ઇસ્કોન સંપ્રદાય દ્વારા શ્રીમદ ભગવત ગીતા ધર્મગ્રંથનું નિ:શુલ્ક વિતરણ
હિન્દુ ધર્મ અનેક ધર્મગ્રંથોથી સમૃદ્ધ છે. પરંતુ, તેમાં શ્રીમદ્ ભગવત ગીતાનું મહત્વ અનેરું છે. સંસ્કૃત ભાષામાં લખાયેલ આ મહાકાવ્ય મહાભારતનો એક ભાગ છે. સંપૂર્ણ ગીતા યુદ્ધના મેદાનમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને કહેવામાં આવી હતી. ૧૮ અધ્યાય અને ૭૦૦ શ્લોકથી રચાયેલ ગીતા સદીઓથી મનુષ્યને માર્ગદર્શન પૂરું પાડતી આવી છે. ગીતાને ફક્ત ભારતમાં જ નહીં પરંતુ, વિદેશમાં પણ પવિત્ર તથા આદરણીય ધર્મગ્રંથ માનવામાં આવે છે. ઇસ્કોન સંસ્થા સામાન્ય રીતે ‘હરેકૃષ્ણ’ નામથી પ્રખ્યાત છે. આ સંસ્થાના સ્થાપક એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ કે જેમણે ઇ.સ. ૧૯૬૬ માં ન્યૂયોર્કમાં આ સંસ્થાની સ્થાપના કરી હતી. શ્રીમદ્ ભાગવતમ્ અને ભગવદ્ ગીતાના મૂળ ઉપદેશો પર જ આધારિત આ સંસ્થા પશ્ચિમ બંગાળની ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય પર આધારિત છે. વિશ્વમાં ઇસ્કોનના ૪૦૦ કેન્દ્રો છે. જ્યાં શાળાઓ, ખેતરો અને ભોજનાલયો આવેલાં છે. જેમાં જરૂરિયાતમંદ લોકોને શ્રીકૃષ્ણના પ્રસાદ રૂપે ભોજન પૂરું પાડવામાં આવે છે. ૬૦ દેશમાં આ સંસ્થા ૭,૦૦,૦૦૦ વ્યક્તિઓને ભોજન પૂરું પાડે છે. આ સંસ્થાનું ભક્તિ વેદાંત બુક ટ્રસ્ટ વૈષ્ણવ પરંપરાના સિદ્ધાંતો અને શિક્ષાને સમગ્ર વિશ્વમાં પહોંચાડવા આજે ૬૦ વધુ ભાષાઓમાં પુસ્તકો અને શાસ્ત્ર ઉપલબ્ધ કરાવે છે.
ઇસ્કોનના અનેક કેન્દ્રો અર્થાત મંદિરો આવેલા છે આ સંપ્રદાયમાં શ્રીમદ્ ભગવત ગીતા ધર્મગ્રંથનું વર્ષોથી નિ:શુલ્ક વિતરણ સામાન્ય જનમાનસને કરાવવામાં આવે છે. આ વિતરણ કાર્યક્રમમાં ફક્ત સ્થાનિક ભક્તો જ નહીં પરંતુ, વિદેશથી આવતા ભક્તો પણ સહભાગી બને છે. અમદાવાદમાં આવેલ ઇસ્કોન સંપ્રદાય દ્વારા દર વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં મોટી સંખ્યામાં શ્રીમદ્ ભગવત ગીતા ધર્મગ્રંથનું વિતરણ કરવામાં આવે છે. જેમાં આનંદની વાત એ છે કે છેલ્લા ૫ વર્ષમાં જ ઇસ્કોન સંપ્રદાય દ્વારા ૬ લાખથી વધુ ધાર્મિક ગ્રંથનું વિતરણ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં જ આવેલ હરેકૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા પણ દર વર્ષે લગભગ દોઢ લાખથી વધુ શ્રીમદ્ ભગવત ગીતા ધર્મગ્રંથનું વિતરણ કરવામાં આવે છે. મંદિરના પ્રમુખ કલાનાથ ચૈતન્યદાસના મતે, ભક્તો ધર્મ અને ગીતાનું મહત્વ સમજે તે હેતુથી શ્રીમદ્ ભગવત ગીતાનું વિતરણ કરવામાં આવે છે. તેની જાળવણીની જવાબદારી તમામ વ્યક્તિની છે. આ શુભ કાર્ય સફળતા પ્રાપ્ત કરતું રહે તેવી શુભેચ્છા!
સંકલન : દિપીકા અગ્રાવત || દિવ્યામુદિતા ટીમ