નિત્ય સમાચાર

શિક્ષકની બદલી થતાં બાળકો ધ્રુસકે ધ્રુસકે રડ્યા

ગુજરાતમાં પ્રાથમિક શિક્ષક માટેનો જિલ્લા આંતરિક બદલી કેમ્પનો પ્રથમ તબક્કો થયો જેમાં સમગ્ર રાજ્યમાંથી 11326 શિક્ષકોની બદલી કરવામાં આવી. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાની શાળાઓમાં શિક્ષકોનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો. ચાણક્ય એ કહ્યું છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમે પલતા હૈ.  આ ઉક્તિને સાર્થક ડીસા તાલુકા ખેંટવા ગામના શિક્ષક જિગરભાઈ જોશીએ કરી છે, બદલી કેમ્પમાં તેઓની બદલી પાલનપુર તાલુકામાં થતાં તેમના વિદાય સમારંભમાં બાળકો પોક મૂકીને રડ્યા હતા. તેમની ભણવવાની આગવી શૈલી, પ્રેમાળ સ્વભાવ અને દરેક બાળકને પધ્ધતિસરનું શિક્ષણ આપવામાં અગ્રિમતાને કારણે બાળકો અને ગ્રામજનોને તેમના પ્રત્યે ખૂબ જ લાગણી છે. આવા માયાળુ ગુરુને કારણે બાળકો ખૂબ જ ભાવુક થયા હતા. તેમને શાળા છોડી ન જવા વિનતિ કરતાં જોવા મળ્યા હતા. આવા જ દ્રશ્યો કાંકરેજ તાલુકાનાં નગોટ શાળાના શિક્ષિકા હેતલબેન ડોડીવાડિયા અને ભાભર તાલુકાનાં ગોસણ ગામની પ્રાથમિક શાળાના શિક્ષક અતુલભાઈ પટેલના વિદાય સમારંભમાં પણ જોવા મળ્યા હતા. વિદાય સમારંભમાં શિક્ષકોએ અત્યાર સુધી કરેલા કામનું પરિણામ જોવા મળ્યું હતું જે તેમને મન કોઈ મોટા એવોર્ડ થી કમ નહોતું. નાના ભૂલકાઓને રડતા જોઈ આ શિક્ષકોને ખૂબ જ મોટું ધન કમાયા હોય તેવો એહસાસ થતો હતો. સમાજએ શિક્ષકનું દર્પણ છે શ્રેષ્ઠ સમાજનું નિર્માણ ઉત્તમ શિક્ષકને આભારી છે. શિસ્ત,ક્ષમા અને કરુણા જેમનામાં સમાયેલા છે. ફૂલોની સુગંધ માત્ર પવનની દિશા તરફ જ ફેલાય છે પણ એક ઉત્તમ શિક્ષક અને ઉત્તમ વ્યક્તિ દ્વારા કરેલ કાર્ય ની કિર્તિ ચારે દિશા માં ફેલાય છે. આજના યુગના આવા ગુરૂજનોને શત શત નમન.

સંકલન : જયેશ પ્રજાપતિ

Related Posts