લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક-૯

અર્જુનનો રથ બન્ને સેનાઓની મધ્યમાં આવી ઉભો રહ્યો. અર્જુને પોતાના જ સગાંઓ, પોતાના જ વડીલોને દુર્યોધનને પક્ષે જોયા!!! અર્જુને આ બધાની સામે લડવાનું હતું. કાલ સુધી જે લોકો તેને અઢળક પ્રેમ આપતા હતા, લાડ કરતા હતા, જે લોકોને તે પોતાના સમજતો હતો, જે લોકોનો તે આદર કરતો હતો, જે લોકોનો તે વિશ્વાસ કરતો હતો, જે લોકોથી તે સુરક્ષિતતા અનુભવતો હતો… તે જ મિત્રો, તે જ સ્વજનો, તે જ સંબંધીઓ સાથે આજે તેણે લડવાનું હતું. કારણ કે તેઓ સામે પક્ષે હતા!!! એ જ લોકો સામે તેણે તીર્ ચલાવવાનાં હતાં…..
અર્જુનનાં ગાત્રો શિથિલ થવા લાગ્યાં. તેના અંગો ધ્રૂજવા લાગ્યાં. તેનું મુખ સુકાવા લાગ્યું. શ્રેષ્ઠ ધનુર્ધર એવો અર્જુન જાણે કે શરીરમાં શક્તિ જ રહી ન હોય તેવું અનુભવવા લાગ્યો. મિત્રો, જ્યારે આપણી વ્યક્તિ જેને આપણે આપણી વ્યક્તિ માની હોય, જેને આપણે દિલથી માન આપ્યું હોય, જેના માટે આપણે કેટલીય કઠિન પરિસ્થિતિઓનો સામનો કરી તે વ્યક્તિને ઊની આંચ પણ ન આવવા દીધી હોય, તેવી વ્યક્તિના જ દુરાગ્રહને કારણે જ્યારે આપણે એની સામે લડવાનું આવે ત્યારે આપણી પણ અર્જુન જેવી જ પરિસ્થિતિ થતી હોય છે.

અર્જુન કહે છે: હે કૃષ્ણ, પોતાના જ સ્વજનોને હણવાથી કોઈનું કલ્યાણ કેવી રીતે થાય? કોઈ સુખ કેવી રીતે પ્રાપ્ત કરી શકે? ને અમે પાંડવો જે લોકો માટે રાજ્યસુખ ઈચ્છીએ છીએ તેઓ બધા જ તો આ યુદ્ધક્ષેત્રમાં ગોઠવાયેલા છે.

અર્જુનનું “ગાંડીવ” ધનુષ તેના હાથમાંથી સરી પડ્યું. તેની ત્વચા બળી રહી છે. મગજમાં સૂનકાર વ્યાપી ગયો છે. તેનું અંતઃકરણ બળી રહ્યું છે. તે જાણે છે કે સ્વયં ભગવાન તેના પક્ષે છે એટલે તેનો વિજય થવાનો જ છે. પરંતુ, સામા પક્ષના નિર્દોષ સૈનિકોનો વિનાશ થશે, કેટલાય સ્વજનો તે ગુમાવશે… તેવા વિચારથી તે કાંપી ઉઠયો છે. તેનું મન ભમી રહ્યું હતું. તે વિચારતો હતો કે યુદ્ધમાં તેનો વિજય તો તેના પોતાના માટે જ શોકનું કારણ બની જશે. તેનો વિજય પોતાનાં સ્વજનોના ભોગે મળશે. એવો વિજય અર્જુનને ન્હોતો જોઈતો. તેણે શ્રીકૃષ્ણ ભગવાનને કહ્યું,” હે કૃષ્ણ, પોતાના જ સ્વજનોને હણવાથી કોઈનું કલ્યાણ કેવી રીતે થાય? કોઈ સુખ કેવી રીતે પ્રાપ્ત કરી શકે? ને અમે પાંડવો જે લોકો માટે રાજ્યસુખ ઈચ્છીએ છીએ તેઓ બધા જ તો આ યુદ્ધક્ષેત્રમાં ગોઠવાયેલા છે. અને હે મધુસુદન, ગુરુજનો, પિતામહ, મામાઓ, પૌત્રો તથા અન્ય સગાંસંબંધી તેમના પ્રાણ ત્યજવા તત્પર છે અને મારી સામે ઊભા છે. મારા સામેના પક્ષમાં છે. તો તેઓ ભલે ને મને હણી નાખે..તોય હું એ બધાને હણવાની ઈચ્છા શા માટે રાખું? હે ગોવિંદ, આ બધાને હણીને બદલામાં મને જો ત્રણેય લોકનું રાજ્ય મળતું હોય તો પણ મારે આ બધાની સાથે નથી લડવું. મારે એ રાજ્ય શા કામનું? ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને પાંડવોને કઈ પ્રસન્નતા પ્રાપ્ત થવાની???”

