિક શરીર ધારણ કરતો હોવાથી શરીર જન્મે છે. આત્મા જન્મતો પણ નથી અને મરતો પણ નથી. આત્મા માટે ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળ નથી. તે નિત, શાશ્વત અને પુરાતન છે. શરીર વૃદ્ધ થાય છે, આત્મા નહીં. માટે, કહેવાતો વૃદ્ધ માણસ પોતાની અંદર બાલ્યાવસ્થા કે યુવાવસ્થાનો ભાવ અનુભવે છે. 

https://divyamudita.com/bhagvad-geeta-ark-12/આત્મા હંમેશા ચેતનાથી ભરપૂર છે. ચેતના એ આત્માનું લક્ષણ છે. જેમ આપણે વાદળોને કારણે સૂર્યને જોઈ શકતા નથી પરંતુ આપણને ખબર તો પડે જ છે કે દિવસનો સમય છે થોડો પ્રકાશ દેખાય છે એટલે આકાશમાં સૂર્ય છે જ. તેવી રીતે આપણા શરીરમાં જ્યાં સુધી ચેતના છે ત્યાં સુધી આત્માની ઉપસ્થિતિ પણ છે જ. આમ, શ્રીકૃષ્ણ અર્જુનને સાક્ષી ભાવ શીખવે છે. કૃષ્ણ કહે છે,” હે પાર્થ, હે અર્જુન, આત્મા અવિનાશી, સનાતન અને અવિકારી છે. જો કોઈ મનુષ્ય એવું જાણી શકે તો તે કોઈને કેવી રીતે હણી શકે? અથવા હણાવી શકે? જેમ ન્યાયાધીશ કોઈ અપરાધીને પ્રાણ દંડ આપે છે છતાં તે માટે ન્યાયાધીશને દોષી નથી ગણવામાં આવતાં તેવી જ રીતે જ્યારે કૃષ્ણ અર્જુનને યુદ્ધ કરવાનો આદેશ આપે છે ત્યારે યુદ્ધ કરનાર દોષી નથી. તેવું શ્રીકૃષ્ણ અર્જુનને સમજાવે છે. તે વખતનું યુદ્ધ એ સર્વોપરી ન્યાય માટે હતું. તે વખતે થતી હિંસા તે હિંસા નથી પરંતુ ન્યાય છે. અને તે હિંસામાં આત્મા તો હણાતો જ નથી. પરંતુ શરીર જણાય છે. “જેવી રીતે મનુષ્ય જુનાં વસ્ત્રો ત્યજીને નવાં વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે આત્મા વૃદ્ધ તથા નકામાં શરીરો ત્યજીને નવાં ભૌતિક શરીર ધારણ કરે છે.” શ્રીકૃષ્ણ અર્જુનને ઉપદેશ આપે છે કે તેણે વૃદ્ધ પિતામહ અને ગુરુના દેહાંતર માટે શોક ન કરવો જોઈએ. ઊલટું તેણે તેમના દેહોના વધ કરવામાં પ્રસન્નતા અનુભવવી જોઈએ. કે જેથી સત્વરે તેઓ વિભિન્ન દૈહિક કર્મોના ફળથી મુક્ત થઈ જશે. દૈહિક પાપમાંથી મુક્ત થશે. અને ઉચ્ચલોકને પામશે. તેથી અર્જુને તેના માટે શોક કરવાનું કોઈ કારણ નથી. અહીં આપણને પેલો ખુબ તત્વજ્ઞાન દર્શાવતો શ્લોક મળે છે. જે ખુબ ટુંકમાં ખુબ ગહન વાત સમજાવી જાય છે.

नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः। न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः।।2.23।।

મતલબ કે “આત્માને કોઈ શસ્ત્રથી છેદી શકાતો નથી. અગ્નિથી બાળી શકાતો નથી. પાણી તેને ભીંજવી શકતું નથી કે પવનથી તે સુકાતો નથી.” દરેક વ્યક્તિગત આત્માઓ પરમાત્માથી અલગ થયેલા અંશો છે. તેઓ સનાતન રીતે વ્યક્તિગત અણુઆત્માઓ હોવાથી તેઓ માયા શક્તિ વડે આવૃત થવાનું વલણ ધરાવે છે. અને શરીર ધારણ કરે છે. આ અંગે વધુ આપણે આવતા લેખમાં જોઈશું… જય શ્રીકૃષ્ણ.

https://divyamudita.com/bhagvad-geeta-ark-12/Writer : સરોજબેન નાયક , રીટાયર્ડ  શિક્ષિકા
TV સિરિયલ અને વેબ સીરિઝ એક્ટ્રેસ
YouTuber : GyanTrusha
Gandhinagar Metro & Cloth Look Fashion Magazine International

Related Posts