લેખાનુભુતિ

ભગવદ્ ગીતાનો અર્ક-૨

હું હંમેશા એવું દ્રઢપણે માનું છું કે યુવાનવર્ગે ભગવદ્ ગીતા અવશ્ય વાંચવી જોઈએ કારણકે કૌરવ પાંડવ વચ્ચેની અસમાનતા, વેરભાવ, યુદ્ધ વગેરે જેવા પ્રસંગો આપણી જીંદગીમાં પણ થતાં હોય છે.એ યુગ અને આ યુગમાં આસમાન જમીનનો તફાવત છે પરંતું મૂળ માન્યતાઓ, મૂળભૂત બાબતો સમાન છે. એના જેવાં અનુભવોમાં શું કરવું એની સમજણ મળે છે. અને ખાસ તો એ લોકોનું જીવન ચરિત્ર જાણવાથી ભગવાન આપણને ક્યારે ને કેવી રીતે મદદ કરે છે તે જાણવા મળે છે. જીંદગી સીધી લીટીનો ગ્રાફ નથી. દરેકની જિંદગીમાં ઉતાર ચડાવ આવે જ છે.ને એવા સંજોગોમાં આપણે શું કરવું જોઈએ તે સમજાય છે.

ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને યુદ્ધના મેદાનમાં ગીતાનું તત્વજ્ઞાન આપે છે. જે આપણા માટે જીંદગી જીવવાની જડીબુટ્ટી સમાન છે

“ભગવદ્ ગીતા તેના મૂળ સ્વરૂપે” પુસ્તકમાં જણાવ્યા અનુસાર ભગવદ ગીતાનો સંવાદ શ્રી કૃષ્ણ તથા અર્જુન વચ્ચે થયેલો.આ સંવાદમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને યુદ્ધના મેદાનમાં ગીતાનું તત્વજ્ઞાન આપે છે. જે આપણા માટે જીંદગી જીવવાની જડીબુટ્ટી સમાન થાય છે. અને કોઈ પણ કપરા સંજોગોમાં આપણે અજુગતું પગલું નથી ભરતાં એ ખુબ મહત્ત્વની બાબત છે. અર્જુન પોતાના જ પિતરાઈઓ સામે લડવા નથી ઇચ્છતો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને જે જ્ઞાન, બોધ, ઉપદેશ આપે છે તેને આપણે ભગવદ્ ગીતા તરીકે ઓળખીએ છીએ. વધુ એ બાબતે જાણીએ એ પહેલાં આપણે તેમના મૂળ વિશે જાણી લઈએ.
ધૃતરાષ્ટ્ર અને પાંડુ કુરુવંશમાં જન્મેલા ભાઈઓ હતા. ચક્રવર્તી મહારાજ ભરતના વંશમાંથી કુરુવંશ થયેલો. ધુતરાષ્ટ મોટાભાઈ હતા ને પાંડુ નાનાભાઈ. ધૃતરાષ્ટ્ર અંધ હોવાને કારણે રાજ્ય સિંહાસન પાંડુને આપવામાં આવેલું. પાંડુ યુવાન વયે જ મૃત્યુ પામેલા. તેથી તેમના પાંચ પુત્રો યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવની સંભાળ રાખવાની જવાબદારી ધૃતરાષ્ટ્ર પર આવેલી. ધૃતરાષ્ટ્ર થોડા સમય માટે રાજા થયેલા. આમ ધૃતરાષ્ટ્રના સો પુત્રો અને પાંડુના પાંચ પુત્રો સમાન રીતે રાજ્ય પરિવારમાં ઉછરેલા. ગુરુ દ્રોણાચાર્ય દ્વારા સમાન રીતે શસ્ત્ર વિદ્યાનું શિક્ષણ આપવામાં આવેલ અને ભીષ્મ પિતામહ દ્વારા માર્ગદર્શન…
https://divyamudita.com/bhagvad-geeta-no-ark-2/આમ છતાં ધુતરાષ્ટના સૌથી મોટા પુત્ર દુર્યોધનને પાંડવો પ્રત્યે ખુબ જ નફરત હતી. તે પાંડવોની ઈર્ષ્યા કરતો. ધૃતરાષ્ટ્ર પણ દુર્બળ હોવા છતાં પોતાના પુત્રોને રાજ્ય અધિકાર વારસામાં મળે તેવું ઇચ્છતા હતા. દુર્યોધને ધૃતરાષ્ટ્રની સંમતિથી જ પાંડુના યુવાન અને બધી રીતે સક્ષમ બનેલા પાંડવોને મારી નાખવાનું કાવતરું કરેલું. પરંતુ તેમના કાકા વિદુર અને મામાના દીકરા કૃષ્ણની કાળજીને કારણે પાંડવો તે કાવતરામાંથી ઉગરી ગયા.
ભગવાન કૃષ્ણ કોઈ સાધારણ મનુષ્ય ન હતા. એ તો સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર હતા. જ્યારે તેમણે પૃથ્વી પર અવતરણ કર્યું ત્યારે તે સમયે તેઓ એક રાજવંશના રાજકુમારની ભૂમિકા ભજવી રહ્યા હતા. અને આ ભૂમિકામાં તેઓ મહારાજ પાંડુની પત્નીના ભત્રીજા હતા. તે સગપણની રીતે તેમજ શાશ્વત ધર્મના સંરક્ષણ રૂપે ભગવાન શ્રીકૃષ્ણ હંમેશા સત્યનિષ્ઠ અને ધર્મનિષ્ઠ પાંડુપુત્ર પાંડવોના પક્ષે રહ્યા હતા અને તેમનું રક્ષણ કરતા રહેતા હતા. પરંતુ કપટી દુર્યોધને પાંડવોને જુગાર રમવા આહવાન આપેલ ત્યારે જુગારમાં દુર્યોધને તેમના મામા શકુનીની દોરવણી હેઠળ કપટ કરેલું. દુર્યોધનના કપટને કારણે પાંડવોની હાર થયેલી. પાંડવો પોતાની બધી સંપત્તિ તો હારી જ ગયેલા પણ તેમણે પોતાની પત્નીને પણ દાવ પર લગાડી(પત્નીને સંપત્તિ ગણેલી) અને દુર્યોધને દેવી દ્રૌપદીનું ભરી સભામાં વસ્ત્રાહરણ કરેલું. ભગવાને ત્યાં દ્રૌપદીને દૈવી સહાય કરેલી. પાંડવો હારી જતાં તેમને 13 વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો હતો. વનવાસથી પાછા ફર્યા બાદ પાંડવોનું શું થયું તે આ પછીના લેખમાં આપણે જોઈશું ત્યાં સુધી… જય શ્રી કૃષ્ણ.

https://divyamudita.com/bhagvad-geeta-no-ark-2/Writer : સરોજબેન નાયક , રીટાયર્ડ શિક્ષિકા
TV સિરિયલ અને વેબ સિરીજ એક્ટ્રેસ
YouTuber : GYANTRUSHA
લેખક : ગાંધીનગર મેટ્રો & Cloth Look Fashion Magazine ( International)

Related Posts