નિત્ય સમાચાર

માસિક શિવરાત્રિ નિમિત્તે વૃદ્ધાશ્રમોમાં રહેતાં વાનપ્રસ્થિઓને મળ્યો સોમનાથ મહાદેવનો પ્રસાદ

ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલું શ્રી સોમનાથ મહાદેવનું મંદિર ૧૨ જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવે છે. દુનિયાભરમાંથી શિવભક્તો મહાદેવનાં દર્શને આવે છે. ગુજરાતના પશ્ચિમ દરિયા કિનારે આવેલ આ મંદિરનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યો છે. આવા પવિત્ર તીર્થધામની પ્રસાદનો લાભ મહેસાણા જિલ્લાના સાત વૃદ્ધાશ્રમોમાં રહેતા વાનપ્રસ્થિઓને પણ પ્રાપ્ત થયો છે. મહેસાણા જિલ્લા નિવાસી કલેકટર ઇન્દ્રજીત સિંહે વૃદ્ધાશ્રમમાં રહેતા વાનપ્રસ્થિઓને પ્રસાદ રૂપે આપવા માટેની કીટ જય સોમનાથ ટ્રસ્ટને મોકલી આપી હતી. મહેસાણા જિલ્લાના સાત વૃદ્ધાશ્રમોમાં આ કીટ વિતરણ સુચારુ રીતે થાય તેની જવાબદારી જિલ્લા પુરવઠા વિભાગે નિભાવી હતી.

માસિક શિવરાત્રિ પ્રસંગે આ કીટ પ્રસાદ રૂપે વૃદ્ધાશ્રમના વાનપ્રસ્થિઓને આપવામાં આવી હતી. જેમાં મહેસાણાના નાગલપુરમાં આવેલ સ્નેહ કુટીરમાં કીટ વિતરણ દરમિયાન ધારાસભ્ય મુકેશ પટેલ, કલેક્ટર એમ. નાગરાજન, પ્રાંત અધિકારી જાદવ અને મામલતદાર ઉર્વીશભાઈ વાણંદ જેવા અગ્રણીઓએ હાજરી આપી હતી. આ સાત વૃદ્ધાશ્રમોમાં કડી તાલુકામાં બુડાસણ મુકામે સંધ્યા વિશ્રામ, વિસનગર તાલુકામાં વાલમ મુકામે વાનપ્રસ્થાશ્રમ, વિજાપુર સ્થિત રાધાકૃષ્ણ ટ્રસ્ટ, ટીટોદણમાં આવેલ ઘરડાઘર, ઊંઝામાં આવેલ વૃદ્ધાશ્રમ, ખેરાળુ તાલુકામાં તારંગા તળેટીમાં આવેલ વાત્સલ્યધામ અને નાગલપુરમાં સ્થિત સ્નેહ કુટીરનો‌ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ શુભ કાર્ય દ્વારા  વૃદ્ધાશ્રમના કુલ ૧૯૪ વાનપ્રસ્થીઓને ચીકી, લાડુ, મહિલાને સાડી, પુરુષોને ધોતી તથા શર્ટ પીસના વિતરણ દ્વારા સોમનાથ મહાદેવનો પ્રસાદ પ્રાપ્ત થયો હતો. મહાદેવનો આ પ્રસાદ પ્રાપ્ત કરીને સૌએ ધન્યતાની અનુભૂતિ કરી હતી.

સંકલન : દિપીકા અગ્રાવત || દિવ્યામુદિતા ટીમ

Related Posts