નિત્ય સમાચાર

અનાથ બાળકો અને નિઃસહાય વૃધ્ધો માટે આજીવન મફતમાં રહેવાની વ્યવસ્થા કરનાર દેવ યોગી

દેવ યોગી કે સાક્ષાત દેવ દુત – 88 વર્ષની જીવન યાત્રા કરી અનંત યાત્રાએ ચાલ્યા ગયા. પોતાના અવાજમાં ખૂબ જ નિર્ભરતા અને સાહસિક તેમજ સમાજના દીનદુખીયાની સેવા કરવા માટે પોતાના પરિવારનો પણ ત્યાગ કરનાર ત્યાગમૂર્તિ. માણસનો જન્મ થાય એટ્લે તેનું મૃત્યુ થવું સ્વાભાવિક છે પણ કેટલાક જીવ આ દુનિયામાં પોતાની સુગંધ કાયમ માટે ફેલાવી જતાં હોય છે તેમાના એક હતા યોગી દેવચંદભાઈ (દાદા). ડોક્ટર થઈ જરૂરિયાતવાળા લોકો વચ્ચે જઇ તેમને મદદરૂપ થવાની તેમની ઈચ્છા હતી. પણ ડોક્ટર ન થવાયુ એટ્લે વૈજ્ઞાનિક બની ખુલ્લા પડતર ખેતરો સદા હરિયાળા બનાવવાની ધૂન લાગી. એટ્લે વનસ્પતિ શાસ્ત્રમાં પીએચડી કર્યું. ત્યારબાદ કડી સાયન્સ કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા હતા. પરંતુ ત્યાં સંશોધન કરવાની તક ના મળી.

 જીવનમાં કઈક કરવું હતું એટ્લે સતત વિચારતા વિચારતા અપંગો ની સેવા કરવાનું વિચાર્યું. દિવ્યાંગ બાળકોની સેવા કરવાની નેમ સાથે 1984માં મહેસાણા જિલ્લાના કડી ખાતે મમતા કેન્દ્રની સ્થાપના કરી હતી. તેમની સેવાકીય પ્રવૃતિથી પરિવારના સભ્યો નારાજ થયા અને સંઘર્ષ થયો અંતે પરિવારના સભ્યોને મકાન,દાગીના,પૈસા આપી સદાને માટે સંસારનો ત્યાગ કરી “વસુધૈવ કુટુંબકમ“ નો રસ્તો પકડ્યો. મમતા કેન્દ્રમાં બાબુ નામનો છોકરો આવ્યો હતો. તે જ્યારે બકરા ચરાવવા ગયો ત્યારે વીજ વાયર તેની ઉપર પડયો હતો. તેના હાથમાં ખુબજ ઇજા થવાથી ગેંગરીન થયું હતું. જેના કારણે એક હાથ ખભાથી અને બીજો હાથ કોણીથી કપવો પડ્યો હતો. તેના માં-બાપ તેને મમતા કેન્દ્ર માં છોડીને જતાં રહ્યા હતા. દેવચંદ દાદાએ તેને પગથી ખાતા અને મોઢામાં પેન રાખી લખતા શીખવાડયું. બાબુ મમતા કેન્દ્ર આઠ વર્ષ રહ્યો. ધોરણ 10 પાસ કરી તેને નોકરી પણ મળી ગઈ. તેના લગ્ન થયા અને તેને બે બાળકો છે. બાબુ જેવા 40 થી વધુ દિવ્યાંગ બાળકો મમતા કેન્દ્રમાં રહી સમાજમાં ઠરી ઠામ થયા છે.  મમતા કેન્દ્રની પ્રગતિ જોઈ અમુક હિતશત્રુ લોકોને તેમના પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થયો. અને મારવા સુધીના પ્રયત્નો કરવામાં આવ્યા. એક સમયે રાત ના સુમારે સ્કૂટર પર તેઓ એકલા જઇ રહ્યા હતા ત્યારે વિરોધી ગ્રૂપ દ્વારા સ્કૂટરને પાછળથી ટક્કર મારી મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પણ તે બચી ગયા. ટક્કર મરનારે કહ્યું કે પાછો બચી ગયો જે તેમણે સાંભળ્યુ.