https://divyamudita.com/bhagvad-geeta-ark-9/ભૌતિક દ્રષ્ટિએ દરેક વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોને સંતોષવા ઈચ્છે છે. અને આવા સંતોષ માટે ભગવાન પોતાના આજ્ઞાનું પાલન કરે તેવું ભક્ત ઈચ્છે છે. પરંતુ ભગવાન ભક્તોને એટલી હદે જ સંતુષ્ટ કરે છે જેટલા માટે તેઓ પાત્ર હોય. નહીં કે ભકત ઈચ્છે તેટલી હદે!! પરંતુ જયારે કોઈ ભકત પોતાના સંતોષની પરવા કર્યા વગર ભગવાનને સંતુષ્ટ કરવાનો પ્રયાસ કરે છે ત્યારે ભગવાનની કૃપાથી તેના જીવનની દરેક ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ જાય છે. અર્જુન પોતાના સ્વજનોને હણવા ઈચ્છતો ન હતો. જો તે બધાને હણવાની જરૂર હોય તો તે માનતો હતો કે સ્વયં કૃષ્ણએ જ તેમનો સંહાર કરવો જોઈએ. આ સમયે અર્જુન જાણતો ન હતો કે કૃષ્ણે તો તે બધાને કુરુક્ષેત્રમાં આવતા પૂર્વે જ હણી નાખ્યા હતા!!! તે તો ફક્ત કૃષ્ણવતી નિમિત્ત જ થવાનો હતો. ભગવદ્ ભક્ત દુષ્ટ પ્રત્યે બદલો લેવા કયારેય ઈચ્છતો નથી. પરંતુ ભગવાન દુષ્ટો દ્વારા થતી ભકતની પજવણી સહન કરી શકતા નથી. ભગવાન પોતાના માટે કોઈ વ્યક્તિને ક્ષમા કરી શકે છે. પણ જો કોઈ તેમના ભક્તોનું અહિત કરે તો તેને તેઓ ક્ષમા આપતા નથી. અહીં અર્જુન પોતાનાં સગાં સંબંધીઓને જોઈ મોહગ્રસ્ત થઈ યુદ્ધ કરવાના પોતાના સંકલ્પને ત્યજી દે છે. આ પછીના લેખમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને જે બોધ આપે છે. તે સંપૂર્ણ આધ્યાત્મિકતાની પરાકાષ્ઠા સમાન બોધ છે. જે આપણે આપણા જીવનમાં પણ અપનાવવા જેવો બોધ રહેશે.જય શ્રી કૃષ્ણ

https://divyamudita.com/bhagvad-geeta-ark-9/Writer : સરોજબેન નાયક , રીટાયર્ડ  શિક્ષિકા
TV સિરિયલ અને વેબ સીરિઝ એક્ટ્રેસ
YouTuber : GyanTrusha
Gandhinagar Metro & Cloth Look Fashion Magazine International

Related Posts