સફળ સાહસિક

અથાગ પરિશ્રમથી ક્ષારયુક્ત જમીનમાં હરિયાળી ઉત્પન્ન કરનાર પ્રેરણાદાયી ખેડૂત

ખેડૂતને અન્નદાતા તથા પાલનકર્તા માનવામાં આવે છે. ઠંડી, ગરમી તથા વર્ષામાં પણ તે અથાગ પરિશ્રમ કરતો રહે છે. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મહેનત કરનાર ખેડૂતને ભાગ્ય વિધાતા પણ માનવામાં આવે છે. આવા જ એક ખેડૂતે પ્રતિકૂળતા હોવા છતાં પોતાની સૂઝબૂઝથી ક્ષારવાળી જમીનમાં પણ હરિયાળી ઉભી કરી છે. તદુપરાંત, જુદી જુદી ખેતપેદાશ કરી આર્થિક વૃદ્ધિ પણ હાંસલ કરી છે. પાટણ જિલ્લાના સમી તાલુકાના વઢીયાર પંથકમાં હંમેશા પાણીની સમસ્યા રહેતી આવી છે. ઉપરાંત, ત્યાંની જમીન પણ ક્ષારવાળી છે. આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં ખેડૂત માટે ત્યાં ખેતી કરવી કપરાં કાર્ય સમાન થઈ પડે છે. તેવામાં પાટણના સમી તાલુકાના કાઠી ગામના ખેડૂત ગોવાભાઇ ચુડાસમાએ પોતાના પરિશ્રમ થકી ખેતીમાં સફળતા પ્રાપ્ત કરી છે. પાંચ વર્ષ અગાઉ પોતાના ખેતરમાં ખેતતલાવડી બનાવી, તેમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી પાણીના સ્તરને ઊંચું લાવવા માટે ગોવાભાઇએ પ્રયત્ન કર્યાં. તેમનો આ પરિશ્રમ સફળ રહ્યો. વરસાદી પાણી તથા કુદરતી ખાતરના ઉપયોગ દ્વારા પોતાની દસ વિઘા જમીનમાં તેઓ આજે સફળતાપૂર્વક ઉત્પાદન કરી રહ્યા છે. જેમાં, તેઓ થાઈલેન્ડના લીંબુની જુદી જુદી જાત, સીતાફળ, જામફળ, પપૈયા, આંબા સહિતનું ખેત ઉત્પાદન કરી રહ્યા છે.

https://divyamudita.com/inspiring-farmer-produce-greenery/ખેડૂત ગોવાભાઇ ચુડાસમા અગાઉ કપાસ, જુવાર, બાજરી જેવા પાકનું વાવેતર કરતા હતાં. પરંતુ, ક્ષારયુક્ત જમીનને કારણે પાક ઉત્પાદનમાં તેમની આશા ફળતી નહોતી. જેથી, તેમની આર્થિક સમસ્યાઓ પણ વધી રહી હતી. તેથી તેઓને આ સમસ્યા પરથી બાગાયતી ખેતીની પ્રેરણા મળી. તેમણે સૌપ્રથમ બાગાયતી ખેતીનું માર્ગદર્શન મેળવ્યું અને લીંબુના થોડા છોડ વાવી માવજત પૂર્વક ઉછેર કર્યો. જેમાં તેઓ સફળ રહ્યા. ત્યારબાદ તેમણે અલગ અલગ ખેત ઉત્પાદન શરૂ કર્યું અને ક્ષારયુક્ત જમીનમાં હરિયાળી ઊભી કરવામાં તેઓ સફળ રહ્યા. ખેડૂત ગોવાભાઇની આ પહેલ તથા પરિશ્રમ અન્ય ખેડૂતોને પ્રોત્સાહન આપનાર તથા આવકાર્ય છે.

સંકલન : દિપીકા અગ્રાવત || દિવ્યામુદિતા ટીમ

Related Posts