ગુજરાતમાં થયું ૨૭ દર્દીઓના જીવનમાં નવજીવન આપનાર અંગદાન
શારીરિક ખોડખાંપણનો સામનો વ્યક્તિને જન્મજાત કે આકસ્મિક ઘટનાથી કરવો પડતો હોય છે. આ અપંગતા વ્યક્તિને ફક્ત શરીરથી પીડા નથી આપતી પરંતુ, માનસિક રીતે પણ વ્યક્તિને પીડિત કરે છે. વ્યક્તિને સ્વનિર્ભર બનવામાં ઘણીબધી પરિસ્થિતિઓનો સામનો પણ કરવો પડે છે. આવા સમયે મનુષ્ય દ્વારા કરવામાં આવતું અંગદાન અપંગ વ્યક્તિ માટે નવજીવન પ્રદાન કરનાર થઈ પડે છે. અંગદાન ક્ષેત્રે ઘણા બધાં ઓર્ગેનાઇઝેશન સંકળાયેલ છે. જે શારીરિક ખોડખાંપણ તથા શારીરિક અસ્વસ્થતાને દૂર કરવામાં તથા વ્યક્તિને સ્વસ્થ જીવન પ્રદાન કરવામાં વરદાન રૂપ સાબિત થાય છે. આવા પુણ્યોદય કરનાર કાર્યમાં હર્ષના સમાચાર પ્રાપ્ત થયા છે.
ગુજરાત રાજ્યમાં અંગદાન ક્ષેત્રે કાર્યરત સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (સોટ્ટો) અંતર્ગત માત્ર છ દિવસમાં ૧૦ અંગદાન પ્રાપ્ત થયા છે. જેમાં, ૧૬ કિડની, ૯ લિવર, ૧ હૃદય તથા હાથની એક જોડ અંગદાનમાં મળી છે. આ ૧૦ અંગદાનમાંથી અમદાવાદ અને સુરતની સિવિલ હોસ્પિટલમાંથી ૯ અંગદાન તથા ખાનગી હોસ્પિટલમાંથી ૧ અંગદાન કરવામાં આવ્યું હતું. અંગદાતાએ કરેલ આ અંગદાનથી ૨૭ જરૂરિયાતમંદ દર્દીના જીવનમાં નવજીવનનો ઉદય થયો છે. શારીરિક ખોડખાંપણથી પીડિત વ્યક્તિ માટે આ અંગદાન તેમના જીવનમાં સોનેરી સવાર લઈને આવ્યું છે. ૬૩મા ગુજરાત સ્થાપના દિનના પ્રથમ અઠવાડિયામાં આ ઐતિહાસિક ક્ષણ વિશેની માહિતી સોટ્ટોના કન્વીનરે આપી હતી. આપણા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મંગળવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં સોટ્ટો અંતર્ગત થઈ રહેલ આ કાર્યને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બિરદાવ્યું છે. આ ઉપરાંત, તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં સિવિલ સર્વિસિસ ડેના દિવસે સરકારના સોટ્ટો એકમને ઇનોવેશન સ્ટેટ કેટેગરીમાં વડાપ્રધાન હસ્તે એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. આ ઉમદા કાર્યમાં અંગદાન કરનાર તથા સોટ્ટોના કાર્યક્રમની સફળતા બદલ સૌને ખૂબ ખૂબ અભિનંદન!
સંકલન : દિપીકા અગ્રાવત || દિવ્યામુદિતા ટીમ