એક વખત સાંજના સમયે ત્રણ માણસ મમતા કેન્દ્ર જોવું છે તેમ કહી આવ્યા હતા. ત્યાં 100 થી વધુ દિવ્યાંગ બાળકો કિલ્લોલ કરતાં હતા. આ માણસો પ્રાર્થનામાં બેઠા, બાળકોને મળ્યા, સ્ટાફને મળ્યા પછી ચા નાસ્તો કરીને તેમના નિવાસ સ્થાને ગયા. ત્યાં ગયા પછી એક માણસે કહ્યું કે દાદા અમે જે કામ કરવા આવ્યા હતા એ કામ કર્યા વગર પાછા જઈએ છીએ. દાદાએ કહ્યું આવ્યા છો તો કામ પતાવીને જ જજો. હું તમારા માટે જમવાની વ્યવસ્થા કરાવું છું. પેલા માણસે કહ્યું અમે તો તમારું ખૂન કરવા આવ્યા હતા.  દાદા એ કહ્યું કઈ વાંધો નહીં અંધારું થવા આવ્યું છે તમારા કામની કોઈને ગંધ પણ નહીં આવે. ત્રણે જણા દાદાના પગમાં પડ્યા અને કહ્યું અમે સોળ ગુના કર્યા છે આ અમારો સત્તરમો ગુનો હોત. પણ આપ જેવા દેવતા ને મળીને અમારું હ્રદય પરીવર્તન થયું છે હવે અમારું દિલ માનતું નથી અને તેમના પગ ની ધૂળ માથે ચડાવી ત્યાથી ચાલ્યા ગયા. અંતે મમતા કેન્દ્ર બીજા ટ્રસ્ટીઓને સોંપી કલોલ તાલુકાનાં હાજીપુર ગામે “મંથન” શરૂ કરી સમાજના લોકોની સેવા કરી ત્યાં સાત વર્ષ કામ કરી ત્યાથી પણ વિદાય લીધી.

https://divyamudita.com/dev-yogi-arranged-free-living-for-orphans/
મંગલ જીવન ટ્રસ્ટમાં ટ્રસ્ટી જીતુભાઈ,મનીષાબેન અને દાતાશ્રી સાથે દેવચંદ દાદા

સને 1997માં કોલેજમાથી પ્રોફેસર તરીકે રિટાયર્ડ થયા ત્યારે નિવૃતિમય જીવન કોઈક શાંત જગ્યાએ બેસીને સમાજની સેવા કરવાનું વિચાર્યું.  સિધ્ધપુર પાસેના સેદ્રાણા ગામે તેઓ જમીન જોવા ગયા તે જમીન તેમને પસંદ પડતાં કડી ખાતેના મિત્રો ને તેની જાણ કરી. ત્યારબાદ તેઓ સૌ જમીન જોવા આવ્યા. જમીન જોતાં તેમના તમામ મિત્રો એ ઝાડી,ઝાંખર અને બાવળ જોવાથી આવી જમીન ના લેવાય તેવી સલાહ આપી પણ તેઓ મક્કમ રહેતા મિત્રોએ કહ્યું કે અમે તને કોઈપણ પ્રકારની મદદ કરીશું નહીં આજથી આપણા સંબંધો અહી પૂરા થાય છે , તેમણે મિત્રોને કહ્યું કે જમીન માટેના પૈસા હું મારા નિવૃતિના રૂપિયામાથી આપું છું આ સંસ્થાને સૌ પ્રથમ હું ડોનેશન આપું છું. છ માસ પછી અહિ કાંટાની જગ્યાએ ગુલાબ જોવા મળે તો મને મળજો તેમ કહી તેમણે પોતાના રૂપિયાથી 25 વીઘા જમીન ખરીદી. અને તમામ જમીન મંગલ જીવન ટ્રસ્ટને અર્પણ કરી. અને પોતાના પેન્શનની રકમમાંથી ફકત 5000 રૂપિયા પોતાની જરૂરિયાત માટે રાખી બાકીના તમામ પૈસા આશ્રમમાં આપવાની નેમ તેમણે રાખી.

જમીન રાખી ત્યારે બે લીમડા અને બે ખીજડા ના ઝાડ હતા. અત્યારે મંગલમ ના કેમ્પસ માં 4000 થી વધારે વૃક્ષો,છોડ અને વેલીઓ ફૂલિફાલી છે. એમાં દમવેલ, તુલસી, અર્જુન, અંકોલ, અરીઠા, આંબળા, અરડૂસી, ખાખરો, બીજોરુ, ગળો, ગૂગળ જેવી અનેક ઔષધીઓ છે. તેમાથી ચ્યવનપ્રાશ અને પેઇન બામ વગેરે બનાવી આપવામાં આવે છે. ભારત સરકાર તરફથી ઔષધી બાગની મંજૂરી પણ મળેલ છે. આંબા, ચીકુ, જામફળ, મોસંબી, સંતરા, લીંબુ, પપૈયા, જાંબુ જેવા ઝાડ છે. સાગ, સીસમ, મેહોગાની, ચંદન અને વાંસની લીલી જાતો જેવા ઉપયોગી કીમતી વનસ્પતિઓ પણ છે. મોર અને વિવિધરંગી પક્ષીઓ જોવા મળે છે. નાગ, ચિત્તળ, ધામણ,આંધળું ચાકરણ જેવા સર્પો મુક્ત રીતે વિહાર કરે છે. અહી નાનકડા અભ્યારણ ની પ્રતીતિ થાય છે.  

શરૂઆતમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. વન વગડાની વચ્ચે સૂમસામ જગ્યા હતી. ચોરોનો ઉપદ્રવ હતો. અઠવાડિયે એકવાર તો રાત્રે ચોરો આવે જ , કોઈક વાર અનાજ લઈ જાય, કોઈવાર વાસણ લઈ જાય, એક પાણી ની ટાંકી લઈ ગયા. 10 વર્ષમાં પગભર થવાના સંકલ્પ સાથે મંગલમ ની શરૂઆત કરવામાં આવી. મહેસાણાના એક ભાઈએ 10 નહીં પાંચ વર્ષ માં પગભર થઈ શકાય તેમ કહી પહેલા બટાટા પછી બાજરી અને પછી મગફળી વાવવાનું સૂચન કર્યું અને પોતે તેની સંભાળ રાખશે તેમ કહ્યું તેમ કરતાં વર્ષના અંતે પોતાની પાસે હિસાબ રાખી છેલ્લે નુકશાન આવ્યું છે તેમ બતાવ્યુ. અંદાજે લાખો રૂપિયાનું નુકશાન થયું. પરંતુ ધીરે ધીરે શુધ્ધ ભાવનાથી કામ કરતાં દાતાઓનો સાથ અને સહકાર મળવા લાગ્યો.

https://divyamudita.com/dev-yogi-arranged-free-living-for-orphans/
મંગલ જીવન ટ્રસ્ટનું હરિયાળું નંદનવન

સૌ પ્રથમ માં-બાપ વગરના બાળકો માટે કલરવ બાળ સંભાળ ગૃહ શરૂ કરવામાં આવ્યું. જેને સરકારના ચાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ પ્રમાણે માન્યતા મળેલ છે. જેમાં બાળકોને ભણવા, રહેવા, જમવા, આરોગ્ય, પ્રવાસ, પર્યટન અને જીવનની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. તે ઉપરાંત વૃધ્ધો માટે દાતા ના સહયોગથી “વૃધ્ધાશ્રમ” બનાવવામાં આવ્યું છે જેમાં ઘરથી અને સમાજથી તરછોડાયેલ ઘરડા દાદા-દાદીઓનું વિશ્રામસ્થાન છે જેમાં તેમની રહેવા, જમવા અને આરોગ્યની તમામ સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. તે ઉપરાંત મંગલમના અંતેવાસીઓને ચોખ્ખું અને પૂરતું દૂધ મળે તે હેતુ ગૌશાળા બનાવવામાં આવી છે ગાયોને રહેવામાટે અધ્યતન શેડ પણ છે. વરસાદનું પાણી સંગ્રહ કરવામાટે 40 લાખ લિટર પાણી સમાય તેવી ખેત તલાવડી બનાવી છે. રૂ.40 લાખ ના ખર્ચે કુદરતી ઉપચાર કેન્દ્ર બનાવવામાં આવ્યું છે જેમાં અધ્યતન સાધનોથી દવા વગર સારવાર કરવામાં આવે છે. તેમના કાર્યને તેમના સેવક ગણો કે શિષ્ય એવા મનીષાબેન અને જીતુભાઈ ઘણા વર્ષોથી સુપેરે નિભાવી રહ્યા છે. તેઓ આ નંદનવનને વધુ ઊંચાઈ પર લઈ જાય અને સમાજની વધુમા વધુ સેવા કરી શકે તેવી શુભેચ્છા.

મંગલમમાં અવાર નવાર લોક શિબિર, કિશોર કિશોરી શિબિર, સાહિત્યિક કોષ્ઠિઓ, મેડિકલ કેમ્પ થતાં રહે છે તેનો આજુબાજુની જનતાને પણ લાભ મળે છે. અનાથ બાળકો અને નિઃસહાય વૃધ્ધો માટે આજીવન મફતમાં રહેવાની વ્યવસ્થા કરનાર આવા મૃદુ સ્વભાવના સાચા સેવકે જ્યારે આ ફાની દુનિયા છોડી છે ત્યારે પરમ પિતા પરમાત્મા તેમના આત્માને ચીર શાંતિ આપે તેવી પ્રાર્થના.

સંકલન : જયેશ પ્રજાપતિ , મહેસાણા , સહયોગ : મનીષાબેન સથવારા

Related Posts