લેખાનુભુતિ

વિશ્વ ચકલી દિવસ (20 માર્ચ)

20 માર્ચનો દિવસ સમગ્ર દુનિયામાં “વિશ્વ ચકલી દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આપણે બાળગીત સાંભળ્યુ હશે …

ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં ? આવશો કે નહીં ?

બેસવાને પાટલો , સુવાને ખાટલો , આપીશ તને..  આપીશ તને …

એવું સુંદર મજાનું બાળગીત બાળકોને વધારે પ્રિય છે, મિત્રો ભાગ્યે જ કોઈ એવું બાળક હશે કે જેને ચકલી કે ચકલા પ્રત્યે મોહ માયા કે મમતા ન હોય. અરે દોસ્તો, બાળક તો શું મોટેરાઓને પણ ચકલી એટલીજ પ્રિય હોય છે. તમે ચકાભાઇ અને ચકીબેનની ખિચડી ની વાર્તા સાંભળી જ હશે. એવી તો ચકલીની કેટલીય વાર્તાઓ છે જે બાળકોને સાંભળીને મજા આવી જતી હોય છે. કુદરતની લીલા તો જુઓ કેટલી નાનકડી ચકલી છે પરંતુ નાનું બાળક જ્યારે રડતું હોય તો તેની મમ્મી કે દાદી કહે કે જો બેટા ચકી આવી..ચકી આવી, જો ચકી ચી ચી કરે છે ત્યારે બાળક ચકલી સામે જોઈને રડવાનું બંધ કરી દે છે. ચકલી ચી ચી કરે ત્યારે બાળકને મજા આવે છે. આ નાનકડા પક્ષીઓ આપણે જાગીએ તે પહેલા આપણે આંગણે ચણવા માટે આવી જતાં હોય છે અને જુવાર, બાજરી, ચોખા ચણતા ચણતા ચકલી આપણા ઘરની છત, આપણા ઘરના વડીલોના ફોટાઓ કે ભગવાનના ફોટાઓની પાછળ માળો બનાવી રહે છે અને પોતાના બચ્ચાઓનું રક્ષણ કરે છે. પરંતુ જેમ જેમ સમય આધુનિક થતો ગયો તેમ તેમ પાકા મકાનો થવા લાગ્યા તેમજ ઘરમાં ફોટાઓ પણ નીકળી ગયા. તેથી ઘરમાં માળા બનાવવાનું લુપ્ત થઈ ગયું. ચકલીઓ ને રહેવા માટે મુશ્કેલી પડવા લાગી.

https://divyamudita.com/world-sparrow-day/ચકલીઓના બચાવ માટે આપણે કઈક કરવું જોઈએ જેથી તેમને લુપ્ત થતી બચાવી શકાય. ચકલી ની જેમ અન્ય પક્ષીઓ પણ જોવા નથી મળતા તો તેનું કારણ શું હોઈ શકે?

1)વૃક્ષો ઓછા થઈ ગયા. 2) કોંક્રીટ ના જંગલો બની ગયા. 3) ધ્વનિ પ્રદૂષણના કારણે 4) રેડીએશન ના કારણે પક્ષીઓ દેખાતા નથી. 5) માનવીની ખરાબ કુટેવો , પ્રવૃતિઓના કારણે વૃક્ષો ઓછા થતાં જાય છે તેના કારણે પણ પક્ષીઓની સંખ્યા ઘટતી જાય છે.

તેના માટે આપણે શું કરી શકીએ?  પાણીના કુંડા ઘેર ઘેર મૂકીને વ્યવસ્થા કરવી જોઈએ. તેમજ વૃક્ષો વાવવા જોઈએ , પક્ષીઓને ચણ મળી રહે તે માટે પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ.

ચાલો આપણે બધા ચકલી દિવસે પ્રતિજ્ઞા કરીએ કે ચકલીઓને તેમજ અન્ય પક્ષીઓને બચાવવા માટે શક્ય તેટલા વધુમાં વધુ પ્રયત્નો કરીશું. આપણા આસપાસના લોકોને પણ આવા પ્રયત્ન કરવા માટે પ્રેરિત કરવા જોઈએ. હવે ચકલી ઘર આંગણે સહજ રીતે જોવા મળતી નથી. ચકલીને લુપ્ત થતી અટકાવવા તેના સંરક્ષણ માટે માળાના સ્થાનની પૂર્તિ કરવી જોઈએ. ચકલીના માળાની આજુ બાજુ પાણીનું કૂંડું અને ચણ ની છાબડી રાખવાથી વધુ સારું પરિણામ મેળવી શકાય છે. ખેતર અને બગીચામાં કુદરતી વાડ કરીએ, બાળકોને નાનપણથી જ ચકલી પ્રત્યે લગાવ આપવો જોઈએ, તેના ગીતો,તેની વાતો સંભળાવવી જોઈએ. તેથી બાળકોને ચકલી માટે વ્હાલ પેદા થાય અને તેને બચાવવા માટે તે નાનપણથી જ પ્રયત્નશીલ રહે.

https://divyamudita.com/world-sparrow-day/Writer : Sapna Joshi || Teacher
Volunteer : Sadguru Foundation

Related Posts